Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

આ મકાન અમને આપી દે...કહી સીસીટીવીના વેપારી પરેશભાઇ પટેલ પર ભાઇ-ભાભી સહિતનો હુમલોઃ ધમકી

સંત કબીર રોડ નંદુબાગમાં બનાવઃ ગળુ દબાવવા પ્રયાસઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૪: સંત કબીર રોડ પર નંદુબાગમાં રહેતાં સીસીટીવી કેમેરાના વેપારી પટેલ યુવાનને તેના જ સગા ભાઇ, ભાભી સહિતે મકાન આપી દેવાનું કહી માર મારી ગળુ દબાવી દેવાનો પ્રયાસ કરી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

બનાવમાં બી-ડિવીઝન પોલીસે સંત કબીર રોડ પર નંદુબાગમાં રહેતાં અને સીસીટીવી કેમેરાનો વેપાર કરતા પરેશભાઇ માધવજીભાઇ ભાગીયા (પટેલ) (ઉ.૪૨)ની ફરિયાદ પરથી તેના પડોશમાં જ રહેતાં તેના ભાઇ વિનુભાઇ, ભાભી અમિતાબેન, તેમજ નીતાબેન અને પિયુષભાઇ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

પરેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૧ના રાતે નવેક વાગ્યે હું મારા ઘરેથી બાજુમાં જ આવેલા મારા બીજા મકાને પડેલો સીસીટીવી કેમેરાનો સામાન લેવા મારા ભાગીદાર ભાવેશભાઇ રવજીભાઇ સાથે ગયો હતો. તે વખતે બાજુમાં મારો મોટો ભાઇ વિનુભાઇ તથા તેની પત્નિ અમિતા તેમજ સાથેના નિતાબેન અને પિયુષે મને તું આ મકાન ખાલી કરી નાંખ, આ અમારું મકાન છે તેમ કહી ઝઘડો કર્યો હતો. આ મકાનના ભાગ મારા પિતાજીએ સાતેક વર્ષ પહેલા પાડ્યા હતાં. ત્યારે મકાન મારા ભાગમાં આવ્યું છે. હવે મારો ભાઇ, ભાભી સહિતના મારું મકાન પડાવવા ઇચ્છતા હોઇ ગાળો દઇ મારામારી કરી લીધી હતી. તેમજ ગળુ દબાવી દેવાની કોશિષ કરી મારી નાંખવાની ધમકી આપી હતી.

મને દુઃખાવો થતાં ગોકુલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હવે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં પરેશભાઇએ જણાવતાં એએસઆઇ એસ. ડી. પાદરીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:53 pm IST)