Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

૯૬ લાખની રદ થયેલી નોટો રાજકોટ પહોંચાડાતાં ૧૫ લાખ હાલના ચલણના મળશે તેવી લાલચ હતી

નોટો લઇને રાજકોટ આવેલા ક્રાઇમ બ્રાંચે લુણસરના હરજીવન અને સુરતના ભીખા પટેલને પકડ્યાઃ વાંકાનેરથી નોટો મોકલનારા જ્વેલર્સ સંચાલક કિરણ સોનીની શોધખોળ

રાજકોટ તા. ૪: નોટબંધી વખતે રદ થઇ ગયેલી ૧૦૦૦ અને ૫૦૦ના દરની રૂ. ૯૬,૫૦,૦૦૦ની નોટો લઇને રાજકોટ આવેલા વાંકાનેરના લુણસરના હરજીવન રામજીભાઇ વસીયાણી (પટેલ) (ઉ.૫૨) તથા સુરતના ઓપેરા પ્રિન્સ એપાર્ટમેન્ટ એલ-૧માં રહેતાં ભીખા બાબુભાઇ નરોડીયા (પટેલ) (ઉ.૬૦)ને ફિયાટ કાર જીજે૦૩એફકે-૮૨૨૦ સાથે મવડી પોલીસ હેડકવાર્ટર પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી ક્રાઇમ બ્રાંચે પકડી લીધા હતાં. આ નોટો વાંકાનેરના જ્વેલર્સ સંચાલક કિરણ સોનીએ મોકલ્યાનું હરજીવને રટણ કરતાં પોલીસે કિરણની શોધખોળ હાથ ધરી છે. હરજીવનને આ કામના બદલામાં કિરણે ૨૫ હજારની લાલચ આપી હતી. તેમજ આ નોટો રાજકોટમાં પહોંચાડ્યા પછી સામે હાલના ચલણની ૧૫ લાખની નોટો મળશે તેવી લાલચ પણ અપાઇ હતી.

ક્રાઇમ બ્રાંચના હિરેનભાઇ સોલંકી, મહેશભાઇ મંઢ અને દિપકભાઇ ડાંગરને મળેલી બાતમી પરથી લુણસર-સુરતના બંને પટેલ પ્રોૈઢ અને વૃધ્ધને પકડી લેવાયા હતાં. પોલીસે રદ થઇ ગયેલી નોટો સીઆરપીસી ૪૧ (૧) ડી મુજબ કબ્જે કરી બંનેની અટકાયત કરી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સવરૈયાની રાહબરી અને પીઆઇ એચ. એમ. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ એસ. વી. સાખરા, હેડકોન્સ. ધીરેનભાઇ માલકીયા, મોહસીનખાન મલેક, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર, હિરેનભાઇ સોલંકી, દિપકભાઇ ડાંગર, યોગીરાજસિંહ જાડેજા, કિરીટસિંહ ઝાલા, મનજીભાઇ ડાંગર, જયપાલસિંહ ઝાલા સહિતના આ કામગીરીમાં જોડાયા હતાં.

નોટો મોકલનાર વાંકાનેરનો સોની વેપારી પકડાયા બાદ વધુ વિગતો બહાર આવવાની શકયતા છે. હરજીવને એવું રટણ કર્યુ છે કે પોતાને શેઠ કિરણભાઇ સોનીએ રાજકોટ આ નોટો સાથે પહોંચવા અને પછી પોતે ફોન કરે ત્યારે નોટો જે તે વ્યકિતને આપવાની વાત કરી હતી. આ નોટો સામે હાલના ચલણની પંદર લાખની નોટો અપાશે તેવી લાલચ પણ અપાઇ હતી. તેમાંથી પોતાને પચ્ચીસ હજાર કિરણ સોની આપવાના હતાં. તેવું રટણ હરજીવને કર્યુ છે. બંનેની વિશેષ પુછતાછ થઇ રહી છે.

(12:53 pm IST)