Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

શહેર પોલીસ હવે શિક્ષણ વિભાગના ઇનોવેશન હબ સાથે જોડાઇને કામ કરશે

પોલીસ ખાતાની કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઇનોવેશન હબને જરૂરી માહિતી અપાશેઃ જેથી ઘણી સમસ્યાઓ ઉકેલાશેઃ ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ સમય બચાવે છે

રાજકોટ તા. ૪: રાજ્યના ડીજીપીશ્રી આશિષ ભાટીયા દ્વારા ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો ટેકનોલોજીથી સજ્જ થાય અને હાલના આધુનીક યુગમાં પોલીસ વધુમા વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી સમયના બચાવ સાથે સચોટ કામગીરી કરી શકે તે માટે સમગ્ર રાજ્યની પોલીસ કામગીરી કરી રહી છે. જેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આઇ વે પ્રોજેકટ, રાજકોટ ઇ-કોપ, રાજકોટ સુરક્ષા કવચ, મહાકવચ જેવી ટેકનોલોજી તથા એપ્લીકેશનો વિકસાવી પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામા આવતી કામગીરીને તેમા સમાવેશ કરી જાણીતા ગુન્હેગારો, ટપોરીઓ, એમ.સી.આર. ઇસમો, બુટલેગર્સ, જાણીતા જુગારી તેમજ પોલીસની કામગીરી, નાઇટ પેટ્રોલીંગ, હાજરી વિગેરે માટે આધુનીક એપ્લીકેશનો ખુબજ ફાયદા કારક સાબીત થઇ છે અને સમય પણ બચી રહ્યો છે. હવે શહેર પોલીસ રાજ્યના શિક્ષણ ખાતા સાથે સંકળાયેલ ઇનોવેશન હબ સાથે મળીને કામગીરી કરશે.

રાજ્યના શૈક્ષણીક ખાતા સાથે સંકળાયેલ Innovation Hub કે જે એક તરફ શૈક્ષણીક સંસ્થાઓ સાથે સંકળાયેલ છે તેની સામે બીજી તરફ ગુજરાત સરકારના કાર્યરત અલગ અલગ સરકારી વિભાગો તથા પ્રાઇવેટ સેકટરો સાથે સંકળાયેલ છે જેની કામગીરી બીજી તરફના એટલે કે જેઓને ટેકનોલોજીની જરૂરીયાત છે તેવા વિભાગો, પ્રાઇવેટ સેકટરો સાથે Memorandum of Understanding કરવામાં આવે છે અને તેઓ તરફથી તેમના વિભાગને જે કોઇ ટેકનોલોજીની જરૂરીયાત તેના વિભાગના પ્રશ્નો હોય તેની માહિતી Innovation Hub દ્વારા મેળવવામાં આવે છે અને તે જરૂરી માહિતી અધારે તેઓ શૈક્ષણીક સંસ્થાઓ સાથે સંકળાયેલ હોય જેના પ્રતિભાશાળી યુવાનોને જરૂરી માહિતી પ્રદાન કરી તેને લગત ટેકનોલોજીનો વિકાસ કરવામાં આવે છે જેથી ભારતના પ્રતિભાશાળી યુવાનોને એક પ્લેટફોર્મ મળી રહે છે અને તેઓની પ્રતિભાને પ્રેરણા મળી રહે છે તેની સાથે ભારતમાં સરકારી વિભાગો તથા પ્રાઇવેટ સેકટરોને જરૂરી ટેકનોલોજી જે ખુબજ વ્યાજબી કિંમતમાં મળી રહે છે જયારે બહારથી તે ટેકનોલોજી ખરીદ કરે તો તેઓને ખુબજ વધુ કિંમત ચુકવવી પડે છે જેથી વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં આવનાર છે.

જેથી ડી.જી.પી.શ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુજરાત સરકારના શૈક્ષણીક ખાતા સાથે સંકળાયેલ Innovation Hub સાથે  Memorandum of Understanding કરવામાં આવનાર છે જેથી રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ ડીપાર્ટમેન્ટની કામગીરીમા ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે Innovation Hub ને જરૂરી માહિતી પુરી પાડવામા આવશે જેનાથી કેટલીક સમસ્યાઓનો ઉકેલ થનાર છે.

જેમા બાયોમેટ્રિક બેઝ હાજરી જેનાથી પોલીસ કર્મચારીઓની ઓછામાઓછી પ્રતીક્રીયાથી પણ હાજરી પુરવા તેમજ પોલીસ અધિકારી /કર્મચારીઓ બહાર તપાસમાં પણ જતા હોય તે સમયે પણ તેઓની હાજરી ટેકનોલોજીના માધ્યમથી પુરવા તેમજ પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરવામા આવે છે તેમજ બહાર ગામ તપાસમા જતા હોય જે દરમ્યાન સરકારી વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ઓછામા ઓછા ખર્ચે ઇકોફ્રેન્ડલી ટેકનોલોજી સાથેના વાહનોની વ્યવસ્થા કરવા તેમજ પોલીસ દ્વારા અગત્યના બંદોબસ્ત, પેટ્રોલીંગ, ટ્રાફીક પોઇન્ટ તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થીતી ચેક કરવા માટે અત્યાધુનીક ડ્રોન કેમેરા કે જેમાં ઓછામા ઓછા મેનપાવરનો ઉપયોગ કરી વધુ સારી કામગીરી કરી શકાય તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા હાલ અલગ અલગ એપ્લીકેશનો ઉપયોગ કરવામા આવી રહેલ છે.

જેમા અલગ અલગ એપ્લીકેશનોના ડેટા અલગ અલગ જગ્યાએ સ્ટોર રહે છે જેના પરિણામે સચોટ માહિતી મળી શકતી ન હોય જે તમામ એપ્લીકેશનોના ડેટા એકજ જગ્યાએ સ્ટોર થાય તેમજ એપ્લીકેશનો એક બીજા સાથે સંકળાયેલ રહે અને સારામા સારું એનાલીસીસ થઇ શકે તેમજ પોલીસ ડીપાર્ટમેન્ટમાં ફરજ દરમ્યાનની ઘણી સમસ્યાઓ રહેલ હોય તે સમસ્યાઓનો યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી તેનુ નીરાકરણ લાવી શકાશે જે જરૂરીયાત મુજબ Innovation Hub દ્વારા તેઓ શૈક્ષણીક સંસ્થાઓ સાથે સંકળાયેલ હોય જેમા પ્રતિભાશાળી યુવાનોને તે માહિતી આપી તેને લગત જરૂરી ટેકનોલોજીનો વિકાસ કરી રાજકોટ શહેર પોલીસને ટેકનોલોજી પુરી પાડવામા આવનાર છે.

જેના કારણે રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ ડીપાર્ટમેન્ટની જરૂરી અગત્યની કામગીરી ને સમયના બચાવ સાથે સચોટ રીતે થઇ શકશે અને વધુમા વધુ આગામી સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી સમસ્યાઓનુ સમાધાન કરી શકાશે.

(4:08 pm IST)