Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

સિંચાઈ વિભાગનો કંટ્રોલ રૂમ કાર્યરતઃ રાજકોટ-જામનગર-સુરેન્દ્રનગરના નાના મોટા ડેમો પર રાખશે બાજનજર

૨૪ * ૭ કંટ્રોલ રૂમ ધમધમશેઃ ડેમ પર વરસાદ, ડેમ લેવલ મેઈન્ટેઈનન્સ અને નીચાણવાસના ગામોમાં ચેતવણી સહિતની કામગીરી

સિૅચાઇ વિભાગનો કન્ટ્રોલ રૂમ શરૂ થઇ ગયો છે. તસ્વીરમાં ડેમ લેવલ, વરસાદ વગેરેની માહીતી એકત્રીત કરતા ફરજ પરનાં કર્મચારીઓ દર્શાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૪ :. ચોમાસુ હવે ટકોરા મારી રહ્યુ છે ત્યારે રાજ્ય સરકારની રાજકોટ સિંચાઈ વર્તુળ કચેરી દ્વારા ફલડ સેલ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે.

રાજકોટ સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેર શ્રી કાપડીના માર્ગદર્શન હેઠળ આ કંટ્રોલ રૂમ ચોમાસા દરમિયાન ૨૪ * ૭ કલાક કાર્યરત રહેશે અને રાજકોટ કચેરી હેઠળ આવતા રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર જીલ્લાના નાના મોટા ડેમો પર બાજ નજર રાખશે.

આ કંટ્રોલ રૂમમાં કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર, વાયરલેસ ઓપરેટર, કલાર્ક, વર્ક આસિસ્ટન્ટ, ઈલેકટ્રીશ્યન, વાયરમેન વગેરે સહિતનો સ્ટાફ ખડેપગે રહેશે અને ચોમાસા દરમિયાન ડેમ ઉપરનો વરસાદ, ડેમના પાણીના લેવલનું મેઈન્ટેનન્સ, દરવાજા ખોલવા, બંધ કરવા તેમજ જરૂર પડયે ડેમના નિચાણવાસમાં આવતા ગામોને સાવચેત કરવા સહિતની કામગીરી કરવામાં આવશે.

આમ સિંચાઈ વિભાગે ફલડ કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે.

(4:04 pm IST)