Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રાજકોટ જિલ્લામાં જુનની 'મેલેરીયા માસ' તરીકે ઉજવણી શરૂ : ૬૧૦ ગામોમાં ઘરે ઘરે સર્વેલન્સ

રાજકોટ તા. ૪ : આરોગ્ય  અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત, રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-પ૪ અને અર્બન હેલ્થ સેન્ટરો-૯, સબસેન્ટરો-૩૪૪ અને તેમના સેજાના ૬૧૦ ગામોમાં જુન-૨૦૨૧ માસની મેલેરીયા માસ તરીકે કરાનારી ઉજવણી અંતર્ગત મેલેરીયા, ચિકનગુનીયા અને ડેંન્ગ્યુ અંગેની સધન કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને તેના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા મેલેરીયા, ચિકનગુનીયા અને ડેંન્ગ્યુના કેસો શોધી તેમના લોહીનું પરીક્ષણ કરવામાં આવે છે. વધુ સારવાર માટે જરૂર જણાયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ મોકલવામાં આવે છે. તેમજ સાથે સાથે જે ઘરોની મુલાકાત લેવાતી હોય ત્યા ઇન્ટ્રાડોમેસ્ટીક બિડીંગ પ્લેસોની પણ તપાસ કરવામાં આવે છે. તપાસ દરમ્યાન જો કોઇ પાત્રમાં પોરા જોવા મળે તો તેવા પાત્રોને ખાલી કરાવી શકાય તેમ ન હોય તેવા પાત્રોમાં કેરોસીન અથવા ટેમીફોસ નામની દવા યોગ્ય માત્રામાં નાખવામાં આવે છે.

ગામની ફેરણી દરમ્યાન ગામની આજુ બાજુ આવેલ નદી તળાવ કુવા વોંકળા કેનાલોની સીપેજ તેમજ વરસાદી પાણીથી ભરાયેલ ખાડા ખાબોચીયામાં પોરાભક્ષક માછલીઓ મુકવાની કામગીરી/ અથવા ડાયફલુબેન્જોરોન નામની દવા છંટકાવની કામગીરી પણ કરવામાં આવે છે. જે ગામોમાં અગાઉના વર્ષે ડેન્ગ્યુ/ચિકનગુનીયાના કેસો નોંધાયેલ હોય તેવા ગામોમાં અઠવાડીક ધોરણે સુપરવિઝન હેઠળ સદ્યન એન્ટીલાર્વા કામગીરી કરવાનું પ્લાનીંગ પણ કરવામાં આવેલ છે.

આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કર દ્વારા દરેક ઘરોની મુલાકાત લઇ આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહયુ છે.

જન જાગૃતિ માટે ફરતો રથ, લોક ડાયરાઓ દ્વારા રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાના હાઇરીસ્ક ગામોમાં પ્રચાર-પ્રસાર અર્થે આઇ.ઇ.સી કામગીરી કરવામાં આવે છે. જાહેર જગ્યાઓ પર પોસ્ટરો બેનરો ડિસ્પ્લે કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાના ૩ હાઇરીસ્ક ગામોમાં દવાયુકત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવેલ છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ પી. શાહ, જિલ્લા મેલેરિયા અધિકારી જી. પી. ઉપાધ્યાય અને તેમની ટીમ આ કામગીરી સંભાળી રહયા છે.

(3:19 pm IST)