Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

આવાસ યોજનાના ફલેટ ભાડે આપવાનો કોન્ટ્રાકટ પેન્ડીંગ

સ્ટેન્ડીંગ કમિટિની પાંચ દરખાસ્તોમાં શાસકોના વાંધા-સૂચનો : ૨ પરત - ૧ પેન્ડીંગ : ફલેટ ભાડે આપવાના કોન્ટ્રાકટમાં કોન્ટ્રાકટરને વધુ ફાયદો તંત્રને નુકસાન હોવાની લાગણી વ્યકત કરતા નેહલ શુકલ : તબીબી સહાયની બે દરખાસ્તો પરત : શ્વાન વ્યંધીકરણ ખર્ચનો હિસાબ રાખવા અને કર્મચારીઓને તબીબી સહાયના કિસ્સામાં મેડીકલેઇમની તપાસ કરવા જયમીન ઠાકરનું સુચન : સ્ટેન્ડીંગમાં કુલ ૧૩.૭૫ કરોડના કામો મંજુર કરતા પુષ્કર પટેલ

રાજકોટ તા. ૪ : મ.ન.પા.માં આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટિમાં પાંચ જેટલી દરખાસ્તોમાં શાસક પક્ષ ભાજપની સંકલન બેઠકમાં કેટલાક કોર્પોરેટરોએ વાંધા - સૂચનો રજૂ કરતા સ્ટેન્ડીંગ કમિટિએ આ વાંધા સુચનોવાળી બે દરખાસ્તો પરત મ્યુ. કમિશનરને મોકલી હતી. જ્યારે ૧ દરખાસ્ત પેન્ડીંગ રાખી હતી.

આ અંગે આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ શાસક પક્ષ ભાજપની સંકલન બેઠકમાં વોર્ડ નં. ૭ના યુવા કોર્પોરેટર નેહલ શુકલે પોપટપરામાં બનાવેલ આવાસ યોજનાના ૬૯૮ જેટલા ફલેટને કોન્ટ્રાકટર એજન્સી મારફત ભાડે આપવાની દરખાસ્ત સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, આ કોન્ટ્રાકટમાં મ.ન.પા.ને પ્રતિ ફલેટ દિઠ માત્ર ૮૫૯ ભાડુ મળશે. જ્યારે કોન્ટ્રાકટર એજન્સી ફલેટનું ભાડુ રૂ. ૩૦૦૦ જેટલું વસુલી શકશે. આમ, આ કોન્ટ્રાકટમાં તંત્રને ફાયદા કરતા નુકસાન વધુ થતું હોવાનું જણાય છે માટે દરખાસ્તનો ઉંડો અભ્યાસ કરવો જરૂરી છે. આમ, આ દરખાસ્તના અભ્યાસ માટે તેને પેન્ડીંગ રાખવા સ્ટેન્ડીંગ કમિટિએ નિર્ણય લીધો હતો.

જ્યારે દબાણ હટાવ શાખાના ફીકસ પગારવાળા કર્મચારીને તબીબી સહાયની દરખાસ્ત પરત મોકલવામાં આવેલ કેમકે માત્ર કાયમી કર્મચારીને જ તબીબી સહાય મળી શકે. તેવી જ રીતે માર્કેટ શાખામાં એન્ક્રોચમેન્ટ રિમુવલ ઇન્સ્પેકટરની ૯ જગ્યાના સેટઅપનો કાયમી સેટઅપમાં સમાવેશ કરવાની દરખાસ્ત પણ પરત મોકલાઇ છે. કેમકે ૯ અધિકારીઓને કાયમી કરવાથી તંત્ર પર આર્થિક ભારણ વધતુ હોવાથી હાલ માત્ર ૬ મહિના સુધી જ આ સેટઅપ મંજુર કરાયું છે.

જ્યારે પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરે પણ સંકલન બેઠકમાં બે દરખાસ્તોમાં સૂચનો રજૂ કર્યા હતા. જેમાં શ્વાન વ્યંધીકરણ પાછળ થતો ખર્ચો કરોડોમાં થતો હોઇ કેટલા શ્વાનોનું વ્યંધીકરણ થયું તેના આંકડા દર અઠવાડિયે જાહેર કરવા તથા આ માટે ખાસ કમિટિ બનાવવી જોઇએ જેથી કામગીરીના હિસાબ - કિતાબ પર નજર રહી શકે.

જ્યારે કર્મચારીઓને તબીબી સહાય ચુકવવાની દરખાસ્તમાં પણ જયમીન ઠાકરે સુચન કરેલ કે કેટલાક કિસ્સામાં કલાસ-૧ અધિકારી તેમજ કર્મચારીઓ મેડીકલેઇમ હોવા છતાં મ.ન.પા. પાસેથી તબીબી સહાય મેળવતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હવે પછી તબીબી સહાય ચૂકવતા પહેલા મેડીકલેઇમ અંગે તપાસ કરી ખરાઇ કર્યા બાદ તેનું ચુકવણુ થાય તે જરૂરી છે.

આમ, સ્ટેન્ડીંગ કમિટિના એજન્ડામાં રહેલી ઉકત પાંચ દરખાસ્તોમાં ખુદ શાસક પક્ષના જ કોર્પોરેટરોએ વાંધા - સૂચનો કર્યા હતા.

દરમિયાન આજની સ્ટેન્ડીંગ કમિટિમાં અવધ કલબ સુધીનો કાલાવડ રોડ પહોળો કરવા, રૈયા સ્મશાનમાં નવી ઇલેકટ્રીક - ગેસ ભઠ્ઠી નાંખવા, ૧૭ જેટલા કર્મચારીઓને તબીબી સહાય માટે ૨૦ લાખનો ખર્ચ કોરોના કામગીરી માટે થયેલ ૬ કરોડનો ખર્ચ, વરસાદી પાણી નિકાલની પાઇપ લાઇન માટે ૧.૬૮ કરોડ, ૩૦ લાખના ટ્રેકટર ટ્રોલીઓ ખરીદવા, ૩૪ લાખની પમ્પીંગ મશીનરી ખરીદવા, ૩૮ લાખની ડી.આઇ. પાઇપલાઇન નાંખવા સહિત કુલ ૧૩.૭૫ લાખના વિકાસકામોની ૫૩ દરખાસ્તો અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડીંગ કમિટિમાં નિર્ણયો લેવાયા હતા.

આનંદનગરમાં હાઉસીંગ બોર્ડના ૧૫ જર્જરીત મકાનો મ.ન.પા. તોડી પાડશે

સ્ટેન્ડીંગ કમિટિમાં ૨ લાખનો ખર્ચ મંજુર

રાજકોટ : ચોમાસુ નજીક છે ત્યારે આનંદનગરમાં હાઉસીંગ બોર્ડના વર્ષો જુના જર્જરીત ૧૫ મકાનોનું ડીમોલીશન કરવા માટે સ્ટેન્ડીંગ કમિટિમાં ૨ લાખનો ખર્ચ મંજુર કરાયો છે. કવાર્ટર ઇ-૩ બ્લોક પૈકીના ૧૫ ભયગ્રસ્ત મકાનોનો ઇમલો તોડી પાડવા માટે આ ખર્ચ મંજુર કરાયો છે.

(3:13 pm IST)