Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

કોરોનાની બીજી લહેરે રાજકોટના રેસ્ટોરન્ટ બીઝનેસને ભાંગી નાખ્યો : ૬૦૦ને તાળા લાગ્યા

દોઢ વર્ષમાં ૧૦૦૦ જેટલા રેસ્ટોરન્ટ બંધ થઇ ગયા : લાખોનું નુકસાન : જે રેસ્ટોરન્ટ ચાલે છે તેમને ખર્ચા નીકળતા નથી : વધુ રાહતોની માંગણી

રાજકોટ તા. ૪ : રાજકોટના નવા રીંગ રોડ પર થોડા વર્ષો પહેલા ચાલુ થયેલ પ્રસિધ્ધ કાઠીયાવાડી રેસ્ટોરન્ટે સરકાર દ્વારા કોરોના પ્રતિબંધો હળવા કરીને રાતના ૧૦ વાગ્યા સુધી ફૂડ પાર્સલ સેવા ચાલુ રહેવાની જાહેરાત થઇ તે જ દિવસે પોતાના શટર કામ માટે પાડી દીધા હતા.

આ રેસ્ટોરન્ટના માલિક ચેતન ઠુંમરે ગોંડલથી રાજકોટ આવીને જમીન ભાડે રાખીને આ ધંધો જમાવી દેવાના સ્વપ્નો સેવ્યા હતા. ઠુંમરે કહ્યું 'લોકો મને પૂછે છે કે ગયા વર્ષના સંપૂર્ણ લોકડાઉનમાંથી બચી ગયા પછી હવે જ્યારે કોરોના નિયંત્રણોમાં છૂટછાટ આપવાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે મેં શા માટે ધંધો બંધ કર્યો ? પણ હું સંપૂર્ણપણે ખેંચાઇ ગયો છું. મારે દર મહિને અઢી લાખની ખોટ ખાવી પડતી હતી. મારે ભાડુ ભરવાનું હતું અને ૨૫ માણસોનો પગાર ચુકવવો પડતો હતો. અને ડાઇન-ઇન કયારે ચાલુ થાય તેનું કંઇ નક્કી નથી. સરકાર આ આંશિક લોકડાઉનને લંબાવતી જાય છે અને માથે ત્રીજી લહેરનું જોખમ તો ઉભું જ છે.'

આમ કરનારા ઠુંમર એકલા નથી. રેસ્ટોરન્ટ ઉદ્યોગ અનુસાર છેલ્લા એક વર્ષમાં રાજકોટમાં ૧૦૦૦ રેસ્ટોરન્ટ બંધ થઇ ગયા છે. જેમાંથી ૬૦૦ બીજી લહેરમાં બંધ થયા છે. રાજકોટ શહેરમાં જ છેલ્લા ૧૪ મહિનામાં ૪૦ ટકા રેસ્ટોરન્ટોના શટર પડી ગયા છે. જેમાંથી ૨૦ ટકા બીજી લહેરમાં બંધ થયા છે.

કોરોના મહામારી પહેલા સ્મિત સાગરનું રેસ્ટોરન્ટ પોતાના લેબેનીઝ અને થાઇ ફૂડ માટે વિખ્યાત હતું. ગયા લોકડાઉન પછી સાગરે તેને થોડા સમય માટે ખોલ્યું હતું પણ ગ્રાહકો આવતા ન હોવાથી તેણે રેસ્ટોરન્ટ બંધ કરી દીધું. હવે તે સોશ્યલ મીડીયામાં પોતાનો કૂકીંગ શો ચલાવે છે.

(3:15 pm IST)