Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

પારકા ડખ્ખામાં વચ્ચે પડતાં પોપટપરા કૃષ્ણનગરના રિક્ષાચાલક નિલેષની માધાપર પાસે હત્યાનો પ્રયાસ

મિત્રના પડોશીના ભાઇને ફાયરીંગના અવાજ કરતાં સાયલેન્સરવાળુ બાઇક હંકારવા મામલે ડખ્ખો થયો'તો : નિલેષના મિત્ર બેચરને તેના મિત્ર અજયએ ફોન કરી પોતાના ભાઇ સાગરને માથાકુટ થઇ હોઇ રિક્ષામાં તેડી જવા કહેતાં નિલેષ અને બેચર ત્યાં જતાં સાગર સાથે માથાકુટ કરનારા રાજુ કોળી, તેનો ભાઇ ગોરધન કોળી અને રાજુનો છોકરો રાહુલ તૂટી પડ્યા : છરી, ધારીયા, પાઇપથી હુમલોઃ વચ્ચે પડેલા બેચરને પણ ઇજાઃ ગાંધીગ્રામ પોલીસે ત્રણ આરોપીને સકંજામાં લીધા

હીચકારા હુમલામાં ઘાયલ થયેલો રિક્ષાચાલક નિલેષ સારવાર હેઠળ છે

રાજકોટ તા. ૪: પોપટપરા કૃષ્ણનગરમાં રહેતાં રિક્ષાચાલક કોળી યુવાનને રાતે મિત્ર સાથે બેઠો હતો ત્યારે આ મિત્રના મિત્રના ભાઇને ફાયરીંગનો અવાજ થાય તેવા સાયલેન્સરવાળું બાઇક હંકારવા મામલે માધાપર જુના ગેઇટ પાસે માથાકુટ થઇ હોઇ અને તેના બાઇકમાં પંચર પડ્યું હોઇ રિક્ષા લઇ તેડી જવાનો ફોન આવતાં આ યુવાન મિત્રને લઇ ત્યાં જતાં અને સામેવાળા કોળી ભાઇઓને 'આવી બાબતમાં માથાકુટ ન કરાય' તેમ સમજાવવા જતાં કોળી ભાઇઓ અને તેના પુત્રએ પાઇપ-ધારીયા-છરીથી તૂટી પડી માથા-ગળા-વાંસામાં ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થઇ હતી. પોલીસે આ બનાવમાં હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે. કોળી યુવાનના મિત્રને પણ પાઇપથી ફટકારાયો હતો.

ગાંધીગ્રામ પોલીસે આ બનાવમાં પોપટપરા સબ સ્ટેશનવાળી શેરીમાં કૃષ્ણનગર શેરીન ં. ૫/૩ના ખુણે રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં નિલેષ ભુપતભાઇ ગેડાણી (કોળી) (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી માધાપર મનહરપરમાં રહેતાં રાજેશભાઇ  કાળુભાઇ જાખેલીયા (કોળી), ગોરધનભાઇ કાળુભાઇ જાખેલીયા અને રાહુલ રાજેશભાઇ જાખેલીયા સામે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

હોસ્પિટલના બિછાનેથી નિલેષે જણાવ્યું હતું કે હું માતા -પિતા સાથે રહુ છુ અને રીક્ષા ડ્રાઇવીંગ કરૂ છું. અમે ત્રણ ભાઇઓ છીએ. સૌથી મોટા ભાઇનુ નામ રાજેશ, તેનાથી નાનો હુ અને મારાથી નાના ભાઇનુ નામ ચંદુ છે.

ગુરૂવારે ૩/૦૬ના રાત્રીના સાડા નવેક વાગ્યે  હું તથા મારો મિત્ર બેચર પોપટપરા બસ સ્ટેશન પાસે બેઠા હતા ત્યારે મારા મિત્ર બેચરના ફોનમાં એક કોલ આવ્યોહ તો. જેમાં વાત કર્યા બાદ બેચરે મને કહેલું કે આપણા પડોશમાં રહેતાં અજય પરસોંડાનો ફોન હતો, તેણે કહ્યું છે કે તેના ભાઇ સાગરને માધાપર ગામ જુના ગેઇટ પાસે માથાકુટ થઇ છે અને તે બાબતે સમાધાન પણ થઇ ગયું છે. પરંતુ અમારા હોન્ડામાં પંકચર હોય તો અહિ માધાપર આવી અમોને તેડી જાવ.

આ વાત પછી હું અને બેચર મારી રિક્ષા લઇને માધાપર જુના ગેઇટ પાસે જતાં અને રિક્ષામાંથી નીચે ઉતરતા અજય તથા તેનો ભાઇ સાગર જોવા મળ્યા હતાં. જેથી મેં અજયને શું થયું? તેમ પુછતા અજયએ જણાવેલ કે રાત્રીના પોણા નવેક વાગ્યે સાગર તેનુ હોન્ડા લઇને માધાપર ગામે જતો હોઇ અને તેના મોટરસાઇકલમાં ફાયરીંગ વાળુ સાયલેન્સર હોઇ જેથી અવાજ આવતો હતો. આ કારણે રાજુભાઇ કોળીએ તેના ભાઈએ સાગરને રોકીને મોટરસાઇકલ. ધીમુ ચલાવવાનું...તેમ કહી સાગર સાથે માથાકુટ કરી છે.

આથી મેં રાજુભાઇ તથા તેના ભાઇને 'આવી નાની બાબતમાં માથાકુટ ન કરાય' તેમ કહેતાં રાજુભાઇ તથા તેનો ભાઇ ઉશ્કેરાઇ જઇ અમારી સાથે ઝગડો કરવા લાગતા અમો તેને સમજાવતા હતાં તે દરમિયાન આ બંને ભાઇઓ દોડીને ઘરમાં ગયેલ અને પાઇપ તથાધારીયુ લઇને આવ્યા હતાં. તેમજ રાજુભાઇનો દિકરો છરી સાથે આવ્યો હતો અને અમારા પર હુમલો કર્યો હતો. રાજુભાઇના ભાઇએ મારા માથા અને ગરદનના ભાગે ધારીયાનો એક ઘા મારતા હું નીચે પડી જતા રાજુભાઇના દિકરાએ મારા વાસાના ભાગે છરીના બે ઘા મારી દીધા હતાં.

મને છોડાવવા મિત્ર બેચર વચ્ચે પડતા તેને પણ રાજુભાઇએ માથામાં પાઇપ ફટકારી દીધો હતો. અજય તથા સાગર વચ્ચે પડતા અને હું લોહીલુહાણ થઇ જતા આ લોકો ભાગી ગયા હતા. અને મને સારવાર માટે રીક્ષામાં રાજકોટ સિવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.

પીએસઆઇ પી. એમ. અકવાલીયાએ ગુનો નોંધ્યો હતો. પીઆઇ કે. એ. વાળા, હીરાભાઇ રબારી તથા ડી. સ્ટાફની ટીમે રાતોરાત દોડધામ કરી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ કરી હતી.

સામા પક્ષે રાજુભાઇની દિકરીને ઇજાઃ સાગર સહિતના ઘરની ડેલીએ ગાળો બોલતાં હોઇ ડખ્ખો

સામા પક્ષે રાજુભાઇ કાળુભાઇ જાખેલીયા (કોળી)ની દિકરી લલીતા (ઉ.વ.૨૧) પણ પોતાના પર અજય, સાગર સહિતે લાકડીથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. લલીતાના સગા નલિનભાઇએ કહ્યું હતું કે-સાગર સહિતના શખ્સો વારંવાર ફાયરીંગના અવાજવાળુ બાઇક હંકારીને નીકળે છે અને ગઇકાલે તો ઘરની ડેલી પાસે જ ગાળો બોલતાં હોઇ તેને ના પાડતાં સાગર સહિતે હુમલો કર્યો હતો.  એ પછી તેના મિત્રો રિક્ષા લઇને આવતાં વધુ માથાકુટ થઇ હતી.

(11:53 am IST)