Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

શહેરના તમામ મુખ્ય માર્ગો પર લેન ડ્રાઇવીંગનો કડક અમલઃ તમામ વાહન ચાલકોને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા અનુરોધ

. કોરોના મહામારીનું સંક્રમણ રોકવા લોકડાઉન અમલી બનાવાયું હતું. લોકડાઉનના ચાર તબક્કા વીતી ગયા પછી અનલોક થતાંની સાથે જ રાજકોટ શહેર ધમધમી ઉઠ્યું  છે. પહેલાની જેમ જ વાહનનો ઘરઘરાટી અને હોર્નના અવાજો ફરી સંભળાવા માંડ્યા છે. પરંતુ કોરોના હજુ પણ કાર્યરત હોઇ વાહન ચાલકોએ સોશિયલ ડિન્સ્ટન્સીંગ સહિતના નિયમોનું કડક પાલન કરવું જરૂરી છે. મુખ્ય માર્ગો કે જ્યાં ચાર રસ્તા ભેગા થાય છે ત્યાં વાહન ચાલકો સતત એકબીજાની નજીક વાહન પાર્ક કરી ઉભા રહી જતાં હોઇ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાતું નહોતું. આ કારણે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તમામ મુખ્ય માર્ગો પર લેન ડ્રાઇવીંગ અમલી બનાવવા આદેશ કર્યો હતો. તે અંતર્ગત ટ્રાફિક બ્રાંચના એસીપી બી. એ. ચાવડા અને તમામ પીઆઇ તથા ટીમોએ ટ્રાફિક વોર્ડનની મદદથી શહેરના તમામ મુખ્ય માર્ગો પર લેન ડ્રાઇવીંગનો કડક અમલ શરૂ કરાવ્યો છે. એક લાઇનમાં કાર, બીજી લાઇનમાં રિક્ષા અને ટુવ્હીલર સહિતના વાહનો તથા ડાબી સાઇડ ડાબી બાજુ જવા ઇચ્છતા વાહન ચાલકો માટે ખાલી રહે તે રીતે લેન ડ્રાઇવીંગનો અમલ કરાવાઇ રહ્યો છે. જે તસ્વીરમાં જોઇ શકાય છે. વાહન ચાલકો પોતે જ સમજીને પોઇન્ટ પર બીજા વાહનથી પોતાનું વાહન દૂર રાખે અને લેન ડ્રાઇવીંગ સિસ્ટમનું પાલન કરે તે કોરોના સામે રક્ષણ મેળવવામાં ઉપયોગી બનશે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:08 pm IST)