Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

લોકડાઉન પહેલા ઉછીના લીધેલા પૈસાની ઉઘરાણી મામલે સુરેશ નેપાળીને છરી ઝીંકાઇ

મોડી રાતે બાલાજી હોલ પાસે બનાવઃ પરેશ નામના શખ્સે હુમલો કર્યાનું સવારે ભાનમાં આવેલા નેપાળી શખ્સનું રટણઃ રાતે આ શખ્સ ચિક્કાર નશો કરેલી હાલતમાં હોવાની ચર્ચા

બાલાજી હોલ પાસે જ્યાં હુમલો થયો એ સ્થળે લોહીનું ખાબોચીયુ, પોલીસ સ્ટાફ અને ઘાયલ થયેલો સુરેશ જંગી (નેપાળી) (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૪: ગત રાતે ૧૫૦ ફુટ રીંગ રોડ બાલાજી હોલ નજીક એક શખ્સ પર બીજા એક શખ્સે છરી કે તિક્ષ્ણ હથીયારથી હુમલો કરી પડખામાં ઘા ઝીંકી દેતાં લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતાં. ઘાયલ યુવાનને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રારંભે તો હત્યા થયાની વાતો વહેતી થઇ ગઇ હતી. પરંતુ તાકીદે સિવિલ હોસ્પિટલમાં સારવાર મળી જતાં યુવાન બચી ગયો હતો. સવારે ભાનમાં આવેલા શખ્સે પોતે મુળ નેપાળનો હોવાનું અને પૈસાની લેતીદેતીમાં ડખ્ખો થયાનું રટણ કર્યુ હતું. જો કે ચર્ચાતી વિગત મુજબ રાતે આ યુવાન ચિક્કાર નશો કરેલો હોય તેવો જણાતો હતો. દારૂના ડખ્ખામાં માથાકુટ થયાની શકયતા પણ જણાઇ રહી છે. સંપુર્ણ ભાનમાં આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધશે.

જાણવા મળ્યા મુજબ રાત્રીના સવા દસેક વાગ્યે એક બાલાજી હોલ નજીક એક યુવાન પર હુમલો થતાં ૧૦૮ને જાણ થતાં ઇએમટી તુષાર પરમાર અને પાઇલોટે તેને સિવિલમાં ખસેડ્યો હતો. આ યુવાનને પડખામાં છરીના ઘા ઝીંકાયા હોઇ ઘટના સ્થળે લોહીના ખાબોચીયા ભરાયા હતાં. હત્યા થયાની વાતો વહેતી થઇ જતાં તાલુકા પોલીસનો કાફલો સત્વરે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. હોસ્પિટલમાં પહોંચેલા ઘાયલ શખ્સે ત્રુટક અવાજે પોતાનું નામ સુરેશ જંગી જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને  જાણ કરતાં પીએસઆઇ જી. એસ. ગઢવી સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. પરંતુ ઘાયલ યુવાન ભાનમાં ન હોઇ ફરિયાદ નોંધી શકાય નહોતી.

દરમિયાન આજે સવારે થોડા ભાનમાં આવેલા આ યુવાને પોતાનું નામ સુરેશ સુનિલભાઇ જુંગી (ઉ.વ.૩૫) હોવાનું તેમજ પોતે નેપાળી હોવાનું કહ્યું હતું. રાજકોટમાં તે અગાઉ મવડી રામધણ પાછળ નવા બનતા બિલ્ડીંગની સાઇટ પર તેના ભાઇ સાથે રહી કડીયા કામ કરતો હતો. હાલ બાલાજી હોલ નજીક કડીયા કામની સાઇટ પર રહી ત્યાં મજૂરી કરે છે. તેણે કહ્યું હતું કે લોકડાઉન પહેલા પરેશ નામના રેતીના ધંધાર્થી પાસેથી તેણે રૂ. ૧૫૦૦ ઉછીના લીધા હતાં. આ પૈસાની પરેશે રાતે ઉઘરાણી કરતાં હાલમાં પોતાની પાસે પૈસા ન હોઇ પછી આપી દેશે તેમ કહેતાં બોલાચાલી બાદ પોતાના પર હુમલો કરાયો હતો. જો કે સુરેશ નેપાળી સાચુ કારણ જણાવે છે કે કેમ? તે અંગે પોલીસ તે સંપુર્ણ ભાનમાં આવ્યા બાદ તપાસ કરી ફરિયાદ નોંધશે. રાતે આ શખ્સ ચિક્કાર નશામાં હોવાની પણ ચર્ચા હતી.

(1:06 pm IST)
  • સીવિલ હોસ્પિટલમાં બપોર બાદ કલેકટરની મીટીંગ : આજે બપોરે ૪II વાગ્યાથી કલેકટર રેમ્યા મોહન સીવિલ હોસ્પિટલની ખાસ વીઝીટ લેશે, તમામ વોર્ડ કોવિડ-૧૯નો વોર્ડ-દર્દીની મુલાકાત લઇ વિગતો જાણશેઃ ત્યારબાદ તમામ ડોકટરો-સીવિલ સર્જન અને મેડીકલ કોલેજના ડીન સાથે દવા-મશીનરી-વેન્ટીલેટર અપાતુ ભોજન અંગે સમીક્ષા કરશે... access_time 11:20 am IST

  • પાલઘર, થાણે, મુંબઈ અને રાયગઢમાં આગામી ૩ દિવસ ભારે વરસાદ પડશે : હવામાન ખાતુ access_time 12:47 pm IST

  • ભારતમાં વિકરાળ બનતો કોરોના સંક્રમિતની સંખ્યામાં ઝડપી ઉછાળો : એક જ દિવસમાં સૌથી વધુ 9818 કેસ નોંધાયા : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 2, 26,693 કેસ નોંધાયા : 1, 11,868 એક્ટિવ કેસ :kul 1,08, 450 દર્દીઓ રિકવર થયા :વધુ 274 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 6363 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2933 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 77,793 થઇ : તામિલનાડુમાં નવા 1384 કેસ :દિલ્હીમાં 1359 નવા કેસ નોંધાયા access_time 1:05 am IST