Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

વોંકળામાંથી દબાણો દુર કરાશે : જોખમી હોર્ડીંગ્સ ઉતરાવાશે

ઇજનેરો - અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રિ-મોન્સુન એકશન પ્લાન તૈયાર કરતા ઉદિત અગ્રવાલ : વરસાદ અને ડેમ લેવલના આંકડા - એલઇડી વોર્ડમાં જાહેર થશે

રાજકોટ તા. ૪ : હવે આગામી દિવસોમાં ચોમાસુ બેસવાની તૈયારીઓ છે તે પૂર્વે પ્રિ-મોન્સુન વાવાઝોડા વગેરે સાથે તેવી આગાહી હોઇ મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે આજે ઇજનેરો તથા અધિકારીઓ સાથે બેઠક યોજી વોંકળાઓમાં પાણીને અવરોધતા દબાણો દુર કરવા તથા શહેરમાં જોખમી હોર્ડીંગ્સ બોર્ડ દુર કરવા સહિતના મહત્વના નિર્ણયો લીધા હતા.

આ અંગે સત્તાવાર જાહેર કરાયેલ વિગતો મુજબ હાલ સમગ્ર શહેરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, લોકો કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે ઘરે જ રહી પોતાનું યોગદાન આપી રહયા છે અને આવનારા સમયમાં ચોમાસાની ઋતુને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારથી જ પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સુન કામગીરી લગત વિવિધ મુદ્દાઓની ચર્ચા અને આયોજન કરવા અંગે આજરોજ તા. ૪ના  મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વિવિધ શાખાના સંબધિત અધિકારીશ્રીઓ સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી. સંબધિત અધિકારીમાં ત્રણેય ઝોનના નાયબ કમિશનરો  બી.જી,પ્રજાપતિ, એ.આર.સિંધ અને  સી.કે.નંદાણી, મદદનીશ આયુકતો, આરોગ્ય અધિકારી, સુરક્ષા અધિકારી, ટાઉન પ્લાનિંગના અધિકારીઓ, SWMના અધિકારીઓ, તમામ સિટી એન્જી.ઓ, વોર્ડ એન્જી.ઓ, શાસન અધિકારી, વોર્ડ ઓફિસરઓ, વિવિધ શાખાના આસી, મેનેજરઓ, ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન, ચીફ ફાયર ઓફિસર, ડી.ઈ.ઈ., પી.એ.ટુ કમિશનર (સહાયક કમિશનર), પી.એ.(ટેક) ટુ કમિશનર, વિગેરે ઉપસ્થિત રહયા હતા.

મ્યુનિ. કમિશનરે મીટીંગની શરૂઆત કરતા વિવિધ મુદ્દાઓ અંગે આવનાર સમયમાં શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા અંગે સંબધિત અધિકારીશ્રી પાસેથી માહિતી મેળવી હતી. ચોમાસા દરમ્યાન આવનારા પડકારોનો અત્યારથી જ સામનો કરવા રાજકોટ મહાનગરપાલિકા તૈયાર રહે તે બાબતને ધ્યાનમાં રાખી અત્યારથી જ પ્રિ-મોન્સુન કામગીરીની તૈયારી શરૂ કરવા જે તે શાખાના અધિકારીને માહિતી આપી હતી.

મ્યુનિ. કમિશનરશ્રીએ પ્રિ-મોન્સુન માટે કરવાની થતી કામગીરી જેવી કે, પ્રિ-મોન્સુન એકશન પ્લાન તૈયાર કરી GSDMA અને રિલીફ કમિશનરને મોકલવા તથા પોતાના તાબાના વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, બિલ્ડીંગ, સાધન-સામગ્રી, વાહનો વિગેરેના સુપરવિઝન અંગેની કામગીરી, પોતાના તાબાના વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, બિલ્ડીંગ, સાધન-સામગ્રી, વાહનો વિગેરેના સુપરવિઝન અંગેની કામગીરી, વોંકળામાંથી દબાણ દુર કરાવવું, બાઉન્ડ્રી ડીમાર્કેશન કરાવવું, જાહેર માર્ગોમાં પાણીને અવરોધતા ગેરકાયદેસર બાંધકામો, ખાનગી જોખમી હોર્ડીંગ અંગેની કામગીરી, વોંકળા સફાઇ, ડ્રેનેજ ફરિયાદનો તાત્કાલિક નિકાલ તથા પ્રિ-મોન્સુન કાર્યવાહીનું આયોજન કરેલ.

પીવાના પાણીને લગત ફરીયાદો તથા તેના નિકાલના આયોજન, જાહેર માર્ગોમાં પાણીને અવરોધતા ગેરકાયદેસર બાંધકામો, રસ્તા ઉપરના દબાણો, જોખમી હોર્ડીંગની માહિતી, ભયગ્રસ્ત મકાનોનો સર્વે તથા ધોરણસરની કાર્યવાહી, જાહેર માર્ગો, બગીચાઓ વિગેરે જગ્યાના જોખમી વૃક્ષોનો સર્વે તથા ધોરણસરની કાર્યવાહી, ભયગ્રસ્ત તેમજ તુટી પડે તેવા પોલ, ઇલેકટ્રીક કેબલ વિગેરેની માહિતી તેમજ ભારે વરસાદ, વાવાઝોડા સમયે વિદ્યુત પુરવઠો ન મળે ત્યારે તેની અવેજીમાં ડિઝલ જનરેટર વિગેરેની વ્યવસ્થા, રસ્તા પરના ખાડા, ખુલ્લા મેન હોલ વિગેરે બંધ કરાવવાની કાર્યવાહી, GSDMA દ્વારા ERC માટે ફાળવેલ તથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસીઝ હસ્તકના વાહનો તથા સાધનોની વિગત તેમજ તેને ચાલુ સ્થિતિમાં રાખવા અંગે કરવાની થતી કાર્યવાહી, અતિવૃષ્ટિના સમયે ભરાયેલ પાણીના ઝડપી નિકાલ માટે ડી-વોટરીંગ પંપની વ્યવસ્થા, પંપ વિક્રેતાઓની યાદી-ફોન નંબર, ઉપલબ્ધ પંપની વિગત, વરસાદનું સતત મોનીટરીંગ, આંકડા મેળવી, ચકાસીને તંત્રવાહકોને માહિતગાર કરવા, વેબસાઇટ તથા એલ.ઇ.ડી. બોર્ડ પર મુકવા તેમજ આઇ.સી.સી.સી.માં મોનીટરીંગ કરવું વિગેરેની ચર્ચા કરેલ.

આ ઉપરાંત શહેર આસપાસના વિસ્તારો, ગામોમાં રહેતા તરવૈયાઓની નામ, સરનામા, ફોન નંબર સાથેની યાદી અદ્યતન કરવી, શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવા તથા તેના તાત્કાલિક નિકાલના આયોજનની વિગતો, વર્ષ-૨૦૧૯માં જુદા-જુદા વિસ્તારો, માર્ગો વિગેરે ઉપર પાણી ભરાવાની મળેલ ફરિયાદોની માહિતી પરથી આયોજન, પુર, વાવાઝોડું વિગેરે કુદરતી આપત્ત્િ। સમયે ચેતવણી વિગેરે તેમજ જાન-માલ બચાવની કામગીરી, વાહન વ્યવસ્થા, બોટ વ્યવસ્થા, સ્થળાંતરની કામગીરી, સુરક્ષિત આશ્રયસ્થાનની વ્યવસ્થા વિગેરે કામગીરી, આશ્રયસ્થાનોમાં ફુડ પેકેટ, પીવાનું પાણી, જીવન રક્ષક દવાઓ, રસીઓ, કલોરીન ટેબલેટ, જંતુનાશક દવાઓ તેમજ સફાઇ વિગેરેની વ્યવસ્થાનું આયોજન અને કોલ સેન્ટર ઉપરાંત ફરીયાદો માટે કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવી, કન્ટ્રોલ રૂમ ખાતે માણસો-ટેલિફોન-વાહનો-મજુરો-સાધનો વિગેરેની વ્યવસ્થા અંગે ગહન ચર્ચા કરી આયોજન ઘડી કાઢવામાં આવેલ.

(4:21 pm IST)