Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જો જીવવું હોય તો બદલાવનો સ્વીકાર કરી લ્યો

જો સુંદર ભવિષ્યના સ્વપ્ના જોતા હો તો ઘરમાં જ રહો, સ્વસ્થ રહો : પરિસ્થિતિ સમજીને લાગુ કરાયેલા નિયમોનું પાલન કરો

એક વસ્તુ જે જીવનમાં કાયમી રહે છે તે છે ફકત બદલાવ. આપણા જન્મથી આજ સુધી આપણે જોતા હોઈએ છીએ કે બદલાવ અને તેનો સ્વીકાર તે આપણને આપણા જીવનપથ પર હંમેશા આગળ લઇ જઈ શકે છે. ઘણા બધા મોટા માણસો હંમેશા કહેતા હોય છે કે જીવનમાં જો આગળ વધવું હોય તો બદલાવ કરવો અત્યંત જરૂરી છે. જો બદલાવ નહિ કર્યો તો જયાં છે તેમાંથી કયારેય બહાર નહિ નીકળી શકો.

જો પાણી એક જ જગ્યાએ રહે છે તો તે ગંદું થઈ જાય છે. તે ત્યારેજ સ્વચ્છ અને પીવા લાયક રહે જયારે તે નદીઓની ધારથી વહેતુ રહે, એક શ્વાસ લો તો શ્વાસ બહાર છોડવો જ પડે છે. એક વાર લીધેલું ઓકિસજન પણ શરીરમાં હંમેશા માટે નથી રહેતું. શરીરને પણ ચાલવા માટે હંમેશા નવા શ્વાસમાં ઓકિસજનની જરૂર પડે છે. તો પછી માણસને તો પરિવર્તિત થવું બહું સ્વાભાવિક છે.

જયારે આપણે નાના હતા ત્યારે એક વાર્તા સાંભળતા હતા કે રાજાને ભાવે રીંગણા અને પછી રાણીએ કાયમ માટે રીંગણાંનું શાક બનવાનું કહ્યું. પછી રાજાને તેના પર અરુચિ થઇ ગઈ. કારણ હતું કે બદલાવ થવો અત્યંત આવશ્યક છે.

તો પછી અત્યારે પણ લોકડાઉનનો સ્વીકાર કરોને. થોડો બદલાવ લાવને પણ પરિસ્થિતીને સ્વીકારતા શીખી ન શકાય. આ રોગચાળાની સ્થિતિમાં શા માટે લોકોને લોકડાઉન હેઠળ રહેવાનું ગમતું નથી? પોતાના જીવનની પણ ચિંતા કર્યા વગર બહાર નીકળી પડે છે. સરકારના ખૂબ જ કડક નિયમો હોવા છતા ઘણા લોકો દરરોજ નિયમનો ભંગ કરે છે અને ભંગનો દંડ પણ ભરે છે. આપણે ઘણા બધા ફોટોગ્રાફ જોઈ રહ્યા છીએ. શા માટે આવી વસ્તુ થઈ રહી છે, લોકો કેમ નથી જાણતા કે જો તેઓ કોઈ કારણ અથવા કટોકટી વિના કયાંક બહાર જાય છે, તો તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં છે અને જે લોકો કપરી પરિસ્થિતિમાં પણ સરકારના નિયમોનું પાલન કરે છે તેમના પણ સ્વાસ્થ્ય સાથે ચેડાં છે.

જડમુળમાં જોઈએ આપડે લોકડાઉનમાં આવેલ બદલાવને સ્વીકારી નથી શકયા. કયારેય કલ્પના પણ કરી ના હતી કે એવું બન્યું પણ નથી કે ૧૩૫ કરોડ લોકો દેશના ઇતિહાસમાં આવી લોકડાઉનની સ્થિતિનો સામનો કરવો પડયો હશે, સમગ્ર વિશ્વના મોટા ભાગના લોકો પણ લોકડાઉન હેઠળ છે.

અમેરિકા જેવી સુપ્રીમ પાવર જયાં લોકો રાત-દિવસ દોડતા રહે છે તે પણ તેજ પરિસ્થિતિમાં છે. તેથી તે ભારતમાં પણ લાગુ પડે છે, જો પ્રશ્ન માણસના જીવનનો હોય, પોલીસ અધિકારી અને સરકાર લોકોના સ્વાસ્થ્યની સંભાળ માટે પગલાં ભરે છે. કરોડો રૂપિયાનું નુકસાન સહન કરીને પણ આપણા આરોગ્ય અને જીવન માટે વિચારી રહ્યા છે. પરંતુ હજી પણ કેટલાક લોકો તેને સમજી શકતા નથી અને આ વસ્તુને ખૂબ જ સાહજિક રીતે લે છે. આ પ્રકારની પ્રવૃત્તિનો મતલબ એવો નિકળે કે તેઓ બદલાવને સ્વીકારવા તૈયાર નથી. તેઓ પોતાનું જીવન પહેલાની જેમ જીવવા માંગે છે. પણ સમજતા નથી કે પહેલા જેવું જીવવું હોય તો પરિસ્થિતિને સમજી ને ઘરે રહીને સરકારના નિર્દેશો નું પાલન કરવું પડશે.

આજે જો દેશ ૧૩૫ કરોડ લોકો ને ઘરની અંદર રહેવા માટે ફરજ પાડતો હોય તો આ રોગની ભયાનકતાને સમજીને જ પાડતો હશે. એક આઝાદીની ચિંતા છે બધાને કે કયારે મળશે, કયારે મુકત આકાશમાં કોઈ પણ બંધનો વગર ફરી શકીશુ, કયારે બહાર નીકળી શકીશુ? પોતાના ઘરની પણ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, બહુ બધી સમસ્યા છે. પણ તેમાંથી રસ્તો તો કાઢવો જ પડશે અને તે પણ બદલાવને સ્વીકારીને.

આ પ્રતિકૂળ પરિસ્થિતિ ને સહજ સ્વીકારી લઈએ અને મનમાં નિર્ધાર કરી લઇ એ કે કઈ પણ થાય આ મહામારીને ડામી ને જ જંપીશું તો ચોક્કસ સુંદર ભવિષ્ય તરફ પગલાં માંડી શકીશું.

- ડો. પૂર્તિ ત્રિવેદી, રાજકોટ

(4:25 pm IST)