Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

૧૫ લાખના વ્યાજ માટે ૧૧ શખ્સો હેરાન કરતાં હોવાથી મોરબીના નિમેષ ભટ્ટે ફિનાઇલ પી લીધું

શકત સનાળા મિત્ર પાસે મદદ લેવા ગયો અને ત્યાં જ પગલુ ભરી લીધું: સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૪: મોરબીમાં નવલખી રોડ પર લાયન્સ નગરમાં રહેતાં બ્રાહ્મણ યુવાને અગિયાર જેટલા શખ્સો ૧૫ લાખના વ્યાજ માટે હેરાન કરતાં હોવાથી કંટાળી જઇ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મોરબી રહેતો નિમેષ મધુસુદનભાઇ ભટ્ટ (ઉ.૩૯) ગત રાત્રે શકતસનાળા ગામે રહેતાં તેના મિત્ર મનોજ રબારીના ઘર પાસે ફિનાઇલ પી જતાં તેણે તેને સારવાર માટે રાજકોટ ખસેડ્યો છે. નિમેષ કપડાની ફેરી કરી ગુજરાન ચલાવે છે અને તેને સંતાનમાં બે પુત્રી છે. નિમેષના કહેવા મુજબ તેના માતા લત્તાબેનને કેન્સરની બિમારી લાગુ પડતાં તેણે સારવાર માટે અલગ-અલગ અગિયાર લોકો પાસેથી વ્યાજે નાણા લીધા હતાં. જો કે માતાનું અવસાન થઇ ગયું હતું. પોતે હાલમાં વ્યાજ ભરી શકતો ન હોઇ ઉઘરાણી માટે સતત દબાણ થતું હોઇ કંટાળી ગયો હતો.

ગઇકાલે પોતે મિત્ર પાસે આર્થિક મદદ માટે શકત સનાળા ગયો હતો. પરંતુ મિત્ર પાસે પણ પૈસાની વ્યવસ્થા ન હોઇ પોતે ફિનાઇલ પી ગયો હતો. તેમ તેણે જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે મોરબી પોલીસને જાણ કરી હતી.

(3:25 pm IST)