Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી સહિત ૩ આઇપીએસ ચાલુ માસે પોલીસ તંત્રને 'અલવીદા' કહેશે

આઇજી શશીકાંત ત્રિવેદીઅને એડી. ડીજી કક્ષાના વી.એમ.પારગી એમ ૩ અધિકારીઓની નિવૃતી સહિત ૩ માસમાં ૭ આઇપીએસની નિવૃતીથી અનુભવી અધિકારીઓનો દુકાળ સર્જાશેે

રાજકોટ, તા., ૪: રાજય પોલીસ તંત્રમાં ૩ માસમાં અર્થાત ઓગષ્ટ સુધીમાં સિનીયર કક્ષાના આઇપીએસ અધિકારીઓ નિવૃત થઇ રહયા છે. નવાઇની વાત એ છે કે ચાલુ માસે જ રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, રાજકોટ રૂરલમાં લાંબો સમય સુધી ફરજ બજાવવા સાથે વિવિધ શહેરો અને બ્રાન્ચોમાં ફરજ બજાવનાર એડીશ્નલ ડીજીપી કક્ષાના વી.એમ.પારગી  તથા સૌરાષ્ટ્રમાં અમરેલી, જુનાગઢ સહીત રાજય પોલીસ તંત્રમાં મહત્વના સ્થાને ફરજ બજાવનાર શશીકાંત ત્રિવેદી ચાલુ માસના અંતે નિવૃત થઇ રહયા છે.

જુન માસમાં આઇજીપી કક્ષાના અનુભવી એવા આઇપીએસ આર.જે.સવાણી તથા જુલાઇ માસમાં રાજયના પોલીસ તંત્રમાં પ્રજામિત્ર તરીકે જાણીતા રાજકોટના એક સમયના ડીસીપી અને પોલીસ કમિશ્નર તથા સૌરાષ્ટ્ર -ગુજરાતમાં મહત્વના સ્થાનોએ ફરજ બજાવનાર મોહન ઝા નિવૃત થઇ રહયા છે.

ગુજરાતમાં આર્થિક રીતે તથા હિરા ઉદ્યોગને કારણે દેશ-વિદેશમાં જાણીતા  બનેલા  સુરત શહેરના પોલીસ કમિશ્નરની પસંદગી  માટે ચોક્કસ ધોરણો પાડવામાં આવે છે. મુંબઇથી નજીક હોવા સાથે આ ઔદ્યોગીક  નગરી માટે મોટા ભાગે ચોક્કસ પ્રકારની લાયકાત ધરાવતા અધિકારીઓની પસંદગી થતી હોય છે. ઓગષ્ટ માસમાં સુરતના પોલીસ કમિશ્નર સતિષ શર્મા નિવૃત થઇ રહયા છે. પોલીસ તંત્ર પર જેમની પક્કડ છે તેવા આ અધિકારીના સ્થાને કોને મુકવા? તે માટે અત્યારથી મથામણ ચાલે છે.

રાજયના ડીજીપી કક્ષાના તેજપાલસિંહ  બિસ્તની સિનીયોરીટી ધ્યાને લઇ તેમનું નામ ચર્ચામાં છે. એડીશ્નલ ડીજીપી કક્ષાના ગમે તે પરિસ્થિતિને કંટ્રોલ કરી શકે તેવા મનોજ શશીધરનું નામ પણ વિચારણામાં છે.  નવા ડેવલોપમેન્ટ મુજબ રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ કે જેઓ ટેકનીકલ જ્ઞાન અને મુખ્યમંત્રીની ગુડસ બુકમાં છે તેના નામ સાથે લોકો અને પોલીસને સાથે રાખી ચાલી શકે તેવા મુખ્યમંત્રીની ગુડસબુકમાં  સ્થાન ધરાવતા વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનું નામ પણ ચર્ચામાં ઉમેરાયું છે તેમ સુત્રો જણાવે છે.

(3:22 pm IST)