Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

મેંગો માર્કેટમાં આરોગ્ય વિભાગના દરોડાઃ ૧૩ કિલો પ્રતિબંધીત કેલ્શીયમ કાર્ર્બાઇડનો નાશઃ વેપારીઓને ર૦ હજારનો દંડ

રાજકોટઃ ઉનાળાની ઋતુમાં કેલ્શીયમ કાર્બાઇડથી પકાવવામાં આવેલ કેરી આરોગ્ય માટે જોખમી હોય મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કેલ્શીયમ કાર્બાઇડ તેમજ તેનાથી પકવેલી કેરીઓ અંગે ચેકીંગ ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત આજે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવેલ મેંગો માર્કેટમાંથી કુલ ૧૩.૩ કિલો કેલ્શીયમ કાર્બાઇડનો જથ્થો પકડી તેનો નાશ કરાયો હતો અને બે વેપારીઓ પાસે કુલ ર૦ હજારનો દંડ વસુલ કરાયો હતો જે તસ્વીરમાં નજરે પડે છે. આ બાબતે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડે વિસ્તૃત વિગતો આપતા જણાવેલ કે આજે ફુડ ઇન્સ્પેકટરોની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવેલ મેંગો માર્કેટમાં ચેકીંગ હાથ ધરતા આ સ્થળ પાસે શીવ કૃપા હાર્ડવેર નામની દુકાનમાંથી પ્રતિબંધીત કેલ્શીયમ કાર્બાઇડ કેરીના વેપારીઓને આપવામાં આવતો હોવાનું જાણવા મળતા આ હાર્ડવેરની દુકાનમાં દરોડો પાડી ત્યાંથી ૭.૬ કિલોગ્રામ કાર્બાઇડનો જથ્થો પકડી અને તેનો નાશ કરાયો હતો. તથા વેપારીને નોટીસ આપી અને તેઓની પાસેથી નિયમ મુજબ ૧૦ હજારનો દંડ વસુલ કરાયો હતો. જયારે મેંગો માર્કેટમાં આવેલ ચિરાગ ફ્રુટવાળા સુરેશભાઇ પટેલને ત્યાં ચેકીંગ કરવામાં આવતા ત્યાંથી પ.૭ કીલો પ્રતિબંધીત કેલ્શીયમ કાર્બાઇડનો જથ્થો ઝડપાયેલ. તેનો નાશ કરાયો હતો તથા સ્થળ ઉપર ખુલ્લામાં ધુળમાં કેરીના બોકસ રાખવામાં આવ્યા હોવાનું અને ગંદકી જોવા મળતા આ માટે વેપારીને નોટીસ આપી નિયમ મુજબ ૧૦ હજાર રૂપીયાનો દંડ વસુલ કરાયો હતો. આમ આજે કુલ ૧૩.૩ કિલો કાર્બાઇડ જથ્થાનો નાશ કરી વેપારીઓ પાસેથી ર૦ હજારના દંડની વસુલાત કરાઇ હતી.

(3:16 pm IST)