Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

કાલાવાડ રોડ ઉપર સ્પાના ઓઠા હેઠળ ચાલતા કુટણખાના પ્રકરણમાં જગ્યાની મહિલા માલીકના આગોતરા જામીન રદ

રાજકોટ તા. ૪: અહીંના કાલાવાડ રોડ ઉપર વોકહાર્ટ હોસ્પીટલની બાજુની શેરીમાં આવેલ સેલીબ્રીટી એચએલઓ સ્પા.માં દેહવિક્રયનો ધંધો કરવા અંગે યુવતિ સહિતના આરોપીઓ સામે નોંધાયેલ ઇમોરલ ટ્રાફિક અન્વયેની ફરીયાદના સંદર્ભેમાં જે જગ્યાએથી આ રેકેટ પકડાયેલ તે જગ્યાના માલીક સોનલબેન દિલીપભાઇ લાડાણીએ પોતાની સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા કરેલ અરજીને સેસન્સ કોર્ટે રદ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે તા. ૧ર-૪-૧૯નાં રોજ કાલાવાડ રોડ ઉપર વોકહાર્ટ હોસ્પીટલ પાસેની શેરીમાં આવેલ ઉપરોકત સ્પા સેન્ટરમાં દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની બાતમીનાં આધારે પોલીસે રેઇડ પડતાં યુવતિ સાથે ગ્રાહક કઢંગી હાલતમાં મળી આવતાં પોલીસે અત્રે રૈયા ટેલીફોન એકસચેંજ પાસે રહેતા પવનસીંગ ચૌહાણ, અને નાનામવા રોડ ઉપર કલ્યાણી સોસાયટીમાં રહેતા હર્ષિલ બીપીનભાઇ ખાચરને પકડી પાડીને સ્થળ ઉપરથી, કોન્ડમ અને રૃા. ૧ર હજાર રોકડા કબ્જે કર્યા હતાં.

આ ગુનામાં પોલીસે કોર્ટમાં સોગંદનામું રજુ કરીને જણાવેલ કે, હાલના અરજદારે પોતાની માલીકીની બનાવવાળી જગ્યા અમદાવાદની યુવતિ ગોપીબેન પટેલને માસિક રૃા. ૪૦ હજારમાં ભાડે આપેલ છે. જે જગ્યાએ સ્પાના ઓઠા હેઠળ કુટણખાનું ઝડપાતા બિલ્ડર પત્નિ સોનલબેન દિલીપભાઇ લાડાણી જગ્યાના માલીક હોય તેણીની ધરપકડની દહેશત ઉભી થતાં તેણીએ આરોપીના જામીન મેળવવા અરજી કરી હતી.

આ અરજીમાં કામે રજુ થયેલ પોલીસ પેપર્સ અને સોગંદનામાની હકીકતો તેમજ સરકારી વકીલ સમીરભાઇ ખીરાએ કરેલી રજૂઆતને ધ્યાને લઇને અરજદારની આગોતરા જામીન અરજી રદ કરવા રજુઆત કરી હતી.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને સેસન્સ અદાલતે અરજદાર સોનલબેન લાડાણીની આગોતરા જામીન અરજી રદ કરી હતી, આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી સમીરભાઇ ખીરા રોકાયા હતાં.

(3:14 pm IST)