Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

બોગસ ડીગ્રી કૌભાંડમાં કબ્જે લીધેલા લેપટોપમાંથી ૫૦થી વધુ નામો મળ્યા

વૈશાલીનગરમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી કૌભાંડમાં કલાસીસ સંચાલક પ્રકાશ ગોહેલની ધરપકડ કરી'તી

રાજકોટ તા. ૪: રૈયા રોડ પર વૈશાલીનગરમાં ક્રાઇમ બ્રાંચે  સન રેયઝ નામના કલાસીસમાં દરોડો પાડી સંચાલક પ્રકાશ ગોહેલને જુદા-જુદા રાજ્યોની બોગસ ડીગ્રીઓના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જે હાલમાં જેલહવાલે છે. તેની પાસેથી કબ્જે થયેલા ત્રણ લેપટોપની ચકાસણી થતાં અંદરથી વધુ ૫૦ નામોની યાદી મળી આવી છે. આ તમામને બોગસ ડીગ્રી વેંચી છેતરપીંડી કરાયાની શકયતા હોઇ વિશેષ તપાસ માટે પ્રકાશનો જેલમાંથી કબ્જો મેળવવામાં આવે તેવી શકયતા છે.

પોલીસે ફરિયાદી બની પ્રકાશ ગોહેલ, દિલ્હીના એચ.એચ. ફાઉન્ડેશનના સંચાલક, વડોદરાના પંકજ સંઘવી અને અંકેલશ્વરના હિતેષ પટેલ સામે ગુનો નોંધ્યો હતો. પી.એસ.આઇ. એચ. બી. ધાંધલ્યા અને ટીમ દિલ્હી સુધી તપાસમાં ગઇ હતી. જો કે આરોપી હાથ આવ્યો નહોતો. બીજી તરફ પ્રકાશની ઓફિસમાંથી ત્રણ લેપટોપ કબ્જે થયા હોઇ તેની ચકાસણી થતાં ૫૦થી વધુ નામોની યાદી મળી છે. આ લોકોનો પોલીસે સંપર્ક કરવા પ્રયાસ કરતાં અમુક પાસેથી પૈસા લઇ ડીગ્રી આપી હોવાનું બહાર આવી રહ્યું છે.

ભોગ બનેલા પૈકીના મોટા ભાગના દસ કે બાર ધોરણ નાપાસ હોય તેવા છાત્રો છે. આ પૈકી જે પૈસા આપી શકે તેમ હતાં તેણે પૈસા આપ્યા હતાં. બાકીના નકલી ડીગ્રી ખરીદી શકે તેમ નહોતાં. જરૂર પડ્યે પોલીસ ફરીથી પ્રકાશનો કબ્જો લેવા તજવીજ કરશે.

(4:01 pm IST)