Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

'અચો સિંધી ઘડજો સિંધી.... અચો સિંધી નચો સિંધી'નો નારો

શનિવારે ચેટીચંડ : ઝુલેલાલ સાહેબનો જયજયકાર ગુંજશે

મહિલાઓ - પુરૂષોની બાઈક રેલી : રામનાથપરા હરમંદિરેથી શોભાયાત્રા નીકળશે : રેસકોર્ષના મેદાનમાં મ્યુઝીકલ, દાંડીયારાસ સહિતના કાર્યક્રમો : સિંધી સમાજ રાજકોટ દ્વારા બે દિવસીય કાર્યક્રમોની વણઝાર

રાજકોટ, તા. ૪ : પૂ. ઝુલેલાલ એ સિંધી સમાજના ઈષ્ટદેવ છે. તેઓ વરૂણદેવનું એક સ્વરૂપ છે. તેમને ઉડેરોલાલ, ઝુલણસાંઈ, લાલસાંઈ, જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. સિંધ પ્રદેશમાં વિક્રમ સંવતઃ ૧૦૦૭ ચૈત્રના બીજા શુક્રવારના રોજ સિંધ પ્રદેશમાં નસરપુરના રહેવાસી ભાઈ રતનરાયના ઘરે ચમત્કારી બાળક ઝુલેલાલ સાહેબનો જન્મ થયેલ. ઝુલેલાલ સાંઈએ સિંધ પ્રદેશમાં ''ભીરખશાહ'' નામના ઝુલમી બાદશાહથી તેમના અત્યાચારોથી સિંધી પ્રજાને મુકિત અપાવેલ. ઝુલેલાલ સાહેબનો જન્મ દિવસ ચેટી ચાંદ કે ચેટીચંડ તરીકે ઉજવવામાં આવે છે. આગામી ''ચેટીચંડ'' તા.૬ના શનિવારના રોજ ભવ્યાતિભવ્ય રીતે સિંધી સમાજ, રાજકોટ દ્વારા ઉજવવામાં આવનાર છે.

સૌપ્રથમ ''વેલકમ ચેટીચંડ'' કરવા માટે મહિલાઓની બાઈક રેલી આ વખતે સૌપ્રથમ વખત ટહેલીયારામ બાદ સાહેબ ખાતેથી તા.૫ના શુક્રવારે સાંજે ૫ કલાકે શરૂ થશે. જે જંકશન પ્લોટમાં આવેલ ઝુલેલાલ મંદિરે પૂર્ણ થશે.

જયારે તા.૬ના શનિવારે સવારે ૧૦ કલાકે ઝુલેલાલ મંદિર રેફયુજી કોલોની ખાતેથી સિંધી સમાજના યુવાઓની બાઈક રેલી અને કાર રેલી નીકળશે. જે શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ બપોરે ૨ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણાહૂતિ થશે. જેમાં અંદાજે ૧૫૦૦ યુવાઓ સાફા ધારણ કરી સામેલ થશે અને શહેરના રાજમાર્ગો ઝુલેલાલ સાહેબના જયઘોષ સાથે ગુંજવશે.

આજ દિવસે બપોરે ૨:૩૦ કલાકે રામનાથપરા હરમંદિર સાહેબથી સરઘસ યાત્રા નીકળશે. જેમાં અનેક કલાકારો ભજન મંડળીઓ, યુવાઓ, મહિલાઓ અને સિંધી સમાજના આગેવાનો સામેલ થશે. આ શોભાયાત્રાનું ચોકે ચોકે સ્વાગત કરાશે. આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ સાંજે પૂર્ણાહૂતિ થશે.

તા.૬ના સાંજે ૬ વાગ્યાથી રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે અતિ જાજરમાન કાર્યક્રમો યોજાશે. જે નીચે મુજબ છે. (૧) સૌપ્રથમ સાંજે ૬:૩૦ કલાકે ભવ્ય શંખનાદ સાથે જયોત પ્રાગટ્ય અને મહાઆરતીથી શરૂઆત થશે. (૨) સાંજે ૭ થી ૧૦ સુધી અતિ ભવ્ય સીંધી મ્યુઝીકલ કાર્યક્રમો યોજાશે. જેમાં ગાંધીધામથી પ્રખ્યાત સિંધી કલાકાર સોનીયા નિહલાણી ડો/ઓ. પરમાનંદ પાસી પોતાના સુરીલા અવાજથી સૌને ડોલાવશે. (૩) સિંધી સમાજના યુવાઓ દ્વારા ''છેજ'' અને દાંડીયારાસ લેવાશે. (૪) રેસકોર્ષ ગ્રાઉન્ડમાં વિવિધ કલાત્મક ઝાંખીઓના સ્ટોલ રખાશે. જે સિંધી સંસ્કૃતિને ઉજાગર કરશે. (૫) બાળકો માટે ૪૦ રાઈડ્સ રાખવામાં આવેલ છે. મોટી સંખ્યામાં ભાવિકો મહાપ્રસાદ ગ્રહણ કરશે.

સમગ્ર સિંધી સમાજમાં ''ચેટી ચંડ''ના તહેવારને લઈને અનેરો થનગનાટ પ્રસરી રહેલ છે. સિંધી સમાજ દ્વારા ''અચો સિંધી ઘડજો સિંધી'' અને ''અચો સિંધી નચો સિંધી''ના નારા આપવામાં આવેલ.

તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સર્વશ્રી લીલારામ પોપટાણી, સ્વામી અમરલાલ, અજીત લાલવાણી, બ્રીજલાલ સોનવાણી, ક્રિપાલ કુંદનાણી, આત્મારામ બેલાણી, દિલીપ આસવાણી, શ્રીચંદ બાલચંદાણી, નાનક પુનવાણી, સોનુ હિંદુજા, જગદીશ મંગનાણી, જીતેશ પુનવાણી, સુનિલ ટેકવાણી, કુમાર વાસદેવાણી, કિશન ઝરબાણી, રાજુ દરીયાનાણી, રાજુ ઉદાણી, હરેશ વાધવાણી, મંધારામ ધીરવાણી, અજીત આહુજા, નંદલાલ મુલચંદાણી, ડેની પારવાણી, બીપીન મોટવાણી, સુનિલ બીજલાણી, મુકેશ તનવાણી, જયેશ વધીયા, ચંદર ભીમાણી, પરેશ મુલવાણી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:05 pm IST)