Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

૬૦ લાખ ચાંઉ કરી જનારા મોરબી રોડ શકિત સોસાયટીના કેતન અને પિતા સુરેશ ઢોલરીયા સામે વધુ એક ગુનો

પત્રકાર મિત્ર પાસેથી મદદના નામે ૧ લાખ લઇ લીધા'તાઃ તેની સામે જે ચેક આપ્યો હતો તે ખોટી સહીવાળો નીકળ્યોઃ ક્રાઇમ બ્રાંચે અલગથી ગુનો દાખલ કરી કેતનના પિતાની પુછતાછ શરૂ કરી

રાજકોટ તા. ૪: ગયા મહિને ફોટોગ્રાફર યુવાન અને તેના માતા તેમજ બીજા મિત્રોના રૂ. ૬૦ લાખ ચાંઉ કરી જવા મામલે મોરબી રોડ શિવશકિત સોસાયટીમાં રહેતાં પટેલ પિતા-પુત્ર સામે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો હતો. આ બંને પિતા પુત્ર સામે વધુ એક ગુનો પત્રકારની ફરિયાદ પરથી દાખલ થયો છે. એક લાખની ઠગાઇ અને કાવત્રુ રચી બોગસ સહીવાળો ચેક ધાબડી ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો ગુનો નોંધાયો છે.

ક્રાઇમ બ્રાંચે જામનગર રોડ પર નાગેશ્વર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૫૦૧માં રહેતાં અને પત્રકાર તરીકે નોકરી કરતાં જયેશ ચમનભાઇ રાઠોડ (ઉ.૪૦)ની ફરિયાદ પરથી જુના મોરબી રોડ શિવશકિત પાર્ક ૮૦ ફુટ રોડ પર રહેતાં કેતન સુરેશભાઇ ઢોલરીયા (પટેલ) અને તેના પિતા સુરેશ નાથાભાઇ ઢોલરીયા સામે આઇપીસી ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦-બી, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

જયેશ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું છે કે  કેતન ઢોલરીયા મારો વર્ષો જુનો મિત્ર છે જે કારણે અમારે એક બીજાના ઘરે આવવા-જવાના સંબંધ પણ છે. આજથી સાડા ચારેક મહિના પહેલા કેતન અને તેના પિતા સુરેશભાઇએ મારી પાસે આવી વાત કરી હતી કે તેનો ઇમિટેશનનો શો રૂમ સંત કબીર રોડ પર જુના બગીચાવાળી જગ્યામાં ચાલુ કરવાનો હોઇ તેનું કામ ચાલુ છે અને રૂપિયાની ખાસ જરૂર છે. તાત્કાલીક એક લાખ કરી આપો તેમ કહી મદદ કરવાનું અને પોતે આ રકમ દસ દિવસમાં આપી દેશે તેમ જણાવી તેમજ કેતન પોતે પૈસા ન ચુકવી શકે તો પિતા સુરેશભાઇ આપી ેશે તેવો વિશ્વાસ આપતાં મિત્રતાના દાવે તેને આ રકમ આપી હતી.

તેણે આ રકમ સામે નાગરિક બેંકનો ચેક આપ્યો હતો અને કહ્યું હતું કે જો સગવડ ન થાય તો ચેક બેંકમાં નાંખી દેવો. ૨૭/૩/૧૯નો આ ચેક હતો. ત્યારબાદ મેં તેને એક લાખ આપ્યા હતાં. પરંતુ સમય વિતવા છતાં તેણે રકમ પાછી આપી નહોતી. એ દરમિયાન મને ખબર પડી હતી કે કેત રાજકોટ છોડી ભાગી ફરાર થઇ ગયેલ છે અને ઘણા લોકોને તેને પૈસા પાછા આપવાના છે. આથી મેં તેના પિતાજીને મળી વાત કરતાં તેણે કહેલ કે તમને તો હું દુધે ધોઇને પૈસા પાછા આપીશ, ચિંતા ન કરતાં. તમારી પાસે ચેક છે તે ખાતામાં નાંખી દો એટલે તમને પૈસા મળી જશે. તેના કહેવાથી મેં ચેક બેંકમાં નાંખ્યો હતો. પરંતુ ચેકમાં કેતન સુરેશભાઇ ઢોલરીયાની સહીના બદલે રવિ નશીતના નામની ખોટી સહી હોઇ ચેક પરત આવ્યો હતો.

આમ રૂપિયા દેવા ન પડે એ માટે થઇને કેતન અને તેના પિતાએ મળી ચેકમાં ખોટી  સહી કરી એ ચેક આપી ખોટા દસ્તાવેજ ઉભા કરી અમારી સાથે છેતરપીંડી કરી હતી.

ડીસીબીના પીએસઆઇ ડી. પી. ઉનડકટ અને સ્ટાફે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી હાલ સુરેશભાઇ ઢોલરીયાને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે અગાઉ ૩ માર્ચના રોજ પણ કોલેજવાડીમાં રહેતાં ફોટોગ્રાફર રાજેશ ઉદયભાઇ બગડાઇ (ઉ.૩૨)ની ફરિયાદ પરથી કેતન અને તેના પિતા સુરેશ ઢોલરીયા સામે રાજેશ તથા તેના માતા તથા મિત્રોને ઇમિટેશનના ધંધામાં રોકાણ કરવાથી મોટો ફાયદો થશે તેવા આંબા આંબલી બતાવી રૂ. ૬૦ લાખનું ઉઘરાણુ કરી બંને પલાયન થઇ ગયાની ફરિયાદ ક્રાઇમ બ્રાંચમાં દાખલ થઇ હતી. ત્યાં હવે બંને સામે બોગસ ચેક ઉભો કરવાનો અને ઠગાઇ કરવાનો બીજો ગુનો દાખલ થયો છે.

(3:49 pm IST)