Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

ઘરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખવાના ગુનામાં પકડાયેલ આરોપીનો છુટકારો

રાજકોટ તા.૪: ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે તા. ૧૩-૭-૨૦૧૮ના રોજ આ કામના ફરિયાદી ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ રામસિંહ ઝાલા વિગેરેઓને બાતમી મળેલ કે પંચનાથ પ્લોટમાં રહેતા જયેશ નટવરલાલ પડીયા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો તેમજ બીયરનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. જેથી પોલીસે ઉપરોકત બાતમીના આધારે રેડ કરતા આરોપીના રહેણાંકના મકાનમાંથી ગેરકાયદેસર અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૪ તેમજ અલગ અલગ બ્રાન્ડના બીયરના ટીન નંગ-૧૨ રાખી મળી આવતા આરોપી વિરૂદ્ધ પ્રોહીબિશન એકટની નવા કાયદાની કલમ -૬૫ (ઇ), ૧૧૬ મુજબનો ગુન્હો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.

ત્યારબાદ ઉપરોકત કેસ ચાલી જતા બચાવપક્ષે તેમના એડવોકેટ અમિત એન. જનાણીએ જણાવેલ કે, સદર કામે તપાસવામાં આવેલ પાંચ-સાહેદ જે સ્વતંત્ર સાહેદ છે તેઓ પંચનામાની કોઇ હકીકતને સમર્થન આપેલ નથી અને બાકી બધા પોલીસ સાહેદો છે તેમજ સદર કામે તપાસ કરનાર અધિકારીએ કોઇ સ્વતંત્ર સાહેદના નિવેદન લીધેલ નથી. આમ ફરિયાદપક્ષ ફોજદારી કાર્યરીતિના સિદ્ધાંત મુજબ આરોપી સામેનો ગુન્હો રેકર્ડ પર સાબીત કરી શકેલ ન હોય, જેથી તેને નિર્દોષ છોડી મુકવા દલીલો કરેલ હતી.

આ દલીલોને ધ્યાને લઇ કોર્ટે આરોપી જયેશ નટવરલાલ પડીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ હતો.

ઉપરોકત કામમાં આરોપી જયેશ નટવરલાલ પડીયા વતી રાજકોટના ધારાશાસ્ત્રી અમિત એન. જનાણી, કિશન વાલવા, સંદિપ જેઠવા રોકાયેલા હતા.

(3:47 pm IST)