Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

સોમવારથી પ્રચારની ધબધબાટીઃ ગુજરાતને ધમરોળવા આવતા રાષ્ટ્રીય નેતાઓ

આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પુરીઃ કાલે ફોર્મ ચકાસણીઃઉમેદવારો-કાર્યક્રરોને મુંઝવતો આકરો તાપ

રાજકોટ, તા. ૪ : લોકસભાની ગુજરાતની ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્રણ વાગ્યા સુધીમાં ફોર્મ ભરવાની મુદત પુરી થયા બાદ આવતીકાલે તા.૫મીએ ચકાસણી થશે. ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ તા.૮ છે. જાહેરનામુ બહાર પડ્યા પછી પ્રથમ અઠવાડીયામાં ફોર્મ ભરવાની અને મનાવવાની પ્રક્રિયામા પૂરૂ થયા બાદ હવે ઉમેદવારો, પક્ષો અને કાર્યકરો પ્રચારને વેગ આપશે. ૨૩મીએ મતદાન છે. આવતા અઠવાડીયાથી પ્રચારની ધબધબાટી શરૂ થશે. ગુજરાતમાં સભા - સંમેલન - રેલી સંબોધવા રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યા છે.

ભાજપના નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ, કોંગ્રેસના રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, જયોતિરાદિત્યસિંહ, સચિન પાયલોટ વગેરે પ્રચારમાં આવે તેવા વાવડ છે. રાજયના જુદા જુદા વિસ્તારોમાં સંમેલનો, જાહેર સભાઓ, રોડ શો વગેરેનું આયોજન થશે. સોમવાર પછી પ્રચારનું એક પખવાડીયુ પણ બાકી રહેતુ નથી. તેથી ઉમેદવારો અને નેતાઓ ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દેશે.

રાજયમાં તમામ ૨૬ બેઠકોમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા છે. સોમવારે બપોર પછી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. નેતાઓ મતદારોને આકર્ષવા માટે જુદા જુદા વચનો આપી રહ્યા છે. અત્યારે મોટા ભાગે ઉમેદવારોનો લોકસંપર્ક ચાલી રહ્યો છે. ધમાકેદાર પ્રચારની શરૂઆત આવતા અઠવાડીયાથી થશે. તા.૧૦મીએ વડાપ્રધાન મોદી આણંદ અને વ્યારામાં સભા ગજાવવા આવી રહ્યા છે.

એક તરફ મતદાનનો દિવસ નજીક આવતો જાય છે. બીજી તરફ ઉનાળાએ અસલ રંગ પકડ્યો છે. બપોર વચ્ચે કયાંય જાહેર પ્રચાર ન થઈ શકે તેવી સ્થિતિ છે. મતદાનના દિવસે તાપ અને લગ્ન પ્રસંગ અસરકર્તા બને તેવી સંભાવના છે. થોડા દિવસોમાં પ્રચારનું જાજુ કામ પૂરૂ કરવા ઉમેદવારોએ કમર કસી છે.

એક નઝર ઈધર ભી

શિક્ષક       : નેતાજી, તમારો દીકરો  નાપાસ થયો છતાં કેમ પેંડા વહેંચો છો?

નેતા : ૮૦ વિદ્યાર્થીઓના વર્ગમાં ૬૦ નાપાસ થયા, બહુમતી મારા બેટા સાથે છે

 

(3:44 pm IST)