Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

૫.૨૫ લાખની લૂંટનો ભેદ કલાકોમાં ઉકેલતી યુનિવર્સિટી પોલીસઃ રામ અને માલદે પકડાયાઃ કાર-ત્રણ લાખ કબ્જે

સુત્રધાર હાર્દિકસિંહ સવા બે લાખ લઇ ફરારઃ ઝડપાયેલા બંને મુળ જામજોધપુરના વાંસજાળીયાનાઃ મવડી રામધણ પાસેથી પકડ્યાઃ અગાઉ મારામારી-દારૂ સહિતના છ ગુનાઓમાં સંડોવણી : પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. જાડેજા અને ટીમને સફળતા

રાજકોટ તા. ૩: સાધુ વાસવાણી રોડ પર મુરલીધર ચોક પાસે વિનાયક કોમ્પલેક્ષમાં આવેલી સ્માઇલ મોબાઇલ નામની દૂકાનમાં નોકરી કરતાં સાધુ વાસવાણી રોડ ગંગોત્રી ડેરી સામે કૈલાસ પાર્ક-૯માં રહેતાં દેવેન રાજેશભાઇ જોટાણીયા (પ્રજાપતિ) (ઉ.વ.૧૯)ને લાફો મારી સાધુ વાસવાણી રોડ પરથી ગુરૂજીનગર શાક માર્કેટ પાસે લઇ જઇ માર મારી એકટીવાની ડેકીમાંથી રૂ. ૫,૨૫,૦૦૦ની લૂંટ ચલાવી ત્રણ શખ્સ ભાગી ગયા હતાં. આ રકમ દેવેનના શેઠ અંકિતભાઇ નિલેશભાઇ પારેખની ઉઘરાણીની હતી. આ મામલે નોંધાયેલા ગુનાનો ભેદ યુનિવર્સિટી પોલીસે ઉકેલી નાંખી બે શખ્સોને દબોચી લઇ ૩ લાખની રોકડ કબ્જે લેવા તજવીજ કરી છે. આ બંને અગાઉ પણ મારામારી, દારૂ સહિતના ગુનામાં સંડોવાઇ ચુકયા છે. બાકીની રકમ સાથે સુત્રધાર હાર્દિકસિંહ ભાગી ગયો હોઇ તેની શોધખોળ યથાવત રખાઇ છે.

 ગોવા ગયેલા શેઠ અંકિતભાઇના ફોન મુજબ દેવેન તા.૧ના રોજ રૂ. ૬ લાખની ઉઘરાણી કરી એકટીવાની ડેકીમાં રાખી તેમાંથી ૭૫ હજાર શેઠના કહેવા મુજબ સાધુ વાસવાણી રોડ પર શેઠના મિત્રને દેવા ગયો ત્યારે ત્યાં તેનો પડોશી હાર્દિકસિંહ ઉભો હોઇ તે ડેકીમાં પૈસા જોઇ જતાં તેને ધમકાવી ચાવી પડાવી લઇ માર મારી એકટીવામાં બેસાડી ગુરૂજીનગરની શાક માર્કેટ પાસે લઇ જઇ બીજા બે શખ્સોને બોલાવી માર મારી રૂ. સવા પાંચ લાખ લૂંટી લીધા હતાં. આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો હતો. હાર્દિકસિંહ અગાઉ હત્યાની કોશિષમાં સંડોવાઇ ચુકયો હોવાનું અને પાસામાં જઇ આવ્યો હોવાનું ખુલ્યું હતું.

આ ગુનામાં હાર્દિકસિંહ સાથે રામ કારાવદરા અને એક અજાણ્યો સામેલ હોવાની માહિતી મળી હતી. તેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.  દરમિયાન લૂંટમાં વપરાયેલી સ્વીફટ ગાડી માળીયાથી સામખીયાળી તરફ ગયાની માહિતી સીસીટીવી કેમેરાને આધારે મળતાં પીએસઆઇ એ. બી. જાડેજા અને ડી. સ્ટાફની ટીમ સામખીયાળી તરફ રવાના થઇ હતી. સામખીયાળી ટોલનાકે પોલીસ પણ પહોંચી ગઇ હતી. પણ ટ્રાફિકનો લાભ લઇ ત્યાંથી સ્વીફટ ભાગી ગઇ હતી.

દરમિયાન ગત સાંજે મવડી રામધણ પાસે શિવ ગેરેજ ખાતે આરોપીઓ આવવાના છે તેવી પાક્કી બાતમી મળતાં વોચ રાખવામાં આવતાં બે શખ્સો રામ પુંજાભાઇ કારાવદરા (ઉ.૨૯-રહે. નાગેશ્વર કલ્પવૃક્ષ બિલ્ડીંગ ફલેટ નં. ૨૦૧, મુળ વાંસજાળીયા-જામજોધપુર) તથા માલદે લીલાભાઇ ગરેજા (ઉ.૩૦-રહે. વાંસજાળીયા) કાર સાથે આવતાં દબોચી લેવાયા હતાં. સુત્રધાર હાર્દિકસિંહ ધોરાજીના અડવાલ તરફ ગયાની માહિતી મળતાં પોલીસ એ તરફ પણ પહોંચી હતી. પરંતુ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસે જીજે૦૩ઇએલ-૩૨૩૪ નંબરની ૩ લાખની સ્વીફટ અને ૩ લાખની રોકડ કબ્જે કરવા તજવીજ કરી છે. બાકીની રકમ હાર્દિકસિંહ પાસે છે.

પોલીસે તપાસ કરતાં રામ કારાવદરા અગાઉ પોરબંદર મરીન, બગવદર, રાણાવાવ, કમલાબાગ, જામજોધપુરના પોલીસ સ્ટેશનોમાં ધમકી, મારામારી, દારૂના ચાર ગુનામાં અને માલદે પોરબંદર-જામનગરમાં મારામારી-દારૂના બે ગુનામાં સંડોવાઇ ચુકયાનું ખુલ્યું હતું. હાર્દિકસિંહ પણ હત્યાની કોશિષમાં સામેલ છે. મોજશોખ માટે આ ત્રણેયએ લૂંટ કરી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાએ આ ગુનો ઝડપથી ઉકેલવા સુચના આપી હોઇ યુનિવર્સિટી પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ડોડીયા, યુવરાજસિંહ ઝાલા, જયંતિગીરી ગોસ્વામી, મુકેશભાઇ ડાંગર, કૃષ્ણદેવસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.

(2:54 pm IST)
  • મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતા દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા ::નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 17,425 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,56,748 થઇ :એક્ટિવ કેસ 1,70,443 થયા વધુ 14,071 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,24,233 થયા :વધુ 87 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,471થયા: સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 9855 નવા કેસ નોંધાયા access_time 1:06 am IST

  • જે સીડી પર ચડીને જિંદગીના સૌથી ઉંચા મુકામ પર પહોંચ્યા છીએ શું તેને પાડી દેવી યોગ્ય છેઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે જી-૨૩ના નેતાઓને લખ્યો ખીલ્લો પત્ર : પૂછયું કે શું તેઓ પક્ષ બદલવાનો વિચાર કરે છે ? : ખુર્શીદે ઉકત નેતાઓને કહ્યું કે આપણે વર્તમાનમાં યોગ્ય સ્થાન શોધવાની બદલે તેના પર ચિંતન કરવું જોઈએ કે ઇતિહાસ એમને કેવી રીતે યાદ રાખશે access_time 1:21 pm IST

  • રાજકોટ લોધિકા સંઘના ચેરમેન અને અકિલા ના વરિષ્ઠ સદસ્ય નરેન્દ્રસિંહ જાડેજાએ આજે લીધો કોરોનાની રસી નો પ્રથમ ડોઝ access_time 5:17 pm IST