Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

બેંક-કંપનીઓમાં નોકરીની લાલચ આપતી ગેંગના કોલ સેન્ટરનો પર્દાફાશ

અમદાવાદની લોહાણા યુવતી નિશા રાજદેવ સહિત હજારો યુવક-યુવતીઓ સાથે નોકરીના નામે છેતરપીંડી કરતી ગેંગનું પગેરૂ દિલ્હી અને ઉત્તર પ્રદેશ સુધીઃ અમદાવાદ સાયબર ક્રાઈમનો સપાટો : ગુડગાંવ-દિલ્હી અને ઉત્તર પ્રદેશના વિવિધ શહેરોમાં મોટી રકમો ટ્રાન્સફર કરાવી લેવાતીઃ ગેંગના સ્ટાફને ૧૫થી ૨૫ ટકા જેટલું છેતરપીંડીમાં કમિશન અપાતું: ક્રાઈમ બ્રાંચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર જે.આર. મોથલીયા, ડીસીપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં પોલીસ ઈન્સ્પેકટર વી.બી. બારડે આરોપીઓને તાકીદે ઝડપી લીધા

રાજકોટ, તા. ૪ :. અમદાવાદની નિશાબેન રાજદેવ સહિતના અનેક યુવાનો અને યુવતીઓ સાથે બેંક અને કંપનીઓમાં નોકરીની લાલચ આપી બનાવટી કોલ્સ સેન્ટર ઉભુ કરી કોલ્સ સેન્ટરમાંથી કોલ કરી અને ફ્રોડ કરતી ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમ (ક્રાઈમ બ્રાંચ) અમદાવાદ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ આધારે આરોપીઓનું દિલ્હી સુધી પગેરૂ મેળવી દિનેશ શત્રુઘ્ન શાહ સહિતના આરોપીને અટક કરવા સાથે રિમાન્ડ પર લઈ આગવી ઢબે પૂછપરછ કરતા બનાવટી કોલ્સ સેન્ટર દ્વારા હજારો યુવક-યુવતીઓ સાથે છેતરપીંડી થયાનું ખુલતા ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદની નિશાબેન રાજદેવની માફક નોકરીની જરૂરીયાતવાળા અનેક યુવાન અને યુવતીઓને કોલ્સ સેન્ટરમાંથી ફોન કરી ચોક્કસ કંપનીમાં તથા બેન્કોમાં નોકરીઓ ખાલી છે ? તે માટે જરૂરી ફી ડેબીટકાર્ડથી ચોક્કસ ખાતામાં જમા કરાવવા જાણ થતી. આરોપીઓ દ્વારા આ રકમ યેનકેન પ્રકારે ઉપાડી છેતરપીંડી કરવામાં આવતી.

યુવા - યુવતીઓ સાથે મોટા પ્રમાણમાં છેતરપીંડી થઈ રહ્યાની હકીકત અને ફરીયાદ સાયબર ક્રાઈમને મળતા જ ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ મુખ્ય જોઈન્ટ પોલીસ કમિશ્નર જે.આર. મોથલીયા, નાયબ પોલીસ કમિશ્નર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. વી.વી. બારડે તાકીદે તપાસ હાથ ધરી આરોપીઓના મોબાઈલ નંબરો તથા ટેકનીકલ એનાલીસસ આધારે આરોપીઓનું લોકેશન દિલ્હી ખાતે બતાડતુ હોય આરોપીને ત્યાં જઈ ઝડપી લીધેલ. રિમાન્ડ દરમિયાન મળેલી વિગતો આધારે અનિશા ગુપ્તા નામની તથા અન્ય યુવતીઓ પણ મળી આવેલી.

પોલીસ તપાસ દરમિયાન કાવત્રાના મૂળ માત્ર દિલ્હી સુધી મર્યાદીત ન રહેતા ઉત્તર પ્રદેશના સરહાનપુર પહોંચતા અરૂણ ભારતી નામના શખ્સને ઝડપી લેવામાં આવેલ. કોલ સેન્ટર ચલાવવામાં તેનો મહત્વનો રોલ હોવાનું ખુલવા પામેલ. છેતરપીંડીના આ ધંધામાં પોતાની ગેંગમાં સામેલ સ્ટાફને ૧૫ થી ૨૫ ટકા જેટલુ રોકડમાં કમિશન આપવામાં આવતું. રિમાન્ડ દરમિયાન હજુ વધુ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવશે.

(3:28 pm IST)