Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ઉચાપત કેસમાં પોસ્ટ કર્મચારીને સાત વર્ષની સજા

સને ૨૦૦૦ની સાલમાં મોચીબજાર પોસ્ટ ઓફિસના કર્મચારીએ ૮૫ હજારની ઉચાપત કરીને છેતરપીંડી કરી હતીઃ નાના બચતકારોની જમા રકમની રજીસ્ટરમાં એન્ટ્રી કર્યા વગર નાણા પોતાના ખીસ્સામાં નાખી દીધા હતાઃ સરકારી વકીલની દલીલો માની કોર્ટે સજા સાથે દંડ ફટકાર્યો

રાજકોટ તા.૪: અત્રે મોચીબજાર બ્રાંચ પોસ્ટ ઓફીસમાં ફરજ બજાવતા છગનભાઇ મીનાભાઇ રાઠોડને અદાલતે રૂ. ૮૫ હજારની છેતરપીંડી કરી રકમ ઓળવી જવાના કેસમાં સાત વર્ષની સજા ફટકારી હતી.

આ બનાવની વિગત એવી છે કે, મોચીબજાર બ્રાંચ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા છગનભાઇ રાઠોડે રજીસ્ટરમાં એન્ટ્રી કર્યા વગર બચતકારોની પાસબુકમાં ખોટી એન્ટ્રી કરી છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં તેની સામે આઇ.પી.સી. કલમ ૪૦૯,૪૨૦ સહિતની કલમો હેઠળ સને ૨૦૦૦ની સાલમાં ગુનો નોંધાયો હતો.

બનાવની વિગત મુજબ નાની બચતમાં નાણા મુકવા આવેલા બચતકારોની પાસબુક અને રજીસ્ટરમાં દર્શાવેલ રકમમાં મોટો તફાવત દેખાતા તપાસ દરમ્યાન અનેક બચતકારોના રૂ. ૮૫ હજાર, ખિસ્સામાં નાખી દઇ રજીસ્ટરમાં એન્ટ્રી કરી નહોતી અને બચતકારોની પાસબુકમાં ખોટી એન્ટ્રી કર્યાનું બહાર આવેલ હતું.

આ અંગે મોચીબજારના બ્રાંચ પોસ્ટ માસ્તરે પોલીસમાં ફરિયાદ કરતાં આરોપી કર્મચારીની પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું.

આ કેસ ચાલતા સરકારી વકીલ શ્રી દર્શનાબેન પારેખે રજુઆત કરેલ કે, ફરિયાદની હકકીત, સાહેદોની જુબાની અને રેકર્ડ ઉપરનો પુરાવો જોતા આરોપી વિરૂદ્ધ પ્રથમ દર્શનીય રીતે ગુનો પુરવાર થતો હોય આરોપીને સજા કરવા દલીલો કરી હતી.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને મ્યુ. મેજીસ્ટ્રેટે આરોપી પોસ્ટ કર્મચારી છગનભાઇ રાઠોડને સાત વર્ષની સજા અને ર૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી દર્શનાબેન પારેખ રોકાયા હતાં.

(3:27 pm IST)