Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ક્રિસ્ટલ મોલ પાસે એકટીવા સાઇડમાં લેવાનું કહેતાં કોલેજીયન છાત્રની ટ્રાફિક પોલીસમેન સાથે ધમાલ

બીજા વાહનો કેમ સાઇડમાં નથી લેવડાવતો? કહી તુકારો પણ દીધોઃ ભાર્ગવને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ તા. ૪: શહેરમાં વાહનચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે અવાર-નવાર ચકમક ઝરતી રહે છે. રવિવારે રાત્રે કાલાવડ રોડ પરના ક્રિસ્ટલ મોલ પાસેના ચોકમાં ફરજ બજાવતાં ટ્રાફિક પોલીસમેન રવિભાઇ રમેશભાઇ બાવળવા સાથે એકટીવા નં. જીજે૩બીએમ-૨૩૬૮ના ચાલક ક્રાઇસ્ટ કોલેજના છાત્ર ભાર્ગવ નિતીનભાઇ હરખાણી (ઉ.૧૯) (રહે. કેવડાવાડી-૧૦)એ માથાકુટ કરી ફરજમાં રૂકાવટ કરી તુકારો દઇ તેનો મોબાઇલ ઝુંટવી લેવા પ્રયાસ કરતાં ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી કાયદાનું ભાન કરાવાયું છે.

આ બારામાં યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ કે.આર. કાનાબારે કોન્સ. રવિભાઇની ફરિયાદ પરથી ભાર્ગવ સામે આઇપીસી ૧૮૬, ૫૦૪ મુજબ ગુનો નોંધ્યો છે. રવિભાઇના કહેવા મુજબ પોતે રાત્રે નવ વાગ્યે મહિલા કોન્સ્ટેબલ સાથે ક્રિસ્ટલ મોલના પોઇન્ટ પર ફરજ પર હતાં. રવિવાર હોવાથી ટ્રાફિક વધુ હોઇ ટુવ્હીલર્સ જેમ તેમ પડ્યા હોઇ તેને સાઇડમાં પાર્ક કરવાનું કહેવાયું હતું. જે પૈકી જીજે૩બીએમ-૨૩૬૮ના ચાલક ભાર્ગવને પણ વાહન સાઇડમાં લેવાનું કહેવાતાં તેણે 'પહેલા બીજા વાહનો સાઇડમાં લેવડાવો પછી મને કહેજો' તેમ કહેતાં રવિભાઇએ બીજા વાહનના માલિકોને પણ બોલાવ્યા છે તેમ કહેતાં ભાર્ગવ ઉશ્કેરાઇ ગયો હતો અને તુકારે વાત કરી ગાળાગળી કરવા માંડતાં રવિભાઇએ ટોઇંગ વેન બોલાવવા ફોન જોડતાં ભાર્ગવે ફોન ઝૂંટવી લેવા પ્રયાસ કર્યો હતો તેમજ સાઇડમાં વાહન પાર્ક નહિ થાય તેમ કહી ફરજમાં રૂકાવટ કરી ગાળો ભાંડી હતી. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(3:26 pm IST)