Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

રાજકોટમાં આજે સોનાનો સુરજ ઉગ્યો :મેયર બીનાબેન

શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી-૦૧ ડેમમાં સૌની યોજનાહેઠળ નર્મદા નીરના અવતરણ : ન્યારી ડેમ ખાતે આયોજીત કાર્યક્રમમાં ધનસુખભાઇ ભંડેરી, ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, નીતિનભાઇ ભારદ્વાજ, અશ્વિનભાઇ મોલિયા, ઉદય કાનગડ, કમલેશ મિરાણી તથા મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાની, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિતનાં અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

રાજકોટ ,તા.૪: શહેરને સ્થાનિક જળાશયો આજી, ન્યારી, ભાદર અને નર્મદા કેનાલ મારફત પાણી મેળવી દૈનિક ૨૦ મિનીટ પાણી વિતરણ કરવા આવે છે. અગાઉ શહેરનો પાણીનો પ્રશ્ન ખુબજ વિકટ હતો, પરંતુ ભારતના દીર્દ્યદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજના હેઠળ શહેરની તથા સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાને કાયમને માટે ભૂતકાળ બનાવવા માટે સૌરાષ્ટ્રના ડેમોને જોડવાની યોજના બનાવેલ. જેના અનુસંધાને આજરોજ ન્યારી-૧ ડેમ ખાતેપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નર્મદા નીરના અવતરણના ઓનલાઈન વધામણા કરવામાં આવેલ.

શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી-૦૧ ડેમમાં સૌની યોજનાહેઠળ નર્મદા નીરના અવતરણ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આજે મહાશિવરાત્રીના દિવસે ન્યારીમાં નર્મદા નીરનું અવતરણ થયું છે. શહેર માટે સોનાનો સુરજ ઉગ્યો છે. ઇતિહાસ કહે છે કે, ગંગા મૈયાનું અવતરણ થયું ત્યારે શિવજીએ તેની જટામાં તેને ઝીલી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટની જળ સમસ્યા દુર કરવા રાજકોટ માટે ખાસ રૂ.૫૦૦ કરોડનો પ્રોજેકટ અમલમાં મુકયો છે. ઙ્કસૌનો સાથ, સૌનો વિકાસઙ્ખ સુત્ર ચરિતાર્થ થયું છે. સમાજના છેવાડાના માનવી સુધી સતત કામ કરતી સરકાર બની છે. રાજકોટ મહાનગરપાલિકાએ સમાજના તમામ વર્ગને આવરી લઈ રાજયસરકારની સહાયથી અનેક વિકાસ કામો કર્યા છે. દેશનો આર્થિક વૃધ્ધિ દર હાલ વિશ્વના અનેક રાષ્ટ્રની સરખામણીમાં ખુબ ઝડપે વધી રહ્યો છે. થોડા દિવસો પહેલાં રાજકીય કુનેહથી વિશ્વને અચંબામાં નાંખી આર્મીને છૂટ આપી તાત્કાલિક આક્રમક પગલા ભર્યા છે.

 

આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, રાજકોટના આંગણે ન્યારીડેમ ખાતે નર્મદા નીરના વધામણા થયા છે. મુખ્યમંત્રીએ રાજકોટને મહા ભેટ આપી છે. આ યોજનાનું ખાતમુહૂર્ત હેમુ ગઢવી હોલમાં થયું હતું. રૂ.૧૨,૫૦૦ કરોડના ખર્ચે સૌની યોજનામાં ૧૩૫ ડેમ ભરશે કે કેમ તે બાબતે શંકા હતી. પણ ધીરેધીરે રાજયના તમામ શહેર-ગામડાને પાણી મળી રહ્યું છે.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ જણાવેલ કે, સૌની યોજના અંતર્ગત ન્યારીડેમ ખાતે નર્મદા નીરના અવતરણને વધાવવા એકત્ર થયા છીએ ત્યારે આપણે જળ એજ જીવન સુત્રને સાર્થક કરીએ.

આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડે.કમિશનર જાડેજા, નંદાણી, એડી. કલેકટર પરિમલ પંડ્યા, પાણી પુરવઠા બોર્ડ તથા સિંચાઇ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, જુદા જુદા જ્ઞાતિ સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, વિક્રમભાઈ પુજારા, શહેર ભાજપના  તમામ વોર્ડના પ્રમુખ, પ્રભારી, મંત્રી સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત રાજય સંગિત નાટક અકાદમી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પુલવામા શહીદોને શ્રધ્ધાંજલિ રૂપે દેશભકિતના ગીતોનું ગાન કરવામાં આવ્યું હતું તથા પરંપરાગત રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે નર્મદા નીરનું વિધિવત પૂજન કરવામાં આવેલ હતું.(૨૮.૩)

(3:20 pm IST)