Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ભરાડ વિશ્વ વિદ્યાપીઠ ત્રંબા મુકામે વિજ્ઞાન પ્રદર્શન સંપન્ન

રાજકોટઃ. વિદ્યાર્થીઓએ જાતે જ યુ-ટયુબની મદદ લઈ ટેકનોલોજીના વિકાસક્રમનો ખ્યાલ આપતા ૧૩૦થી વધારે મોડેલ્સનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયેલું. બે દિવસ દરમ્યાન સાતથી આઠ હજાર વ્યકિતઓએ પ્રદર્શન નિહાળ્યું. નેનો ટેકનોલોજી, બાયો ટેકનોલોજી, જિનેટિકસ, બેકટેરીયા ટેકનોલોજી વર્કીંગ મોડેલો તેમજ વિડીયો મોડેલ્સો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. પ્રદર્શન નિહાળવા શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો તેમજ શાળાના સંચાલકો, ૩૦થી વધારે ગામના ગ્રામજનો, દસથી વધારે શાળાના વિદ્યાર્થી, મુલાકાતીઓ તથા રાજકોટ જિલ્લાના શિક્ષણાધિકારી ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. સૌએ જિજ્ઞાસાથી રસપૂર્વક પ્રદર્શન નિહાળ્યું તે વિજ્ઞાન પ્રદર્શનની સફળતા હતી. ગીજુભાઈ ભરાડે ટેકનોલોજીને સરળતાથી સમજી શકાય તે માટે ગુજરાતી ભાષામાં તૈયાર કરેલ પુસ્તકોના વિભાગ તેમજ રોબોટિકસ, મિકેનિકલ, મેથ્સ રમતોની લેબ માટે દરેકને આકર્ષણ રહ્યુ હતું. સંસ્થાના નિયામક જતિનભાઈ ભરાડ અને ખાસ તો ભવિષ્યનું શિક્ષણ કેવું હશે ? તેનો અમેરિકાથી અભ્યાસ કર્યા પછી સંસ્થાનું સંચાલન સંભાળ્યું હતુ તેવા પ્રિયાંકભાઈ ભરાડે પ્રદર્શનના મોડેલ્સો તૈયાર કરાવવામાં જહેમત ઉઠાવેલ. શાળાના આચાર્યો, શિક્ષકો, પ્રદર્શનના મોડેલ્સો સમજાવતા વિદ્યાર્થીઓની સાથે પૂર્ણ સમય સુધી રહ્યા અને ભવિષ્યમાં ઉચ્ચ ટેકનોલોજીના વિચારો અને સ્વપ્નાઓએ વાગોળતા વાગોળતા પ્રદર્શન સંપન્ન થયેલ છે.

(3:17 pm IST)