Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

સ્વાઇન ફલૂઃ સિવિલમાં રાજકોટ અને મેટોડાના વધુ બે દર્દીના મોત, એકનો રિપોર્ટ બાકીઃ કુલ મૃત્યુઆંક ૬૭

રાજકોટના ૪૨ વર્ષના મહિલા અને મેટોડાની ૨૫ વર્ષના યુવતિના મોતઃ યુવતિનો રિપોર્ટ બાકીઃ ગઇકાલે ૩ના મોત અને નવા ૧૩ દર્દી જાહેર થયા'તા

રાજકોટ તા. ૪: સ્વાઇન ફલૂએ ભોગ લેવાનું યથાવત રાખ્યું છે. ગઇકાલે એક પછી એક ત્રણ દર્દીના મોત નિપજ્યા હતાં અને નવા ૧૩ દર્દી જાહેર થયા હતાં. ત્યાં રાત્રીના સિવિલ હોસ્પિટલમાં રાજકોટ અને મેટોડાના બે મહિલાએ વારાફરતી દમ તોડી દીધો છે. જેમાં એકનો રિપોર્ટ આવવાના બાકી છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૬૭ થઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ ગઇકાલે સવારે જામનગર રોડ મોચી નગરના ૬૨ વર્ષના વૃધ્ધા, અમરેલીના સોનારીયાના ૫૭ વર્ષના પ્રોૈઢ, ધારીના ડાંગરવાડાના ૬૫ વર્ષના વૃધ્ધએ ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. આ ત્રણેયના રિપોર્ટ પોઝિટીવ હતાં. આ ઉપરાંત ગઇકાલે રવિવારે એક જ દિવસમાં નવા ૧૩ દર્દીના રિપોર્ટ પોઝિટીવ જાહેર થયા હતાં.

ત્યાં રાત્રીના અગિયારેક વાગ્યે સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફલૂ વોર્ડમાં મેટોડાની ૨૫ વર્ષની યુવતિએ રાત્રે દમ તોડી દીધો હતો. આ યુવતિનો રિપોર્ટ આજે સાંજે જાહેર થશે. આ ઉપરાંત વેલનાથપરા વિસ્તારના ૪૨ વર્ષના મહિલાનું પણ રાત્રે સવા વાગ્યે મોત થયું હતું. આ મહિલા ૨૨/૨થી સારવાર હેઠળ હતાં અને રિપોર્ટ પોઝિટીવ હતો. હાલમાં કુલ ૫૩ દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી ૧૯ સિવિલમાં છે. જે પૈકી એક દર્દીનો રિપોર્ટ બાકી છે.

જે દર્દીઓ દાખલ છે તેમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, દ્વારકા, અમરેલી, સુરત, બોટાદ સહિતના ગામ-શહેરોના દર્દીઓનો સમાવેશ થાય છે.

(3:24 pm IST)