Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

પરીક્ષાને ચિંતા મહોત્સવ તરીકે નહીં પરંતુ જ્ઞાનોત્સવ તરીકે ઉજવોઃ જીતુભાઈ ખુમાણ

ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્વે મહત્વની ટીપ્સ

ધો. ૧૦ અને ધો. ૧૨ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે, ત્યારે જૂનાગઢના કાઠી કન્યા વિદ્યાલયના શિક્ષક શ્રી જીતુભાઈ ખુમાણે પરીક્ષાર્થીઓને ટીપ્સ આપી છે. વિદ્યાર્થીએ સંપૂર્ણ સ્વસ્થ મને પરીક્ષા આપવી જોઈએ. બધી જ ચિંતાઓ છોડી દેવી જોઈએ અને ખૂબ જ મહેનત કરી છે. મારી યાદશકિત ખૂબ જ છે. મને બધા જ વિષયો ખૂબ જ ગમે છે. મને મારી મહેનત ઉપર આત્મવિશ્વાસ છે કે હું સફળ થઈશ જ. પરીક્ષા એ મારા માટે જ્ઞાનોત્સવ છે અને મને પરીક્ષા આપતા ખૂબ જ આનંદ થાય છે.

. પરીક્ષા આપતા પહેલા વિદ્યાર્થીએ શું કરવું જોઈએ ?

- વાંચન નિયમિત અને આયોજનબદ્ધ કરો, વાંચન કર્યા પછી મનન કરો, કેટલું વાંચ્યુ તેને નહીં પરંતુ કેટલું યાદ રહ્યું તેને મહત્વ આપો, આત્મવિશ્વાસ અને એકાગ્રતા સાથે વાંચન કરો, તમે પોતે જ તમારા ભાગ્ય વિધાતા છો આ વિચાર મનમાં રાખો, ઉચ્ચ સ્વપ્નાઓ જુઓ અને તેને ચરિતાર્થ કરવા જાગૃત રહો, સદકર્મ કરો સદફળ ભોગવવા માટે તૈયાર રહો, નિરાશાવાદી ન બનો આશાવાદી બનો, સફળતા બજારમાં વેચાતી વસ્તુ નથી-પરીશ્રમથી પ્રાપ્ત થતી સિદ્ધિ છે.

. પરીક્ષા પહેલા વિદ્યાર્થીએ શું ન કરવું જોઈએ ?

પેપરો અઘરા છે, પેપરો ફુટી ગયા છે તેવી અફવાઓથી દૂર રહેવું, નકારાત્મક વિચારોને તિલાંજલી આપવી, મને એ વિષય અઘરો લાગે છે એમાં મને નહીં આવડે આ વિષયમાં મારે માર્કસ ઓછા આવશે, આવા ખંડનાત્મક વિચારોને મનમાં સ્થાન જ ન આપવું, બોર્ડની પરીક્ષા છે તેમાં સ્કવોડ હશે તો મારો નંબર કઈ સ્કૂલમાં આવશે, તેવો કોઈપણ પ્રકારનો ડર ન રાખવો, કોઈ લાગવગ લગાડી માર્કસ ઉમેરાવવા કહે તો મક્કમપણે ના પાડજો.

. વાલીઓએ શું કરવું જોઈએ

માતા-પિતાએ બાળકને હકારાત્મક અભિગમ, સતત પ્રેમ, હુંફ અને લાગણીસભર વાતાવરણ પુરૂ પાડવું જોઈએ, માતા-પિતાએ બાળકોએ રોકટોક તથા તેમના નબળા પાસાઓની ચર્ચા ન કરવી જોઈએ, બાળકોને મહાન અને સફળ વ્યકિતઓના ઉદાહરણ આપવા જોઈએ, કુટુંબ કે સગા-સંબંધીમાં જે વ્યકિતઓ આગળ હોય તેમના ઉદાહરણ આપી તેમને પ્રેરણા આપવી જોઈએ, ગુસ્સો, આક્રમકતા કે સજા કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ, બાળક પરીક્ષા આપવા સ્કૂલે જાય ત્યારે બેટા તું મહાન કાર્યની સફળતા તરફ જઈ રહ્યો છો. તેવા હકારાત્મક વિચારો આપવા જોઈએ, તું નાપાસ  જ થવાનો છો અથવા તારે ઓછા માર્કસ આપવાના છે, તારૂ પરિણામ આવવાનંુ જ નથી, આવા નકારાત્મક વિચારોથી બાળકોને દૂર રાખવા જ જોઈએ.

.  આટલું મનમાં અવશ્ય યાદ રાખો

યજ્ઞવાન બની (વિદ્યાર્થી) સાધક કર્મ કરો, અભ્યાસને ચાહો, અભ્યાસને પૂજા ગણો, માર્કસને પ્રસાદ ગણો, નિશાળને મંદિર ગણો, પ્રેરણામૂર્તિને પરમેશ્વર ગણો.

બોર્ડની પરીક્ષા અગાઉ બાળકો બોર્ડની પરીક્ષાના હાઉથી દૂર રહે તે માટે ટિપ્સ આપવામાં આવી છે. આ માટે વાલીઓ અને શિક્ષકોને બાળકોને હુંફ અને પ્રેમ આપી તનાવ મુકત રાખવા જોઈએ અને એ માટેનું વાતાવરણ સર્જવું જોઈએ.

(12:02 pm IST)