Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ધંધામાં મદદ કરવા આપેલ રકમ પેટે આપેલ ચેક પાછો ફરતા કોર્ટમાં થયેલ ફરિયાદ

રાજકોટ, તા. ૪ :. ધંધામાં જ્ઞાતિબંધુના નાતે મદદ કરવા આપેલ રકમ પરત કરવા આપેલ રૂપિયા છ લાખનો ચેક પરત થતા ફરિયાદ થયેલ છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે ફરીયાદી રસિકભાઈ પોપટભાઈ કથીરીયાને ત્યાં આરોપી રાકેશભાઈ શામજીભાઈ કાછડીયા ૨૦૧૬થી ચાંદીનુ મજુરીકામ કરતા હતા. બન્ને એક જ જ્ઞાતિના હોવાથી આ સમય દરમિયાન આરોપીએ ફરીયાદી સાથે વિશ્વાસજન્ય સંબંધો કેળવેલા. બાદમાં આરોપીએ ફરીયાદીને જાન્યુઆરી-૨૦૧૮માં જ્ઞાતિબંધુ તરીકે પોતાનું જ ચાંદીકામ કરવા માગે છે તેથી મદદ કરવા જણાવેલ જેથી ફરીયાદીએ આરોપીને જ્ઞાતિબંધુ તરીકે મદદરૂપ થવા માટે દસ (૧૦) કિલો ચાંદી ઉછીની આપેલ અને તે ચાંદી એક વર્ષમાં આરોપી ફરીયાદીને પરત કરી દેશે તેવા વચન-વિશ્વાસ આપી આ અંગે રૂ. ૧૦૦ના સ્ટેમ્પ પેપર પર લખાણ કરી આપી નોટરી પાસે સહી-સિક્કા કરાવી આપેલ. ઉપરાંત, ફરીયાદીને વધારે વિશ્વાસ બેસે તે માટે પોતાની બેન્કના બે ચેકો સહી કરીને આપેલ હતા.

ત્યાર બાદ આરોપીએ ઉડાઉ જવાબ આપતા ફરીયાદી રસિકભાઈ પોપટભાઈ કથીરીયાએ તેના એડવોકેટ શ્રી જયકૃષ્ણ વી. માકડિયા મારફતે આરોપીને તેની પાસેથી કાયદેસરની લેણી રકમ ચૂકવવા આપેલ ચેકો બેેંકમાંથી પરત ફરેલ તેની રકમ રૂ. ૬,૦૦,૦૦૦ અંકે રૂપિયા છ લાખ પૂરાની માગણી કરતી લીગલ નોટીસ મોકલેલ જે નોટીસ મળી જવા છતા પણ આરોપીએ સમય મર્યાદામાં ફરીયાદીને રકમ નહીં ચૂકવતા આરોપી રાકેશભાઈ શામજીભાઈ કાછડીયા રહે. 'રાધે', વૃંદાવન સોસાયટી, સી-૨, કુવાડવા રોડ, રાજકોટવાળા સામે અદાલતમાં ચેક પરત થવા અંગેની ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની હેઠળની જોગવાઈઓ મુજબની ફોજદારી ફરિયાદ દાખલ કરેલ છે.

આ કામે ફરિયાદી રસિક પોપટભાઈ કથીરીયાના એડવોકેટ તરીકે સીનીયર ધારાશાસ્ત્રી શ્રી જયકૃષ્ણ વી. માકડિયા, શ્રી જી.એન. ડોડિયા તથા શ્રી ડી.કે. પેથાણી રોકાયેલા છે.

(3:14 pm IST)