Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

કલેકટરનું કાઉન્સલીંગ અને ૧ વર્ષથી ભિક્ષુક ગૃહમાં રહેતી 'માતા'નું પાંચ પુત્રો - પરિવાર સાથે સુખદ મિલન

ઢોરા પીપળીયા વૃધ્ધા ઘરે હેમખેમ પરત : સીટી પ્રાંત-૧ અને સમાજ સુરક્ષા અધિકારીની ટીમને સફળતા

રાજકોટના ઢોરા પીપળીયા ગામના એક વૃધ્ધ માતા ૧ વર્ષથી પોતાના પાંચ પુત્રો-પરિવારથી વિખુટા પડી ગયેલ અને એક વર્ષથી રાજકોટના ભિક્ષુક ગૃહમાં રહેતા હતા, તેમનું કલેકટરશ્રી રેમ્યા મોહને કાઉન્સલીંગ કરાવી પરિવાર સાથે સમાજ સુરક્ષાની ઓફીસે મીલન કરાવ્યું હતું, તસ્વીરમાં વૃધ્ધ માતા રઘુબેન પોતાના પુત્રો અને પરીવાર સાથે નજરે પડે છે.

રાજકોટ તા. ૪ : તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને ભિક્ષુક ગૃહની મુલાકાત લીધી હતી અને સ્થળ ઉપર જ મીટીંગ ગોઠવી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ.એન.ગોસ્વામીને સંસ્થામાં રહેતા અંતવાસીઓનું કાઉન્સલીંગ કરી પરિવારને સોંપવા તાકીદ કરી હતી.

આ દરમિયાન કલેકટરે મહિલા ભિક્ષુક ગૃહની પણ મુલાકાત લઇ, દરેક અંગે વ્યકિતગત જાણકારી મેળવી હતી, દરમિયાન ત્યાં રહેતા મહિલા રઘુબેન મનજીભાઇ ઉધરેજીયા સાથે વાતચીત દરમિયાન તેઓ ઢોરા પીપળીયા ખાતે રહેતા હોવાનું બહાર આવ્યું હતું, પરિણામે કલેકટરે તપાસના આદેશો કર્યા હતા.

આ પછી કલેકટરે પ્રાંત અધિકારીશ્રી સિધ્ધાર્થ ગઢવીને આ બાબતે સૂચના આપતા તેઓ અને સમાજ કલ્યાણ અધિકારી શ્રી ગોસ્વામી ઢોરા પીપળીયા ખાતે દોડી ગયા હતા. રૂબરૂ ઘર તપાસ કરાઇ હતી, સરપંચ કેશુભાઇ મકવાણાની મદદ લઇ તપાસ કરતા ઉપરોકત વૃધ્ધાના પાંચ પુત્રો હોવાનું બહાર આવ્યું હતું.

આ પછી આ લોકોની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, રઘુબેન એક વર્ષ પહેલા માનસિક પરિસ્થિતિ ખરાબ હોવાથી પોતાના ઘરેથી નીકળી ગયેલ, અને રખડતુ - ભટકતુ જીવન ગાળતા હતા. આ દરમિયાન કોર્પોરેશન દ્વારા ભિક્ષુક રેડ દરમિયાન રઘુબેન પણ મળી આવતા તેમને મહિલા ભિક્ષુક ગૃહમાં રાખવામાં આવ્યા હતા, તાજેતરમાં કલેકટરે મુલાકાત દરમિયાન કાઉન્સલીંગની સૂચના આપતા વૃધ્ધાનું પરીવાર - પાંચ પુત્રો સાથે મીલન થઇ શકયું હતું, ઢોરા પીપળીયા ખાતે આ મહિલા અંગે જાણ કરાતા ૨૦ થી ૨૫ લોકો - પુત્રો - મહિલાઓ સમાજ સુરક્ષા કચેરી ખાતે દોડી આવ્યા હતા અને અધિકારીઓનો આભાર વ્યકત કરી હવે પછી માતાની સારી રીતે સારસંભાળ રાખવાની ખાત્રી આપી હતી.

આ સમગ્ર કામગીરી સમાજ સુરક્ષા અધિકારી શ્રી ગોસ્વામી, મિત્સુબેન વ્યાસ, અજયભાઇ વાઘેલા, પંકજભાઇ દુધરેજીયા દ્વારા કરાઇ હતી. કલેકટરે સીટી પ્રાંત-૧ શ્રી ગઢવી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

(3:59 pm IST)