Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

ભણેલી-ગણેલી છોકરી આઉટ લાઇનની હોય, તારે કયાંય કંઇ છે નહિ ને?...સાસુના પુત્રવધુને મેણાઃ ત્રાસ

હાલ રાજકોટ બહેન-બનેવીન સાથે રહેતી સરદારગઢની પટેલ પરિણીતાની જુનાગઢ-વડોદરા સ્થિત પતિ, સાસુ, સસરા, નણંદ-નણદોયા વિરૂધ્ધ ફરિયાદ : પતિ આફ્રિકા પોતાની સાથે લઇ ગયો તો ત્યાં શંકા કરી મારકુટ કરી

રાજકોટ તા. ૪: સરદારગઢ માવતર ધરાવતી અને હાલ રાજકોટ મોટા બહેનને ત્યાં રહેતી એમફીલ સુધીનો અભ્યાસ કરનાર પટેલ પરિણીતાને પતિ-સાસુ-સસરા-નણંદ અને નણદોયાએ જુનાગઢમાં તેમજ પતિએ આફ્રિકામાં ત્રાસ ગુજાર્યાની ફરિયાદ દાખલ થઇ છે. સાસુએ ભણેલી-ગણેલી છોકરી આઉટ લાઇનની હોય, તારે કયાંય કંઇ છે નહિ ને? તેવું બોલી તેમજ સસરા-નણંદ-નણદોયાએ પણ અલગ-અલગ મુદ્દે ત્રાસ ગુજારી તથા પતિએ શંકા કરી ફોન ચેક કરી દારૂ પી ત્રાસ ગુજાર્યાનો આરોપ મુકાયો છે.

મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે આ અંગે મવડી રોડ જીવરાજ પાર્ક ઇસ્કોન હાઇટ્સ સી-૨૦૧માં રહેતાં સોનલબેન તુષાર માખેસણા (ઉ.૩૮) નામના પટેલ પરિણીતાની ફરિયાદ પરથી જુનાગઢ ઝાંઝરડા રોડ પર હરિઓમ નગર રાધિકા પાર્કમાં રહેતાં પતિ તુષાર, સસરા જમનભાઇ મોહનભાઇ માખેસણા, સાસુ કાંતાબેન તથા વડોદરા રહેતાં નણંદ પૂજા કિર્તનભાઇ ખાંટ, નણદોયા કિંતન મનસુખભાઇ ખાંટ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

સોનલબેને ફરિયાદમાં જણાવ્યું છે કે  તે છએક મહિનાથી રાજકોટ તેના બહેન-બનેવીને ત્યાં રહે છે. ત્રણ વર્ષ પહેલા તેણીના લગ્ન જુનાગઢના તુષાર માખેસણા સાથે થયા છે. પોતે એમફીલ સુધી ભણેલા છે. પતિ આફ્રિકા નોકરી કરતાં હોઇ લગ્નના આઠેક દિવસ પછી તે ત્યાં જતાં રહ્યા હતાં. એ પછી સાસુએ ઘરકામ બાબતે મેણાટોણા મારી એવું કહ્યું હતું કે-ભણેલીગણેલી અને નોકરી કરતી છોકરી સારી ન હોય, આઉટ લાઇનની હોય, તારે કયાંય કંઇ છે નહિ ને?...આ પછી કામ બાબતે વારંવાર ટોર્ચર કરતાં હતાં. પતિને આફ્રિકા જાણ કરતાં તેણે થોડા દિવસ સહન કરી લેવા કહી આશ્વાસન આપ્યું હતું. એ પછી મને પતિએ આફ્રિકા જાંબીયામાં બોલાવી હતી. હું ત્યાંએકલી ગઇ હતી. મારે ત્યાં પતિ સાથે સારુ બનતું હતું.

પણ સાસુ-સસરા અને નણંદ વારંવાર ફોન કરી મારા પતિને ચઢામણી કરતાં હતાં. આથી પતિ મારા પર શંકા કરી વારંવાર મારો ફોન ચેક કરતો હતો. તે નોકરી પરથી મોડો આવતો હતો. ત્યાં સ્થાનિક લોકોનો ત્રાસ હોય મને સતત બીક લાગતી હતી. પતિ દારૂપીને ઘરે આવી ગાળો દઇ મારકુટ પણ કરવા માંડ્યો હતો. છએક મહિના આફ્રિકામાં મેં ત્રાસ સહન કર્યો હતો. એ પછી તુષાર મને લઇ ઓચિંતો જુનાગઢ આવી ગયો હતો. જુનાગઢમાં તેણે કમાવવાનું પણ બંધ કરી દીધુ હતું. હું ભણેલી હોઇ નોકરીની વાત કરતાં મને પણ નોકી કરવા દીધી નહોતી. ફરીથી આફ્રિકા જવાની વાત કરતાં નણંદે ચોટલો પકડી માર મારી કહેલુ કે હવે મારો ભાઇ અહિ ખેતી કરશે, આફ્રિકાવાળીની થતી જ નહિ. નણંદોયાએ પણ મારકુટ કરી હતી. એ પછી મને માવતર સરદારગઢ મુકી ગયા હતાં. સાતમ આઠમથી હું માવતરે હતી. છએક મહિના પહેલા મારા પિતાજી ગુજરી ગયા બાદ હું હાલ રાજકોટ મોટા બહેન સાથે રહુ છું. મને સાસરિયા તેડવા આવતા ન હોઇ અતે ફરિયાદ કરવી પડી છે. તેમ સોનલબેને ફરિયાદમાં જણાવતાં પી.આઇ. એસ.આર. પટેલની રાહબરીમાં પીએઅસાઇ એન. બી. ડોડીયાએ તપાસ શરૂ કરી છે.

(3:57 pm IST)