Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

LIC કર્મચારીઓ-અધીકારીઓની રાજકોટ સહિત દેશવ્યાપી ૧ કલાકની હડતાલઃ તમામ સ્થળે દેખાવો

LICનું શેર બજારમાં લિસ્ટીંગ કરવાના નિર્ણયનો જોરદાર વિરોધ વંટોળ...

LIC ના ખાનગીકરણ-લીસ્ટીંગના વિરોધમાં આજે રાજકોટ સહિત દેશભરમાં બપોરે ૧ થી ર કલાકની હડતાલ પાડી કર્મચારીઓ-અધિકારીઓએ દેખાવો યોજયા હતા, તસ્વીરમાં સૂમસામ કચેરીઓ અને બ્રાંચ તથા મૂખ્ય ઓફીસ સામે દેખાવો થયા તે નજરે પડ છે.

રાજકોટ તા. ૪: જીવન વીમા સંસ્થા એલઆઇસી ઓફ ઇન્ડીયાનું શેરબજારમાં લીસ્ટીંગ કરવાની અને સરકાર પોતાની માલિકીનો એક હિસ્સો પબ્લીક ઓફર દ્વારા વેંચી દેશે તેવી નાણામંત્રીએ બજેટ રજૂ કરતી વખતે સંસદ સમક્ષ કરેલી જાહેરાતના વિરોધમાં એલઆઇસી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ તથા કર્મચારીઓના અગ્રણી યુનિયનોએ આપેલા રાષ્ટ્ર વ્યાપી એલાન અનુસાર આજે અધિકારીઓ તથા કર્મચારીઓએ બપોરે ૧ થી ર સુધી એક કલાકની સજજડ પ્રતિક હડતાલ પાડી ભાજપ સરકારના નિર્ણય સામે ભારે વિરોધ વંટોળ સજર્યો હતો.

આજની આ હડતાલમાં એલઆઇસી કલાસ-વન ઓફિસર્સ એસોસીએશન, વિકાસ અધિકારીઓના સંગઠન નેશનલ ફેડરેશન ઓફ ઇન્સ્યુરન્સ ફિલ્ડ વર્કસ ઓફ ઇન્ડીયા (NFIFWI) તથા વર્ગ-૩-૪ના અગ્રણી યુનિયન ઓલ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ એમ્પ્લોઝ એસોસીએશન (AIIEA) ના સભ્યો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. હડતાલના પ્રારંભે અધિકારીઓ, કર્મચારીઓના સંગઠનોના અગ્રણી લીડરોએ સમુહને માહિતી આપતા સરકારના દેશહિત વિરોધી નિર્ણયની આકરી ઝાટકણી કાઢી હતી. આ પછી 'LIC કે લીસ્ટીંગ કો રોકન હોગા', 'ભાજપ સરકાર હોશ મેં આઓ', 'દેશ કે PSU કો બેચના બંધ કરો' વગેરે વિવિધ સુત્રોચ્ચાર કરી વાતાવરણ ગજાવી મુકયું હતું.

(3:37 pm IST)