Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ દ્વારા 'ડીઆરએમ ટ્રોફી' ઓપન રાજકોટ લોન ટેનીસ ટૂર્નામેન્ટનો પ્રારંભ

૧૦, ૧૨, ૧૪ વર્ષના ગ્રુપમાં ૬૦થી વધુ રમતરસીયાઓની એન્ટ્રીઃ કોઠી કમ્પાઉન્ડ ખાતે ટેનીસ કોર્ટ ઉપર મેચોની જમાવટ

રાજકોટઃ વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ દ્વારા દર વર્ષની માફક શિયાળામાં યોજાતી 'ડીઆરએમ ટ્રોફી' ઓપન રાજકોટ લોન ટેનીસ ટૂર્નામેન્ટનો ગઈકાલે તા. ૩ના ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આ ટૂર્નામેન્ટની ઓપનીંગ સેરેમનીમાં એડીઆરએમ શ્રી જી.પી. સૈની, ભાજપના સિનીયર કાઉન્સીલર કશ્યપભાઈ શુકલ, શિક્ષણ ક્ષેત્રે અગ્રીમ નામ ધરાવતા દર્શિતભાઈ જાની, અકિલાના સિનીયર પત્રકાર અને જીવન બેન્કના ડાયરેકટર શ્રી જયદેવસિંહ જાડેજા સહિતના આમંત્રીતો અને રમતગમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટૂર્નામેન્ટના પ્રારંભે વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘના સેક્રેટરી અને સદાય રમતગમત માટે પ્રોત્સાહક બની રહેતા રેલ્વેના પૂર્વ ટેબલ ટેનીસ ખેલાડી શ્રી હીરેન મહેતાએ જણાવ્યુ હતુ કે, સ્વસ્થ અને તંદુરસ્ત જીવનનો પાયો રમતગમત છે. મોબાઈલ ટેકનોલોજીના સમયમાં મોબાઈલને ત્યજી જે બાળકો કે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડનો સહારો લે છે તેમની કારકિર્દી વિનાસંકોચ ખીલી ઉઠી છે. તેમણે રમતમા ભાગ લેનાર દરેક વિદ્યાર્થી અને તેમના વાલીઓને શુભેચ્છા પાઠવી હતી. આ તકે એડીઆરએમ જી.પી. સૈનીએ જણાવ્યુ હતુ કે, આજે હું રાજકોટમાં ફરજ બજાવી રહ્યો છું, પરંતુ ભવિષ્યમાં આજે ટેનીસ કોર્ટ ઉપર ઉતરેલા કોઈપણ ખેલાડીઓ રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચમકી પોતાનું નામ રોશન કરશે તો મને પણ ખૂબ ખૂબ ગર્વ થશે. ભાજપના કાઉન્સીલર કશ્યપ શુકલએ હીરેન મહેતા અને તેમની ટીમને રમત ગમતને પ્રોત્સાહીત કરવા બદલ બિરદાવ્યા હતા. એપીઓ (ટી) શ્રી અવિનાશકુમારે પણ ટેનીસ ક્ષેત્રે આજના કિશોરો અને યુવાનો ભવિષ્યમાં આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે સિનીયર ડીઈએન શ્રી રાજકુમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટૂર્નામેન્ટની સમગ્ર વ્યવસ્થા જયમીન ઓઝા દ્વારા કરવામાં આવી હતી. તા. ૭મીના આ ટૂર્નામેન્ટનો ફાઈનલ મેચ રમાશે. ટૂર્નામેન્ટને સફળ બનાવવા હીરેન મહેતાના નેતૃત્વ હેઠળ શ્રી ડી.એસ. શર્મા, શ્રી ચૌધરી, કેતન ભટ્ટી, હિતેશ પરમાર, ધર્મિષ્ઠા પૈજા, પુષ્પા ડોડીયા અને વિવેકાનંદએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રીમતિ અવની ઓઝાએ કર્યુ હતું.

(3:38 pm IST)