Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ઝીમ્બાબ્વેમાં એગ્રીકલ્ચર, માઇનીંગ, ફાર્માસ્યુટીકલ, બિન પરંપરાગત ઉર્જાના ક્ષેત્રોમાં ઉજ્જવળ તકો : ઉદ્યોગ અને વાણિજય પ્રધાન રાજ મોદી

ગુજરાતના વેપાર-ઉદ્યોગ સાહસીકોને ઝીમ્બાબ્વેમાં ઉદ્યોગ સ્થાપવા આમંત્રણ : ઉદ્યોગકારો સાથે ચર્ચા : ઝીમ્બાબ્વે સહિત આફ્રિકાના દેશો સાથે ગુજરાતનો સદીઓ પુરાણો વ્યાપાર સંબંધ હવે વધુ ગાઢ બનશે : રાજુભાઈ ધ્રુવ

રાજકોટ : દક્ષિણ આફ્રિકાના ઝીમ્બાબ્વે દેશ અને ગુજરાત સહિત ભારત દેશને પરસ્પર વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે ઉજ્જળી તકો હોવાનો અભિપ્રાય મૂળ ગુજરાતના કેવડીયા કોલોની-ગામ -રાજપીપળા (નર્મદા જિલ્લો)ના વતની અને આપબળે સંઘર્ષ કરીને આગળ આવીને છેલ્લા ચાર દશકાથી ઝીમ્બાબ્વેમાં સ્થાયી થયેલા શ્રી રાજ મોદીએ આપેલ છે. જેઓ હાલ બુલાવાયો- ઝીમ્બાબ્વેમાં લોકસભાની ચૂંટણી જીતીને સરકારમાં ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝનો મહત્વનો કાર્યભાર સંભાળે છે. તેઓ ત્યાં પ્રથમ ગુજરાતી તરીકે ચૂંટાઇને પ્રધાન બનવાનું બહુમાન મેળવેલ છે. આપણા ગુજરાતી એવા ઝીમ્બાબ્વેના ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝના નાયબ મંત્રીશ્રી રાજ મોદી તેમના ગુજરાતના પ્રવાસ દરમિયાન એક દિવસ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. રાજકોટ મુલાકાત દરમિયાન રાજ મોદીએ સૌરાષ્ટ્ર જન વિકાસ મંચના ઉપક્રમે વેપારી મંડળો, ઉદ્યોગકારોના એસો.ના હોદેદારો અને ઉદ્યોગકારો સાથે વેપાર-ઉદ્યોગ સ્થાપવા અંગે વિચારવિમર્શનાં એક પરિસંવાદમાં ખાસ ઉપસ્થિતિ નોંધાવી ભારત-ઝિમ્બાવેનાં વેપાર-આર્થિક સંબંધ માટે ઉપયોગી કાર્યક્રમનાં આયોજન બદલ કાર્યક્રમનાં આયોજનકર્તા રાજુભાઈ ધ્રુવનો આભાર વ્યકત કર્યો હતો.

આ પરિસંવાદના પ્રારંભમાં સૌરાષ્ટ્ર જન વિકાસ મંચના સંયોજકશ્રી રાજુભાઇ ધ્રુવએ અતિથી વિશેષ મંત્રીશ્રી રાજ મોદીનું સ્વાગત કરી પરિચય આપીને બેઠકની પૂર્વભૂમિકા સમજાવી હતી.શ્રી રાજુભાઇ ધ્રુવે સૌરાષ્ટ્ર ના ઉદ્યોગકારો અને ઝિમ્બાબ્વે સરકાર ના પ્રધાન વચ્ચે ચાવીરૂપ ભૂમિકા ભજવી પરસ્પર સંવાદ ની વ્યવસ્થા ગોઠવવા અંગે વાત કરતા કહ્યું કે સૌરાષ્ટ્ર જનવિકાસ મંચ સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસ માટે પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમનો ઉમદા હેતુ સૌરાષ્ટ્ર ના ઉદ્યોગ સાહસિકો ને ઝિમ્બાબ્વે માં સરળતાથી સરકારનો સહયોગ માર્ગદર્શન મળે અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોનેને પોતાના વ્યાપાર વાણિજય અને ઉદ્યોગ વિકસાવવાની તક મળે તે છે અને એટલા માટેજ આ અતિ ઉપયોગી કાર્યક્રમ નું આયોજન કરી છે.આ કાર્યક્રમનું પરિસંવાદના કાર્યક્રમમાં ઝીમ્બાબ્વેના ઉદ્યોગમંત્રી શ્રી રાજ મોદીએ વેપાર-ઉદ્યોગ માટે ઉદ્યોગપતિ લઓને નિમંત્રણ આપતા જણાવ્યું કે, ઝીમ્બાબ્વેમાં એગ્રીકલ્ચર-બાગાયત, માઇનીંગ (ખાણ-ખનીજ), ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ, ફાર્માસ્યુટીકલ, બિન પરંપરાગત ઉર્જાના સોલાર સહિતના ક્ષેત્રોમાં અમાપ ઉજળી તકો રહેલી છે. ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચે વેપાર-ઉદ્યોગ સ્થપાઇ તો બંને દેશને આર્થિક ફાયદો છે. અમારો દેશ વેપાર-ઉદ્યોગ માટે શાંત અને સલામત છે. ઉદ્યોગ સાહસીકોને પ્રોત્સાહન આપવા પાંચ વર્ષ ટેકસ ફ્રી ની સુવિધા આપવામાં આવે છે. ઉદ્યોગો સ્થાપવા માટે ઇકોનોમીક ઝોન પણ બનાવવામાં આવેલ છે. ઉપરાંત ઉદ્યોગ સ્થાપવા માટે ૯૯ વર્ષના પટ્ટે લીઝથી જમીન આપવામાં આવે છે. જેથી ઉદ્યોગ સાહસીકોને જમીનમાં મૂડીનું રોકાણ કરવું પડતું નથી. ગુજરાતમાંથી ઘણી વસ્તુઓનું નિકાસ ઝીમ્બાબ્વેમાં કરવામાં આવે છે.

આ પરિસંવાદના અંતે ચેમ્બર/ઇન્ડસ્ટ્રીઝના હોદેદારો, વેપારી, ઉદ્યોગકારો સાથે થયેલ પ્રશ્નોતરીમાં મંત્રીશ્રી દ્વારા બેંક લોન, મની ટ્રાન્જેકશન, વીઝા, મૂડીરોકાણ મુજબ અપાતી સવલત, ગુજરાત-ઝીમ્બાબ્વે વચ્ચે એમઓયુ કરવા વિગેરે મુદાઓ સંબંધી માર્ગદર્શન આપતા તેમણે આ તકે ઉમેર્યુ કે, ઝીમ્બાબ્વેમાં ભારતીયોની ૧૦ હજારની વસતિ છે. અને તેમાં ૮ હજાર આપણા ગુજરાતીઓ છે. એક ગુજરાતી નાતે વેપાર-ઉદ્યોગમાં તમામ પ્રકારે સહાયભૂત થવા તત્પરતા દાખવી હતી. આ કાર્યક્રમમાં મંત્રી અંગત સચિવ શ્રી મેરવીન ચીવાયુ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવ, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સનાં શ્રી ધનસુખભાઇ વોરા, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખશ્રી રમેશભાઇ ટીલાળા, બિલ્ડર એસો.ના પ્રમુખશ્રી પરેશભાઇ ગજેરા, શિવલાલ બારશિયા, રાજકોટ એન્જીનીયરીંગ એસો.ના શ્રી પરેશભાઇ વસાણી, ઇમીટેશન વેપારી મંડળના જીજ્ઞેશ લોટીયા સહિતના હોદેદારો, શ્રી દિલેશભાઇ શાહ, શ્રી મુકેશભાઇ દોશી, ઉદ્યોગકારો/ આમંત્રીતોમાં શ્રી કાંતિભાઇ ભૂત, જગદીશભાઇ ગોહિલ, નિશ્ચલ સંઘવી, ડો. પ્રવિણભાઇ નિમાવત, શ્રી કિશોરભાઇ ખાંટ, પી. ડી. અગ્રવાલ, રમેશભાઈ જુણેજા ,આશિષ બોઘરા, વિમલ મોણપરા, અનિરૂદ્ધસિંહ ચુડાસમા, હાર્દિક મહેતા, શૈલેષ પાનસુરિયા,ઉપેનભાઈ મોદી, મિહિર મોદી, આશિષ ભોજાણી, વિપુલ ધોણીયા, પંકજભાઇ વડાલી સહિતના મોટી સંખ્યામાં ઉદ્યોગકાર તેમ વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવો મિત્રો ઉપસ્થિત રહયા કાર્યક્રમની વ્યવસ્થામાં હર્ષદભાઈ ગોહેલ, કાંતિલાલ ભૂત, સંજયભાઈ લોટિયા,ભાસ્કરભાઈ ત્રિવેદી, મહેન્દ્રભાઈ કંટારીયા વિગેરે સહયોગ આપ્યો હતો.

(3:38 pm IST)