Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

મહુવામાં સ્વામિનારાયણ મંદિર સાથે કોલેજીયનો માટે હોસ્ટેલ, તા. ૧રમીથી ભવ્ય મહોત્સવ : નિત્યસ્વરૂપદાસજી સ્વામી

વિદ્યા અને અન્નનું વેંચાણ નહિ યુવા પેઢીને શિક્ષણ અને સંસ્કાર મળે એટલે બેડો પાર

 જય સ્વામિનારાયણ સરધાર સ્વામિનારાયણ મંદિરના શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ આજે અકિલા કાર્યાલયમાં પધરામણી કરેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે શ્રી અમૃત સ્વામી, શ્રી અંકિત ભગત, શ્રી ઉતમભાઇ અને શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ સંજય હિરાણી ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર : સંદીપ બગથરિયા)

રાજકોટ, તા. ૪ : શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી રણછોડદાસજી આશ્રમ નજીક કુવાડવા રોડ પર સમર્પણ પાર્ટી પ્લોટની બાજુમાં તા. ૩૦ ડીસેમ્બરથી તા. પ જાન્યુઆરી સુધી યોજાયેલ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના વકતા સરધાર સ્વામિનારાયણ મંદિરના સુપ્રસિદ્ધ સંત શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ અકિલા કાર્યાલય પર પધરામણી કરી મંદિર દ્વારા યોજાનાર ભાવિ કાર્યક્રમો વિશે વાત કરી હતી.

શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ જણાવેલ કે ભાવનગર પાસેના મહુવામાં ગાયત્રીનગર ખાતે તા. ૧ર થી ર૦ જાન્યુઆરી સુધી સંપ્રદાયનો મહોત્સવ યોજાનાર છે ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે.  મંદિર સંકુલમાં જ કોલેજ કક્ષાના ૧૦૦૦ યુવાનો માટે હોસ્ટેલ બનાવાશે તેનું ખાતમૂહુર્ત તા. ૧૭મીએ થશે. ઉપરાંત કથા મંડપ બનાવાશે કોઇપણ ભાવિકો ત્યાં કથા જેવા ધાર્મિક પ્રસંગો કરી શકશે. અમે માનીએ છીએ કે અમારે વિદ્યા અને અન્નનું વેચાણ ન કરવું જોઇએ તેથી હોસ્ટેલમાં આશ્રય લેનારા તમામ વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સુવિધા સંપૂર્ણ વિનામૂલ્યે અપાશે. હિન્દુ ધર્મમાં મંદિરોનું વિશેષ મહત્વ છે. મંદિરો સ્નેહ પ્રગટાવે છે. યુવા વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ અન સંસ્કાર જરૂરી હોય છે. મંદિર સંકુલ હોવાથી સારા સંસ્કાર મળે તે સ્વભાવિક છે. સંસ્કારની સાથે શિક્ષણ માટે જરૂરી અત્યાધુનિક છાત્રાલય સુવિધા મળશે. ભાવિ પેઢીના ઉત્તમ ઘડતરનો અમારો ઉદ્દેશ્ય છે. મંદિર અને હોસ્ટેલનું કામ આવતા બે વર્ષમાં પુરૂ કરવાનું આયોજન છે. મુંબઇના ડોંબીવલી વિસ્તારમાં જગ્યાની પસંદગી થઇ ગઇ છે. ત્યાં પણ મંદિર અને હોસ્ટેલની સુવિધા ઉભી કરવામાં આવશે.

સરધારમાં વેકેશનમાં તા. ૧૭થી ર૧ મે સુધી બાળયુવા મહોત્સવ યોજાનાર છે. જેમાં યુવાનોના ઘડતર સબંધી સત્રો યોજાશે. આ મહોત્સવમાં ર૦ હજાર યુવાનો (ભાઇઓ) ભાગ લ્યે તેવું આયોજન છે.

(4:10 pm IST)