Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

પંચનાથ પ્લોટમાં આવેલા સ્પામાં પોલીસ ત્રાટકીઃ થાઇલેન્ડની ૭ યુવતિની અટકાયત

વર્ક પરમીટ વગર રાખવામાં આવી હોઇ ગુનો નોંધવા તજવીજઃ સ્પા માલિક સાગર વિશ્વકર્મા સામે ગુનો નોંધવાની તજવીજ

રાજકોટ તા. ૪: અગાઉ શહેરમાં બીલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા સ્પાના ઓઠા હેઠળ ગોરખધંધા ચાલતાં હોવાની ફરિયાદોને પગલે પોલીસે ઠેર-ઠેર દરોડા પાડી ૪૭થી વધુ થાઇલેન્ડની યુવતિઓને પકડી હતી અને તેને વર્ક પરમીટ વગર કામ પર રાખાનારા સ્પાના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એ પછી બીજી વખત પણ આવા દરોડા પાડવામાં આવ્યા હતાં. ત્યાં ફરીથી અમુક સ્પામાં ગેરકાયદેસર રીતે વિદેશી યુવતિઓને રાખવામાં આવી હોવાની માહિતીને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એ દરમિયાન એ-ડિવીઝન પોલીસે આજે બપોરે પંચનાથ પ્લોટમાં આવેલા સ્પામાં દરોડો પાડી સાત થાઇલેન્ડની યુવતિઓ અને સ્પા સંચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી કરી છે.

ડીસીપી રવિકુમાર સૈની અને એસીપી એસ.આઇ. ટંડેલની રાહબરી હેઠળ એ-ડિવીઝનના પી.આઇ. એન. કે. જાડેજા અને પીએસઆઇ એસ. વી. સાખરા તથા ડી. સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી ત્યારે પંચનાથ પ્લોટમાં આવેલા પિન્કવેલનેસ નામના સ્પામાં થાઇલેન્ડની યુવતિને ગેરકાયદેસર રીતે રાખવામાં આવી હોવાની બાતમી મળતાં ત્યાં દરોડો પાડી તપાસ કરતાં થાઇલેન્ડની ૭ યુવતિઓ મળી આવી હતી. આ તમામને પાસપોર્ટ, પરમીટ સાથે પોલીસ મથકે લાવી તપાસ કરવામાં આવતાં આ યુવતિઓ પાસે માત્ર ટુરીસ્ટ વિઝા જ હોઇ અને વર્ક પરમીટ ન હોઇ છતાં સ્પામાં કામ કરતી હોવાનું માલુમ પડતાં ગુનો નોંધવા કાર્યવાહી કરવામાં આવી છે. સ્પાના સંચાલકનું નામ સાગર વિશ્વકર્મા હોવાનું એસીપી શ્રી ટંડેલે જણાવી સંચાલક સામે પણ કાયદેસરની કાર્યવાહી થઇ રહ્યાનું કહ્યું છે.

(4:03 pm IST)