Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

રાજકોટની વીમા કચેરીમાં પૂર્વ અધિકારી કમ એજન્ટની ધોલાઇ

વીમો લેવા આવેલી સંસ્કારી મહિલાની ઘેર જઇ છેડતી કરતા પીડિતાના પતિએ ઓફિસે જઇ ચખાડયો મેથીપાક : સરકારી ઓફિસોમાં કામકાજ માટે એકલી જતી મહિલાઓની સુરક્ષા સામે સવાલ

રાજકોટ તા. ૪ : રાજકોટમાં સરકારી વીમા કંપનીના એક અધિકારી કમ એજન્ટની જાહેરમાં ધોલાઈ થયાનો મામલો હાલ વીમા ક્ષેત્રના વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યો છે. આ શખસ ૭૪ વર્ષનો છે અને વીમા કંપનીમાં ઓફિસર તરીકે નિવૃત થયા બાદ હાલ ઓફિસમાં એજન્ટ તરીકે બેસે છે. આ શખસે તાજેતરમાં એક મહિલાની છેડતી કરતાં પીડિત પરિવારે ઓફિસે આવી ખોખરો કર્યા બાદ માફામાફી થઈ જતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો ન હતો. એક તબકકે અધિકારી જો પ્રતિકાર કરે તો પોલીસ ફરિયાદ નોંધાવવાની ચીમકી અપાઈ હતી.

વીમા ક્ષેત્રમાં હાલ ચર્ચાસ્પદ બનેલા બનાવ અંગે મળતી માહિતી મુજબ નવા રાજકોટના પોષ વિસ્તારમાં રહેતી એક મહિલા તાજેતરમાં શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલી એક સરકારી વીમા કંપનીમાં વીમો લેવા માટે પહોંચી હતી. મહિલા પરિણીત છે અને હર્યો ભર્યો પરિવાર છે. તેનો પતિ કામધંધે અને સાસુ બહારગામ હતા. બાળકો શાળાએ ગયા બાદ મહિલા વીમા પોલીસી રિન્યુ કરાવવા વીમા કંપની પહોંચી હતી જયાં પૂછપરછ બાદ અધિકારી કમ એજન્ટમાં એકલી મહિલાને નિહાળી લંપટલીલાનો કિડો સળવળ્યો હતો. મહિલાને બેસાડી મીઠી મીઠી વાતો કરી મોહજાળમાં ફસાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

મહિલાએ આ શખસને દાદ નહીં દેતાં વીમા માટે જરૂરી કામગીરી પુર્ણ કરી ચાલતી પકડી હતી. તેમ છતાં લંપટ પૂર્વ અધિકારીમાં જાગેલો કિડો કાબૂ નહીં થતાં મહિલાના ઘેર ધસી આવ્યો હતો અને વીમા પોલીસી આપવાને બહાને ઘરમાં એકલી રહેલી મહિલા સાથે અશ્લીલ વાતોથી મેળમેળાપનો પ્રયાસ કર્યો હતો. સુસંસ્કારી મહિલાએ પરિસ્થિતી ભાળી જઈ યેનકેન પ્રકારે પૂર્વ અધિકારીને ઘરમાંથી નિકળી જવા મજબૂર કરી બાદમાં પોતાના પતિને સઘળી હકીકત જણાવી હતી. કાળજાળ બની ગયેલા મહિલાના પતિએ બીજા દિવસે ઉઘડતી ઓફિસે ધસી જઈ શખસ કંઈ સમજે અને વિચારે તે પહેલા જ ફડાકાવાળી કરી હતી. ઉગ્ર મિજાજનો પરચો બતાવી પૂર્વ અધિકારી એવા ભાભાની લંપટલીલાનું ભૂત ઉતારી નાંખ્યુ હતુ. સરકારી કચેરીમાં જાહેરમાં બનેલા આ બનાવથી ભારે દેકારો મચી ગયો હતો. પીડિત પરિવારે પોલીસ ફરિયાદની ચીમકી આપતાં લંપટ ઢીલોઢફ બની ગયો હતો અને માફામાફી કરી મામલો પતાવ્યો હતો.

આ બનાવે સરકારી કચેરીમાં આવતાં મહિલા અરજદારોની સુરક્ષા અંગે ગંભીર સવાલ ઉઠાવ્યો છે. સરકારી કચેરીમાં બનાવ બન્યો હોવાને કારણે આ શખસે નાછૂટકે નમતું જોખ્યું હતુ. રેઢીપડ વીમા કંપનીમાં બનેલો આ બનાવ જાહેર ન થાય અને અંદરો અંદર સંકેલાઈ જાય તે માટે ભરપુર પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ આ વાતો કાનોકાન વીમા ક્ષેત્રના વર્તુળોમાં આગની જેમ ફેલાઈ ગઈ છે. આ શખસએ આ રીતે કેટલી મહિલા અરજદારોને દાણાં નાખ્યા હશે ? તેવી ચર્ચા ઉઠી છે. સ્ટાફના કર્મચારીઓ પણ છાનેખૂણે પૂર્વ અધિકારીને ભાંડી રહયા છે. તે ફરી કયારેય કોઈની સાથે આવું ન કરે એટલે આ બનાવને આંતરિક લોકોએ જ જાહેર કરી નાંખ્યો છે.

(4:02 pm IST)