Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

રવિવારે ધોળકીયા સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન મેળો

૩૦ પ્રોજેકટ રજુ થશે, જેમાં પાંચ ધોળકીયાનાઃ રાષ્ટ્રીયકક્ષાના વૈજ્ઞાનિકો નિર્ણાયક તરીકે સેવા આપશે : INSEF નેશનલ ફેરના વિજેતા અમેરિકા જવા પસંદગી પામશેઃ દેશભરના શ્રેષ્ઠ બાળવૈજ્ઞાનિકો રાજકોટના આંગણે

રાજકોટ,તા.૪: શહેરના કે.જી.ધોળકીયા સ્કૂલમાં આગામી તા.૬ના રવિવારના રોજ રાષ્ટ્રીયકક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સાયન્સ સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત આ નેશનલ સાયન્સ ફેરમાં કુલ ૩૦ પ્રોજેકટ રજૂ થવાના છે. જેમાંથી પાંચ પ્રોજેકટ ધોળકીયા સ્કૂલના છે.

આ રાષ્ટ્રીયકક્ષાના વિજ્ઞાનમેળામાં ભાગ લેવા દેશભરમાંથી શ્રેષ્ઠ બાળવૈજ્ઞાનિકોનું આગમન થઈ ચુકયું છે. નિર્ણાયક તરીકે રાષ્ટ્રીય કક્ષાના વૈજ્ઞાનિકો પણ આવી રહ્યા છે. INSEF નેશનલ ફેરના વિજેતા અમેરિકા જવા પસંદગી પામનાર છે.

સાયન્સ સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે યંગ ટેલેન્ટેડ ઈન્ડિયા માઈન્ડર્સને વિશ્વસમક્ષ રજૂ કરવા દર વર્ષે ઈન્ડિયન નેશનલ સાયન્સ એન્ડ એન્જીનિયરીંગ ફેરનું ગત વર્ષે રાઈપુર, રાજકોટ, દિલ્લી, સામેલ, મેંગ્લોર, બેલગામ, બેંગ્લોર અને પુને જેવા ભારતના વિવિધ શહેરોમાં ફેરનું આયોજનગ થયું. જેમાં બે હજારથી વધુ સંશોધન પ્રોજેકટ સબમિટ થયા હતા. તેમાંથી શ્રેષ્ઠતમ ૨૧૦ જેટલા વૈજ્ઞાનિક સંશોધનો પ્રાદેશિક કક્ષાએ રજૂઆત માટે પસંદગી પામ્યા હતા. આ પ્રોજેકટનું વિવિધ સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટી તથા એન્જીનીરીંગ કોલેજના પ્રોફેસર દ્વારા જીણવટ પૂર્વકનું અવલોકન તેમજ વિદ્યાર્થીઓ સાથે તાર્કિક પ્રશ્નોતરી દ્વારા સર્વશ્રેષ્ઠ ૩૦ સંશોધન પ્રોજેકટ આ નેશનલ ફેરમાં પસંદ કરવામાં આવ્યા છે.

ધો.૧૧ સાયન્સના વિદ્યાર્થી જનક પીપળિયા, જેનિલ છત્રાળા, ધો.૯ના ઈશિતા ભટ્ટ અને જાનકીબા જાડેજાએ અને ધો.૮ના અભ્યાસ કરતા અમી ભૂંડિયા અને ધ્રુવી ખખ્ખરે તેમજ ધો.૮માં અભ્યાસ કરતા કૌટિલ્ય વિઠલાણીએ પ્રોજેકટ બનાવ્યા છે. આ બાળ- વૈજ્ઞાનિકો પર સમગ્ર ધોળકિયા શાળા પરિવાર અને તેમના ટ્રસ્ટીઓ શ્રી કૃષ્ણકાંતભાઈ અને શ્રી જીતુભાઈ શુભેચ્છા સભર લાગણી વરસાવી રહ્યા છે. આ વિજ્ઞાનમેળામાંથી સર્વશ્રેષ્ઠ ૫ પ્રોજેકટને અમેરિકામાં યોજાનાર આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળા માટે પસંદ કરવામાં આવશે.

(3:50 pm IST)