Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

વિદ્યાર્થીઓમાં પ્રતિભાની કમી નથીઃ તેઓ ભવિષ્યના વૈજ્ઞાનિક છેઃ તેમની અંદર છુપાયેલી ઉર્જાને બહાર લાવવાની તક મળવી જોઇએ

સાયન્સ સોસાયટી ઓફ ઇન્ડીયાના પ્રેસીડેન્ટ કમ વૈજ્ઞાનિક નારાયણ ઐયર અકિલા કાર્યાલયની મુલાકાતે : જોબ ક્રિએશન સાથેનું ઇનોવેશન જરૂરી છેઃ આજે બાળકોને આગળ વધારવા વાલીઓ પણ જાગૃતઃ બાળકો-વિદ્યાર્થીઓને મોબાઇલ ગેઇમથી દુર રાખવા જોઇએ

સાયન્સ સોસાયટી ઓફ ઇન્ડીયાના પ્રેસીડેન્ટ કમ વૈજ્ઞાનિક આજે સવારે અકિલા કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા તે સમયની તસ્વીર.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૪: અત્રેની સુપ્રસિધ્ધ ધોળકીયા સ્કુલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે સાયન્સ સોસાયટી ઓફ ઇન્ડીયાના પ્રેસીડેન્ટ નારાયણ ઐયર રાજકોટ આવ્યા છે. આજે તેમણે સવારે અકિલા કાર્યાલયની મુલાકાત લીધી હતી. તેઓ આ સંસ્થા થકી લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચી વધે તે માટે પ્રયાસ કરે છે. પ્રોફેશ્નલી ટેકનોલોજીસ્ટ એવા નારાયણ ઐયર બાળકો-વિદ્યાર્થીઓને પાઠય પુસ્તકો ઉપરાંતનું વૈજ્ઞાનિક શિક્ષણ મળે ત ેમાટે પ્રયાસો કરતા રહે છે. રાજકોટમાં સાયન્સ અને એન્જીનીયરીંગ પ્રોજેકટનું વિદ્યાર્થીઓને પ્લેટ ફોર્મ મળે તે માટે ઇન્ડીયન સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ ફેર યોજાયો છે. જે માટે તેઓ આવ્યા છે.

અકિલા કાર્યાલયની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે બાળ વૈજ્ઞાનિકોમાં પ્રતિભાની કમી નથી તેઓ જ ભવિષ્યના વૈજ્ઞાનિક છે. તેમને પોતાની અંદર છુપાયેલી  ઉર્જાને બહાર લાવવાની તક મળવી જોઇએ.  આવા બાળ વૈજ્ઞાનિકોએ એ બાબત ઉપર ધ્યાન આપવું જોઇએ કે એવી દૈનિક ગતી વિધી કે જે આપણા જીવનને સરળ બનાવી દયે તેજ ઇનોવેશન છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે  ઇન્ડીયન સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ ફેર દેશભરમાં યોજાતા હોય છે જેમાં પ્રતિભાશાળી બાળ વૈજ્ઞાનિકો ભાગલેતા હોય છે અને પોતાની પ્રતિભાના દર્શન કરાવતા હોય છે. તેમણે કહયું હતું કે આવા ફેરમાં ગોલ્ડ મેડલ મેળવતા વિજેતાઓને રાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની તક પ્રાપ્ત થતી હોય છે અને રાષ્ટ્રીય સ્તરે ઝળકનારને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની  પ્રતિભા, પોતાનું કૌવત, પોતાની આવડત બતાવવાની તક મળતી હોય છે.

તેમણે અકિલા કાર્યાલય ખાતે વધુમાં જણાવ્યું હતું કે આજે એ પ્રકારે ઇનોવેશન થવા જોઇએ કે જેનાથી રોજગારીનું સર્જન થાય અને તો જ દેશની અનેક સમસ્યાઓનો  ઉકેલ આવી શકે તેમ છે. આપણા બાળકોમાં ભરપુર ટેલેન્ટ છે જેને આ પ્રકારના ફેર બહાર લાવે છે. એક સવાલના જવાબમાં તેમણે કહયું હતુ ંકે ગુજરાતના વિદ્યાર્થીઓમા ંએન્જીનીયરીંગ ક્ષેત્રે રૂચી વધુ હોવાનું માલુમ પડયું છે.

વૈજ્ઞાનીક ઐયરે વધુમાં જણાવ્યું હતું કે આજે બાળ વૈજ્ઞાનિકો જે રીતે આગળ વધી રહયા છે તેની પાછળ શાળાનુંમાર્ગદર્શન તો હોય છે પરંતુ તેની સાથે સાથે હવે વાલીઓ પણ જાગૃત બની પોતાનું સંતાન કેમ આગળ વધે તે તરફ ધ્યાન કેન્દ્રીત કરતા હોય છે. તેમણે જો કે વધુ ઉમેર્યુ હતું કે આજે બાળકો-વિદ્યાર્થીઓ મોબાઇલ ગેમ્સને જીવનનો એક ભાગ બનાવી રહયા  છે તેનાથી તેઓએ  દુર રહેવું  જોઇએ. આવી ગેમ્સની લત લાગે તેનાથી દુર રહેવું જોઇએ.

તેમની  આ મુલાકાત  દરમિયાન ધોળકીયા સ્કુલના સંચાલકો ઉપરાંત પાંધી મેડમ પણ ઉપસ્થિત રહયા હતા.

(3:49 pm IST)