Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

વધુ એક વખત આજી-૧ ડેમ ભરવાનું શરૂ

શહેરની પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખી આજીમાં નર્મદાના પાણી ભરવાના નિર્ણય બદલ વિજયભાઇ રૂપાણીનો આભાર માનતા બિનાબેન આચાર્ય

રાજકોટ તા. ૪ : મેયર બિનાબેન આચાર્ય એક યાદીમાં જણાવે છે કે, શહેરને દૈનિક ૨૦ મીનીટ પાણી વિતરણ કરવામાં  આવે છે. આજી-૧ ડેમમાં હાલમાં ૧૬ ફૂટ જથ્થો એટલે કે ૨૦૦ પ્રતિ એમ.ટી.એફ.સી. પાણી છે જે ફેબ્રુઆરી માસ સુધી ચાલી શકે. આગામી ઉનાળાની ઋતુ તેમજ ચોમાસાની ઋતુ સુધી શહેરને દૈનિક ૨૦ મીનીટ પાણી આપી શકાય તે માટે આજી-૧ ડેમ નર્મદાના પાણીથી ભરાય તે જરૂરી છે.

રાજકોટ શહેરની પાણીની સ્થિતિ ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીએ આજી-૧ ડેમ નર્મદાના પાણીથી ફરીને ભરવા નિર્ણય કરેલ. જેના અનુસંધાને આજરોજ આજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવા મચ્છુ-૧થી પમ્પીંગ શરૂ કરવામાં આવેલ છે. આ પાણી લગભગ આવતીકાલે રાજકોટ પહોંચશે. નર્મદાનું પાણી રાજકોટ પહોંચે ત્યારે આનંદની લાગણી વ્યકત કરવા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સ્થળ મુલાકાત લેશે. ફરીને ત્રીજી વખત આજી ડેમમાં નર્મદાનું પાણી છોડવા બદલ માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મેયરશ્રીએ રાજકોટના નગરજનો વતી આભારની લાગણી વ્યકત કરેલ છે. આગામી ચોમાસા સુધી રાજકોટ શહેરને દૈનિક પાણી વિતરણ કરવામાં આવશે તેમ અંતમાં મેયરશ્રીએ જણાવેલ.

(3:49 pm IST)