Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ગઠીયાએ કુવૈતની બેંકમાંથી રાજકોટના વેપારીના ૧૨ લાખ પ્રાગ દેશમાં ટ્રાન્સફર કરાવી લીધાઃ પોલીસે પરત અપાવ્યા

ગાંધીગ્રામ પોલીસે સીઆઇડી ક્રાઇમ અને ઇન્ટરપોલની મદદથી વેપારીને રકમ પરત અપાવી

રાજકોટ તા. ૪: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર તંતીપાર્ક-૪માં શ્રીનવદુર્ગા ખાતે રહેતાં અને પિતા દિનેશભાઇ તથા ભાઇ જયસનભાઇ સાથે મળી શ્રી નવદુર્ગા સેલ્સ નામે કેમિકલનો વેપાર કરતાં સાવનભાઇ દિનેશભાઇ તંતીએ કુવૈત ઇન્ટરનેશનલ ફેકટરી ફોર વ્હાઇટ સ્પિરીટ નામની કંપનીનો ઇ-મેઇલ એડ્રેસ પર સંપર્ક કરી એડવાન્સમાં રાજકોટ બેંક ઓફ બરોડા મારફત કોમર્શિયલ બેંક ઓફ કુવૈતના ખાતામાં ૪૦ ટકા રકમ જમા કરાવી ચાર કન્ટેનર માલ મંગાવ્યો હતો. બાકી રહેતા ૬૦ ટકા સામેની વ્યકિતએ રફીશન બેંક કુવૈતના ખાતામાં જમા કરાવવાનું કહી બાદમાં છેતરપીંડી કરી આ નાણા પ્રાગ ઝેક રિપબ્લીક દેશમાં પોતાના રફીશન બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતાં. આ મામલે ગાંધીગ્રામ પોલીસે ઠગાઇનો ગુનો નોંધી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ તેમજ ઇન્ટરપોલની મદદ લઇ સાવનભાઇના ખાતામાં પરત જમા કરાવડાવી આપતાં પોલીસની આ કામગીરીની પ્રશંસા થઇ રહી છે.

પ્રારંભે ૪૦ ટકા રકમ એડવાન્સમાં જમા કરવાથી સાવનભાઇને માલ મળી જતાં વિશ્વાસ રાખી બાકીના ૬૦ ટકા ૧૭૮૧૭ ડોલર (રૂ. ૧૨,૧૪,૩૦૪) પણ એડવાન્સમાં મોકલી આપ્યા હતાં. પરંતુ બાદમાં સામેના વ્યકિતએ બેંક એકાઉન્ટ અંગેનો ઇ-મેઇલ તેણે કર્યો નથી, ઇ-મેઇલ એડ્રેસ હેક થઇ ગયું હશે તેમ કહેતાં સાવનભાઇએ બેંક ઓફ બરોડા મારફત કુવૈતની બેંકમાં મોકલેલી રકમ સ્થગીત કરાવી હતી. પરંતુ બાદમાં બેંક મારફત તપાસ થતાં એવી ખબર પડી હતી કે આ રકમ તો પ્રાગ દેશના રફીશન બેંકના ખાતામાં ટ્રાનસફર થઇ જમા બોલે છે. આમ ખોટો ઇ-મેઇલ કરી પ્રાગ દેશમાં રકમ મેળવી લેવામાં આવી હતી. પોલીસે ખોટો ઇ-મેઇલ કરનાર વ્યકિત સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો હતો.

ગાંધીગ્રામના પી.આઇ. વી. વી. ઓડેદરાએ ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમનો સંપર્ક કરતાં ત્યાંથી ઇન્ટરપોલની મદદ લઇ પ્રાગ દેશમાં બ્લોક થયેલી સાવનભાઇની રકમ રૂ. ૧૨,૧૪,૩૦૪ તેમને પરત અપાવી દીધા છે.

(3:32 pm IST)