Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

રાજકોટ ચેમ્બરની ચૂંટણીમાં વેચાતા લીધેલા વેપારીઓના મતની બોલબાલાઃ ચુંટણી કમિશ્નર અને કમીટી મેમ્બરોનું ભેદી મૌન

બે વખત પત્ર દ્વારા ઉઠાવેલા બંધારણીય સવાલોના જવાબો દેવાનું કેમ ટાળવામાં આવ્યું: ચેમ્બર સભ્ય રાજુ જુંજા

રાજકોટ તા.૪: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી આગામી તા.૧૬ જાન્યુના રોજ યોજાનાર છે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણતાના આરે છે ત્યારે આ મધ્યસત્ર ચૂંટણીને લઇને અનેક સવાલો ઉઠ્યા છે. જે આજ સુધી અનુતર રહ્યા છે. ચેમ્બરના સભ્ય અને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર રાજુ જુંજાએ અગાઉ ચુંટણી કમિશ્નરશ્રી હિતેષભાઇ બગડાઇ સંબોધીને બે વખત પત્રો લખ્યા છે. જેમાં બંધારણનો ભંગ થતો હોવાના સવાલો ઉઠાવી ચુંટણી મોકુક રાખવાની રજુઆત કરાઇ હતી. જેનો આજ સુધી ચુંટણી કમિશ્નરે કોઇ જવાબ આપ્યો નથી. આ વખતની ચુંટણીમાં ચેમ્બરની ખુરશી હાંસલ કરવા બે પાટીદારો જુથોએ પોતાના ખર્ચે ફી ભરી વેપારીઓને સભ્યો બનાવ્યા છે. અંદાજીત ૫૦ લાખનું રોકાણ કરી ંબંન્ને પેનલોએ મત ખરીદયા છે. અને વાતને ચૂંટણી કમિશ્નરે પણ રાજુ જુંજા સાથેની ટેલીફોનીક વાતચીતમાં અનુમોદન આપ્યું છે. ત્યારે રાજકોટની એક પ્રતિષ્ઠત સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સની ચુંટણી જો વેચાતા મતના જોરે જીતવાના ખેલ થતા હોય ત્યારે જેને એક તટસ્થ અને વિશ્વસનીય જવાબદારી સોપવામાં આવી છે. એવા ચુંટણી કમિશ્નર અને કમીટી મેમ્બરો જો આ વાત જાણતા હોવા છતાં ધૃતરાષ્ટ્રની ભૂમિકા અદા કરી રહ્યા હોય એ ખરેખર દુખની વાત છે. રાજકોટ ચેમ્બરમાં વર્ષોથી જે વેપારીઓ રેગ્યુલર ફી ભરી ચેમ્બર સાથે જોડાયેલા છે. એ વેપારીઓની લાગણીને ઠેસ પહોંચી છે. ત્યારે જે લોકો મત ખરીદી પ્રકરણમાં સંડોવાયેલા છે. તેઓને ચુંટણી લડતા રોકવા જોઇએ. જેથી બીજીવાર આવી હરકતો ન કરે અને આ અંગે વહેલી તકે ચુંટણી કમિટી દ્વારા જીણવટભરી તપાસ કરી જાહેર ખુલાસો કરવામાં આવે તેવી રાજુ જુંજાએ માંગણી કરી છે.

તાજેતરમાં જે રીતે ચેમ્બરના પ્રતિનિધીઓ દ્વારા પોતાના ખર્ચે ફી ભરીને ૨૨૦૦ થી વધુ નવા સભ્યો બનાવવામાં આવ્યા છે. તેની વેપારી આલમમાં વિપરીત અસર પહોંચી છે. જેના કારણે વેપારીઓમાં એક એવી પણ ચર્ચા થઇ રહી છે કે જેને ચુંટણી લડવી હોય તે અમારી ફી ભરી દે આ બાબત આવતા દિવસોમાં ચેમ્બર માટે ખૂબ જ જોખમી પૂરવાર થશે. જેના માટે જવાબદાર ચેમ્બરના મોભીઓ જ હશે. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચિંતા કરતા રાજુ જુંજાએ એક યાદીમાં જણાવ્યું છે.

(3:28 pm IST)