Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ચેમ્બરમાં જામશે જંગઃ વીપીની 'વાયબ્રન્ટ' પેનલ સામે ગૌતમ ધમસાણીયાની 'જાગૃત' પેનલ ટકરાશે

વેપાર ઉદ્યોગને વાચા આપવા અમારી નેમઃ વીઝન સાથે અમે ચૂંટણીના મેદાનમાં: ગૌતમ ધમસાણીયા : જાગૃત પેનલમાં અનુભવી અને કાર્યદક્ષ ઉમેદવારો પસંદ કર્યા હોવાનો ગૌતમભાઇનો દાવો : બપોર સુધીમાં ૮૯ ફોર્મ ઉપડયા અને ૬૭ ફોર્મ ભરાઇને આવ્યા

રાજકોટ, તા., ૪: વેપારીઓની સંસ્થા  રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની  કારોબારીની મધ્યસત્ર ચુંટણીનું ચિત્ર લગભગ સ્પષ્ટ થયું છે. વીપી વૈષ્ણવની વાયબ્રન્ટ પેનલ સામે વર્તમાન પ્રમુખ ગૌતમભાઇ ધમસાણીયાની જાગૃત પેનલ વચ્ચે જોરદાર ટક્કર થવાની છે.આજે ગૌતમભાઇ ધમસાણીયાના નેતૃત્વ હેઠળની જાગૃત પેનલના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજુ કર્યા હતા અને આખી પેનલના વિજયનો વિશ્વાસ  વ્યકત કર્યો હતો.

જાગૃત પેનલના સર્વેસર્વા એવા ગૌતમભાઇ ધમસાણીયાએ ઉમેદવારી રજુ કર્યા બાદ અકિલાને જણાવ્યું હતું કે અમે અમારી પેનલમાં તમામ ક્ષેત્રના અનુભવી અને કાર્યદક્ષ લોકો પસંદ કર્યા છે. એક વિઝન સાથે અમો ચુંટણીના મેદાનમાં ઉતર્યા છીએ. રાજકોટના વેપાર ઉદ્યોગને બુસ્ટ મળે અને વેપારીઓના પ્રશ્નો કેવી રીતે હલ થાય, કેવી રીતે તેને સચોટ વાચા મળે તે માટે અમારો પ્રયાસ રહેશે.

 તેમણે જણાવ્યું હતું કે અમારી પેનલમાં મુખ્યત્વે મુકેશ દોશી, હરીશ લાખાણી, અરવિંદભાઇ તાળા, ઉપેન મોદી, ડાયાલાલ કેસરીયા, હસુભાઇ ભગદે,અરૂણ મશરૂ, પ્રનંદ કલ્યાણી, વિનેશ પટેલ વગેરે અગ્રણીઓ છે.

દરમિયાન આજે બપોર સુધીમાં કુલ ૮૯ ફોર્મ ઉપડયા હતા તેમાંથી ૬૭ ફોર્મ ભરાઇને આવ્યા હતા. આજે ફોર્મ ભરવાનો અંતીમ દિવસ છે આવતીકાલથી ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને ૮ મીએ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

(3:26 pm IST)