Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

કાલે આત્મીય યુનિ.માં રાજયકક્ષાનો સાયન્સ એન્ડ એન્જીનિયરીંગ ફેરઃ વિદ્યાર્થીઓનું પ્રદર્શન

સાયન્સ- ઈજનેરીના ૧૬૦ પ્રોજેકટસનું નિદર્શનઃ અગ્રણી કોલેજના છાત્રો ભાગ લેશેઃ વિરાણી સાયન્સ કોલેજની સુવર્ણ જયંતિ નિમિતે આયોજન

રાજકોટ,તા.૪: આત્મીય યુનિવર્સિટી (આત્મીય યુનિ.ના પરીસરમાં) રાજકોટ ખાતે આવતીકાલે તા.૫ના શનિવારે રાજયસ્તરીય સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ ફેર- ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. સાયન્સ સોસાયટી ઓફ ઈન્ડિયા- બેંગલુરૂ દ્વારા સતત બીજા વર્ષે આ પ્રદર્શન માટે આત્મીય પરિસરની પસંદગી કરવામાં આવી છે. આ ફેરમાં રાજયની નામાંકિત સાયન્સ અને ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ પ્રોજેકટસ રજુ કરવાના છે. જેમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રણાલીઓ અને પ્રયોગોનું જીવંત નિદર્શન કરવામાં આવશે.

આત્મીય યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.સંથાનકૃષ્ણને જણાવ્યા અનુસાર આ ફેરમાં જુદી જુદી ચાર કેટેગરીમાં વિદ્યાર્થીઓ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરશે. જેમાં હાર્ડવેર પ્રોજેકટસ, સોફટવેર પ્રોજેકટસ, હાર્ડવેર- સોફટવેર પ્રોજેકટસ અને સાયન્સ પ્રોજેકટસનો સમાવેશ થાય છે. આત્મીય ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સના સંવાહક પૂજય ત્યાગવલ્લભસ્વામીના હસ્તે આ ફેરનું ઉદ્ઘાટન થશે.

સાયન્સ સોસાયટી ઓફ ઈન્ડિયા- બેંગલુરૂના ચેરમેન ડો.નારાયણ ઐયર સહીત પાંત્રીસ જેટલા નિર્ણાયકો કુલ એકસો સાંઈઠ પ્રોજેકટસમાંથી ત્રણ- ત્રણ કૃતિઓની પસંદગી કરશે. પ્રોજેકટની ઉપયોગીતા, નવિનતા, ખર્ચ, ગુણવત્તા, ડીઝાઈન, પર્યાવરણ પર થતી અસર વગેરેને ધ્યાનમાં લઈને વિજેતાક્રમ નક્કી કરવામાં આવશે. જેમાં પ્રથમ ક્રમે રહેનારને સુવર્ણ, દ્વિતીય ક્રમે રહેનારને રજત અને તૃતીય ક્રમે રહેનારને કાંસ્ય ચંદ્રક આપવામાં આવશે. સુવર્ણચંદ્રક વિજેતા પ્રોજેકટસને રાષ્ટ્રીય સ્તરના આયોજનમાં ભાગ લેવાનું ગૌરવ પણ મળશે.

સૌરાષ્ટ્રમાં થયેલી શૈક્ષણિક ક્રાંતિના મશાલચી બનવાનું સૌભાગ્ય જેને સાંપડ્યું છે એ એમ.એન્ડ એન. વિરાણી સાયન્સ કોલેજની સુવર્ણજયંતિ નિમિતે થઈ રહેલાં આયોજન અંતર્ગત આ સાયન્સ એન્જીનીયરીંગ ફેર યોજાઈ રહ્યો છે. આ આયોજનમાં ગુજરાત સરકાર પ્રેરિત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (એસએસઆઈપી)નો સહયોગ સાંપડ્યો છે.

આ પ્રસંગે સાયન્સ સોસાયટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ શ્રી નારાયણ ઐયર સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીના વર્તમાન પ્રવાહો અંગે સંવાદ સાધવાની વિદ્યાર્થીઓને તક મળશે. શાળા- કોલેજીસના વિદ્યાર્થીઓ માટે આ પ્રદર્શન કાલે સવારે ૧૦ થી સાંજે ૪ સુધી ખુલ્લું રહેશે.

આત્મીય ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ સંવાહક પૂ. ત્યાગવલ્લભ સ્વામીના જણાવ્યા પ્રમાણે આ પ્રકારનાં પ્રદર્શનમાં રજુ થતા વિવિધ પ્રોજેકટસને કારણે વિદ્યાર્થીઓ વિજ્ઞાનમય બને છે. સાથેસાથે તેમની આંતરિક શકિતને અભિવ્યકત થવાની તક સાંપડે છે. વિદ્યાર્થીઓ આ પ્રકારના આયોજનમાં નવી નવી ટેકનીકસથી માહિતગાર થશે તો તેમને નવું વિચારવાની, નવું કરવાની દિશા મળશે.

આત્મીય યુનિવર્સિટી દ્વારા યોજાનારા આ આ ફેરમાં પર્યાવરણને સાનુકુળ જીવનશૈલી અપનાવવાનો અનુરોધ કરતાં સુત્રો, ચાર્ટ્સ, માહિતીઓ વગેરેની પણ રજૂઆત થશે. સુપ્રસિધ્ધ વૈજ્ઞાનિકોના ફોટોગ્રાફસ સાથેનાં જીવનચરિત્રોના ચાર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર થવાની તક બનશે. વિદ્યાર્થીઓને અને જાહેર જનતાને આ પ્રદર્શન નિહાળવા માટે જાહેર નિમંત્રણ આપયું છે.

(3:23 pm IST)