Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

એઇમ્સની મંજુરીને આવકાર પણ બજેટ અને બાંધકામની કામગીરી યુધ્ધના ધોરણે કરાવજોઃ ઇન્દ્રનીલભાઇ

કઇ મેડીકલ ફેકલ્ટી, કયા રીસર્ચ સેન્ટર સહિતની જાહેરાતો કેમ નકરાઇ?

  રાજકોટ તા.૪, સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં એઈમ્સની મંજૂરીના નિર્ણયને આવકાર અભિનંદન ને પાત્રછે પણ એઈમ્સના બજેટ અને બાંધકામની કામગીરી યુદ્ઘના ધોરણે થવી જોઈએ, બજેટની વિગતો જાહેર નથી કરી તેમજ કઈ કઈ ફેકલ્ટી છે અને કયાં રીસર્ચ સેન્ટરનો સમાવેશ કરાયો છે તેની પણ જાહેરાત થઈ નથી. છ-છ વર્ષ સુધી એઈમ્સની માત્ર વાતોજ થઇ હતી ત્યારે હવે સરકારે મંજુરી આપી છે તો બીજા વર્ષો વાતોના વડા કરવામાં વીતી ન જાય અને મતનું રાજકારણ નહી કરવા મારી અપીલ છે તેમ ઇન્દ્રનીલભાઈ રાજગુરુએ કહ્યું છે.

પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજગુરુએ એઈમ્સ અંગે કહ્યું છે કે સાલ ૨૦૧૨થી રાજકોટને એઈમ્સ મળશે તેવી વાત થઈ હતી, વર્ષો વીતી ગયા પણ નક્કર કામગીરી થતી ન હતી. ચુંટણી ટાણે મતનું રાજકારણ ખેલવા માટે એઈમ્સની વાત વહેતી મુકાતી હતી. લોકોની સહનશકિત ખૂટી ગઈ હતી માટે લોકશાહીમાં લોકજાગરણ કરવા ટીમ ઇન્દ્રનીલ ફોર યુ દ્વારા લડતની ચીમકી આપવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે એઈમ્સ ફાળવવા સરકારને ઢંઢોળવા જનજાગૃતિના કાર્યકમની જાહેરાત થઈ હતી, ૮ દિવસનું અલ્ટીમેટમ અપાયું હતું અને સરકાર દ્વારા રાજકોટમાં એઈમ્સની સતાવાર જાહેરાત કરવામાં આવી છે. સરકારનો નિર્ણય આવકાર દાયક છે, અભિનંદનને પાત્ર છે.

એઈમ્સની કામગીરી કયારે શરુ થશે? કેટલું બજેટ ફાળવાયું છે? કઈ કઈ ફેકલ્ટીનો સમાવેશ છે? કયાં કયાં રીસર્ચ સેન્ટર છે? તેની કોઈ વિગતો હજુ સુધી જાહેર થઈ નથી. રાજકોટથી વિરમગામ રેલ્વેટ્રેકની કામગીરી કાચબા ગતિએ થઈ રહી છે. વર્ષોથી રેલ્વે સુવિધાની વાતો થઈ રહી છે, પણ હજુ સુધી ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ કેમ નથી થઈ? લોકોને કટકે કટકે આપવાની નીતિ ખોરા ટોપરા જેવી છે, ડબલ ટ્રેક અને એઈમ્સને બજેટ ફાળવવું જોઈએ, સતાવાર જાહેરાત કરવી જોઈએ. મુખ્યમંત્રી રાજકોટના છે એટલે રાજકોટવાસીઓને અપેક્ષા હોય ત્યારે લોકોની અપેક્ષા સંતોષવી જોઈએ ફકતને ફકત લોકોને રાજી રાખવા મતનું રાજકારણ ન કરવું જોઈએ તેવી મારી વિનંતી છે. કોઈ સરકાર અમરપટ્ટો લઈને નથી બેસતી.

રાજકોટને એઈમ્સ મળી છે એ સૌરાષ્ટ્રની લોકલાગણીની જીત થઇ છે તેને વધાવવા ટીમ ઇન્દ્રનીલ ફોર યુ દ્વારા ફટાકડાની આતશબાજી કરવામાં આવી હતી અને રાહદારીઓના મોઢા મીઠા કરાવવા મીઠાઈની વહેચણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વશરામભાઈ સાગઠીયા, અતુલભાઈ રાજાણી, અભિષેકભાઈ તાળા, નીલીબેન રાજગુરુ, હેમંતભાઈ વીરડા, મચ્છાભાઈ ગોહિલ, ચંદુભાઈ બદ્રકીયા, અમુભાઈ પરમાર, વિજયભાઈ નકુમ, વિજયસિંહ જાડેજા, પરેશભાઈ શીંગાળા, મનીષભાઈ કક્કડ, જીતુભાઈ ઠાકર, શૈલેશભાઈ મહેતા, હર્ષિતભાઈ જાની, મુકેશભાઈ ડાભી, મુકેશપરી ગોસ્વામી, રસિકભાઈ ભટ્ટ, રમઝાનભાઈ રાઉમા, ફિરોઝભાઈ કૈડા, અક્રમભાઈ દાવદાણી, બીલાલભાઈ ઉઠમણા, સલીમભાઈ કારીયાણી, જયોત્સનાબેન ભટ્ટી, જયાબેન ચૌહાણ, અમિષાબેન ગોહેલ, વહીદાબેન ગાંજા, કલાબેન સોરઠીયા, સ્નેહાબેન સોરઠીયા, બીનાબેન મારૂ, દિપ્તીબેન રવિયા, સંજનાબેન, દેવાંશીબેન બોરીસાગર સહિતના જોડાયા હતા.

(3:20 pm IST)