Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

અદ્યતન સારવાર ઘર આંગણે : રાજકોટમાં એઇમ્સના વધામણા

સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદરૂપ નિવડશે - સખીયા, મેતા, ઢોલ, બોઘરા * અદ્યતન સુવિધા મળ્યાની લોકહૈયે ખુશી - મિરાણી, માંકડ, કોઠારી, રાઠોડ * વડાપ્રધાન અને મુખ્યમંત્રીના પ્રયાસોથી સીમાચિન્હરૂપ સફળતા - ગીરીશ પરમાર * તબીબી ક્ષેત્રે સર્વાંગી વિકાસ તરફ કદમ - સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ * કોંગ્રેસ, એનજીવઓ અને જાગૃત નાગરીકોના પ્રયત્નો ફળ્યા - વિપક્ષી ઉપનેત મનસુખ કાલરીયા

રાજકોટ તા. ૪ : તબીબી ક્ષેત્રે ૧૨૦૦ કરોડના ખર્ચે બનનાર એઇમ્સ હોસ્પિટલ રાજકોટને મળતા ચોમેરથી ખુશીભેર વધામણા થઇ રહ્યા છે. વિવિધ ક્ષેત્રના આગેવાનોએ પ્રતિભાવરૂપ મોકલેલ યાદીઓ અહીં પ્રસ્તુત છે.

સખીયા-મેતા-ઢોલ-બોઘરા

રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ ડી. કે. સખીયા, મહામંત્રી ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સફળ પ્રયાસોથી સીમાચિન્હરૂપ સુવિધા રાજકોટ સૌરાષ્ટ્રને પ્રાપ્ત થઇ છે. ખંઢેરી ખાતે બનનાર આ વિશાળ હોસ્પિટલથી હાર્ટ ડીસીઝ, કેન્સર, ન્યુરોસર્જરી જેવી મુશ્કેલરૂપ સારવાર હવે રાજકોટમાં ઘર આંગણે ઉપલબ્ધ થશે. જેમાં ભારત ઉપરાંત વિશ્વના નામાંકિત ડોકટરોની સેવા પ્રાપ્ત થશે. હોસ્પીટલમાં ટીંચીંગ, રીસર્ચ અને નવા સંશોધનો પણ થશે. ભાજપા સરકારે આરોગ્યલક્ષી અનેકવિધ યોજનાઓ બનાવી ગરબી અને મધ્યમવર્ગના આરોગ્યની ચિંતા કરી સ્વસ્થ ભારત નિર્માણના પાયા નાંખ્યા હોવાનું શ્રી સખીયા, શ્રી મેતા, શ્રી ઢોલ, શ્રી બોઘરાએ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદી, શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલનો આભાર વ્યકત કરેલ છે.

મિરાણી-માંકડ-કોઠારી-રાઠોડ

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી અને કિશોર રાઠોડે સંયુકત યાદીમાં જણાવેલ છે કે રાજકોટને એઇમ્સ ફાળવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સૌરાષ્ટ્રને અમુલ્ય ભેટ અપાઇ છે. અદ્યતન સુવિધાઓ હવે ઘર આંગણે મળતી થવાની ખુશી જનજનના હૈયે વર્તાઇ રહી છે. સંવેદનશીલ અને પ્રગતિશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના અથાક પ્રયાસોની ફળશ્રુતિરૂપે મળેલ એઇમ્સ હોસ્ટિલથી રાજકોટ સૌરાષ્ટ્રના દર્દીઓને દિલ્હી જેવી સારવાર અહીં ઉપલબ્ધ થશે. જટીલ સર્જરીઓ અહીં નહીવત ખર્ચે થઇ શકશે.

ગીરીશ પરમાર

મનરેગાના ડીરેકટર ગીરીશ પરમારે એઇમ્સને આવકારતા જણાવ્યુ છે આરોગ્યક્ષેત્રે રાજકોટ સૌરાષ્ટ્ર ઉચ્ચ કક્ષાની સુવિધાઓથી સજજ બનવા જઇ રહ્યુ છે તે દેશના વડાપ્રધાન અને રાજયના મુખ્યમંત્રીની સિમાચિન્હરૂપ સફળતા ગણી શકાય. ૧ હજાર બેડની સુવિધા સાથેની  એઇમ્સ હોસ્પિટલ શરૂ થવાથી સૌરાષ્ટ્રના દર્દીઓને હવે દુર નહીં જવુ પડે. સાથો સાથ રાજકોટનો આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ પણ મળ્યુ હોય લોકોની ખુશી બેવડાઇ છે. તેમ મનરેગાના ડીરેકટર ગીરીશ પરમારે જણાવેલ છે.

સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ

આરોગ્ય ક્ષેત્રે સૌરાષ્ટ્રે હવે સર્વાંગી વિકાસ તરફ કદમ માંડેલ છે તેમ સોરાષ્ટ્ર વિકાસ પરિષદના કાર્યકારી પ્રમુખ જયંતિભાઇ કાલરીયા, સલાહકાર અગ્રણી સુધીરભાઇ જોશી, યશવંતભાઇ જનાણી અને ઉપપ્રમુખ જીમ્મી અડવાણીએ એઇમ્સ હોસ્પિટલ મળ્યા બદલ ખુશી વ્યકત કરતા જણાવેલ છે. તેઓએ જણાવ્યુ છે કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બાદ સૌરાષ્ટ્રની જનતાને બીજી મોટી ભેટ આરોગ્ય સુવિધારૂપે મળી છે. રાજકોટ રાષ્ટ્રીય અને વૈશ્વિક ક્ષેત્રે મેડીકલ હબ બની રહેશે.

મનસુખભાઇ કાલરીયા

 મહાનગર પાલીકા વિપક્ષી ઉપનેતા અને વોર્ડ નં.૧૦ ના કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાએ જણાવેલ છે કે રાજકોટને અદ્યતન એઇમ્સ હોસ્પિટલ મળવા માટે કોંગ્રેસ, એન.જી.ઓ., જાગૃત નાગરિકોના સતત પ્રયત્નો ફળ્યા છે. લોકસભાની ચુંટણી નજીક આવતા સરકાર ઉપર દબાણ વધતા તેમણે અમલવારીનો વહેલીતકે નિર્ણય લેવા મજબુર થવુ પડયુ છે. એઇમ્સ મળે તે માટે કોંગ્રેસે આંદોલનના શપથ લીધા હતા. આ ઝુંબેશમાં એનજીઓ મિડીયા અને જાગૃત નાગરીકોનો સહકાર મળ્યો અને ઉઠાવેલ અવાજને કારણે રાજકોટને અઇમ્સ ફાળવાતા સૌ માટે સારી વાત હોવાનું મનસુખભાઇ કાલરીયાએ જણાવેલ છે.

ગોવિંદ પટેલ

રાજકોટને એઇમ્સ મળી તે બદલ ધારાસભ્ય ગોવિંદ પટેલે ખુશી વ્યકત કરી વડાપ્રધાનશ્રીનો આભાર વ્યકત કરેલ છે. તેઓએ જણાવ્યુ છે કે નરેન્દ્રભાઇ સી.એમ. હતા ત્યારે એઇમ્સની ચર્ચામાં હું ભાગ લેતો અને સવાલો ઉઠાવ્યા હતા. રાજકોટને એઇમ્સ મળે તે માટે જમીનની ચર્ચા થતા મેં બતાવેલ જગ્યા પર આજે પસંદગી ઉતરી છે અને મારા ધારાસભ્ય પદ દરમિયાન જ એક સારી સુવિધા સૌરાષ્ટ્રને અપાવવામાં હું યશ ભાગી બન્યો છુ. મેડીકલ સ્ટુડન્સ માટે પણ સંશોધનની સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થશે.

ભાનુબેન બાબરીયા

પૂર્વ ધારાસભ્ય અને રાષ્ટ્રીય અનુ.જાતિ મોરચાના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવેલ છે કે કેન્દ્રની ભાજપની નરેન્દ્રભાઇ મોદીની સરકારે રાજકોટ સૌરાષ્ટ્રને એઇમ્સ ફાળવતા ગરીબ મધ્યમવર્ગ માટે આશીર્વાદરૂપ સુવિધા ઉપલબ્ધ થશે. ગંભીર અને ખર્ચાળ બિમારીમાં પણ આ વિસ્તારના લોકોને હવે દુર સુધી દોડવાની જરૂર નહી પડે. ઘર આંગણે અદ્યતન આરોગ્ય સેવાઓ મળી રહેશે.

(3:18 pm IST)