Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

આધારકાર્ડ મામલે રાજકોટ કલેકટરતંત્રને સરકારની નોટીસ

ત્રણ મહિનાથી કલેકટર કચેરી અને તમામ મામલતદાર કચેરીમાં આધારકાર્ડ નીકળતા નથી તે બાબતે ખુલાસો પૂછયો : આધારકાર્ડમાં હવે સુધારા-વધારાની ફીમાં ડબલ વધારોઃ રૂ. રપના સીધા : ૫૦ કરી નખાયાઃ ૧૫ વર્ષથી નીચેના બાળકોને પણ ''ફી'' લાગુ કરાઇ!! : ૧૫ વર્ષથી નીચેના બાળકોના આધારકાર્ડ માટે હવે રૂ. ૧૦૦ ભરવા પડશેઃ મચી ગયેલો દેકારો

રાજકોટ તા.૪: આધારકાર્ડ મામલે રાજકોટ કલેકટર તંત્રને -જવાબદાર અધિકારીઓને ગુજરાત સરકારના સામાન્ય અને વહીવટ વિભાગે નોટીસ ફટકારતા ખળભળાટ મચી ગયો છે.

રાજ્ય સરકારે અગાઉના આદેશથી રાજકોટ શહેરમાં મહાનગર પાલિકાને અને જિલ્લાના તાલુકા પ્લેસમાં નગરપાલિકાઓને આધારકાર્ડ કાઢવાનો હવાલો સોંપ્યો છે.

તો રાજકોટ કલેકટરતંત્રને આખુ સુપરવિઝન પણ સોપ્યું છે, પરંતુ ખાટલે મોટી ખોટ એમ રાજકોટ નવી કલેકટર કચેરી તથા શહેરની તાલુકા અને ત્રણેય સીટી મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ મહિનાથી આધારકાર્ડ કાઢવાની કામગીરી ઠપ્પ છે, હજારો લોકો હેરાન થાય છે, ઠામુકી કોઇ નથી, અને લટકામાં આધારકાર્ડમાં સોફટવેર અપડેટ કરાયો નથી. જેના પરિણામે બધુ ઠપ્પ થઇ ગયું છે. આ બાબતે એક અરજદારે ગાંધીનગરમાં ફરિયાદ કરી હતી અને તેના આધારે રાજ્યના સામાન્ય અને વહીવટી વિભાગે રાજકોટ કલેકટર તંત્રને નોટીસ ફટકારતા ભારે ચર્ચા ઉપડી છે.

દરમિયાન આધારકાર્ડની કામગીરીમાં પણ ભાવ વધારો ઝીંકી દેવાયાનું કલેકટર લોબીના સુત્રોએ ઉમેર્યું હતું.

આ ભાવ વધારો ૧ જાન્યુઆરી ૨૦૧૯થ અમલમં આવ્યો છે, જેમાં નામ સુધારો, સરનામા સુધારો, ફીંગરપ્રિન્ટ બાયોમેટ્રીકમાં પહેલા રૂ. રપ લેવાતા તેના ડબલ હવે સીધા રૂ. ૫૦ કરી નખાયા છે, એટલું જ નહીં અત્યાર સુધી ૧૫ વર્ષથી નીચેના બાળકોના આધારકાર્ડ વિનામુલ્યે નીકળતા હતાં તેમા હવે ફી સીધા રૂ. ૧૦૦ કરી નખાતાં દેકારો મચી ગયો છે.

હાલ રાજકોટ જિલ્લામાં જસદણ, વિંછીયા, કોટડાસાંગાણી અને ઉપલેટામાં આધારકાર્ડ કાઢવાની કામગીરી ચાલુ છે,લટકામાં ગેરરીતિ સબબ ધોરાજી-જેતપુર- લોધીકાની એજન્સીને બ્લેક લીસ્ટમાં મુકી દેવાઇ છે. ટુંકમાં રાજકોટ કલેકટરતંત્ર કચેરીઓમાં અને અમુક તાલુકાઓમાં આધારકાર્ડ મામલે હજારો લોકો હેરાન-પરેશાન છે.

(3:17 pm IST)