Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસમાં રાજકોટનો અશ્વિન છવાયો

'મલ્ટી પર્પઝ સોલાર કુકર એન્ડ હિટર' પ્રોજેકટને નેશનલમાં 'એ' ગ્રેડમાં સ્થાન * મહાનગરપાલીકા સંચાલિત એકનાથ રાનડે વિદ્યાલય ચોથી વખત રાષ્ટ્રીયકક્ષાએ ઝળકી * વેસ્ટમાંથી બેસ્ટ થીમ પર સમગ્ર સંશોધન * રસોઇ પણ બને અને પાણી પણ ગરમ થાય * ચોમેરથી શુભેચ્છાવર્ષા

રાજકોટ તા. ૪ : સાધારણ પરીવારમાંથી આવતા અને મહાનગરપાલિકા સંચાલિત એકનાથ રાનડે શાળામાં અભ્યાસ કરનાર રાજકોટના અશ્વિન કુશવાહાએ 'મલ્ટી પર્પઝ સોલાર કુકર એન્ડ હિટર' તૈયાર કરીને રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળતી સિધ્ધી હાંસલ કરી છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ટીમે જણાવ્યુ હતુ કે એનસીએસસી દ્વારા દર વર્ષે બાળ વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત રાજકોટ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ઓકટોબરમાં યોજાયેલ વિજ્ઞાન કોંગ્રેસમાં એકનાથ રાનડે વિદ્યાલયના અશ્વિન કુશવાહા અને સહાયક નવાબશાહ શાહમદારે આ મલ્ટી પર્પઝ સોલાર કુકર એન્ડ હીટરનો પ્રોજેકટ રજુ કરતા ૧૦૦ માંથી ૧૦ માં સ્થાન મેળવ્યુ હતુ.

બાદમાં રાજયકક્ષાએ ૩૩૦ પ્રોજેકટ વચ્ચે સ્થાન મેળવ્યુ અને એ રીતે તાજેતરમાં યોજાયેલ નેશનલ કક્ષાની બાળ વિજ્ઞાન કોંગ્રેસમાં ભુવનેશ્વર ખાતે ભાગ લીધો અને 'એ' ગ્રેડમાં સ્થાન મેળવી રાજકોટ ગુજરાતનો રાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડી દીધો છે.

શાળાના આચાર્યશ્રી આશીષ પાઠક અને વિજ્ઞાન શિક્ષીકા ભારતીબેન સનિશરાના માર્ગદર્શન હેઠળ અશ્વિન કુશવાહાએ આ પ્રોજેકટ માટે સમગ્ર તૈયારીઓ કરી હતી. જો કે લોકવિજ્ઞાન કેન્દ્રના ડો. રમેશભાઇ ભાયાણી, વિરાણી શાળાના ભનુભાઇ ગઢીયા અને મીનેષભાઇ મેઘાણીનું ટેકનીકલ માર્ગદર્શન પણ તેને એટલુ જ કામ લાગ્યુ હતુ.

'મલ્ટી પર્પઝ સોલાર કુકર એન્ડ હીટર' પ્રોજેકટની માહીતી આપતા ભારતીબેન શનીશરા અને અશ્વિન કુશવાહાએ જણાવેલ કે અમો વેસ્ટમાંથી બેસ્ટ થીમને કેન્દ્રમાં રાખીને આગળ વધ્યા હતા.

ટીવીની જુની સી બેન્ડ છત્રી (એન્ટેના), સીલ્વર ફોઇલ, ત્રાંબાના પતરાની પ્લેટ, લોખંડનું સ્ટેન્ડ ઉપયોગમાં લીધુ અને આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ સોલાર કુકર તૈયાર કર્યુ. માર્કેટમાં મળતા સોલાર કુકર કરતા આ કુકર વધુ કાર્યક્ષમતા ધરાવે છે એન રસોઇ તૈયાર કરવાની સાથે પાણી પણ ગરમ કરી આપે છે.

બનાવવુ તદન સહેલુ છે. ઘરે જાત મેળાયે તૈયાર થઇ શકે છે. ટીવીના જુના એન્ટેનાની છત્રીને અંદરના ભાગે સીલ્વર ફોઇલ લગાવી અંતર્ગો રીફલેકટર બનાવી તેની સામે કાળો કલર કરેલ હીટકંડકટર ધાતુ તરીકે તાંબાનું પતરૂ મુકવાનું. ત્રાંબાના પતરા પર ત્રાંબાની જ ટયુબ ગેસ વેલ્ડીંગથી જોડવી. વચ્ચે રસોઇ માટેનું વાસણ મુકવા લોખંડના ચોરસ પાઇપ વડે સ્ટેન્ડ બનાવવુ. એટલે સોલાર કુકર એન્ડ હીટર તૈયાર.

કોઇ બળતણની નહી, કોઇ પોલ્યુશન નહી, કોઇ જાજો ખર્ચ નહી, કોઇ જાળવણી ખર્ચ નહી, જાજી જગ્યાની જરૂર નહી છતાય એક વધુ વધુ કામ આપતુ કુકર એન હીટર આ રીતે તૈયાર.

ધો. ૧૦ માં અભ્યાસ કરી રહેલ અશ્વિન કુશવાહા એક કડીયા કામ કરીને ગુજરાત ચલાવતા રાજદેવસિંહનો પુત્ર છે. છતા પોતાની ધગશ અને શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકો અને તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ સતત પરીક્ષમ કરીને આટલી ઝળહળતી સિધ્ધીને પામ્યો છે. તે કહે છે કે મને નાનપણથી સંશોધનાત્મક કાર્યમાં રસ હતો. એમ તો રમત ગમત ક્ષેત્રે પણ એટલો જ રસ છે. દોડ અને કુદમાં જન કક્ષાએ ભાગ લઇ ચુકયો છુ.

દરમિયાન આજ શાળાના એક બીજી ટીમ પણ આગળ આવી છે. જેમાં ધો.૯ ની વિદ્યાર્થીની રોશની વાઘેલા અને ધર્મેશ સરવૈયાએ પણ ઓર્ગેનીક જંતુનાશક દવાનો પ્રોજેકટ તૈયાર કરેલ છે. વનસ્પતિ અને ગૌમુત્રમાંથી જંતુનાશક બનાવવાનો તેમનો પ્રોજેકટ પણ જિલ્લા અને રાજય કક્ષા સુધી પસંદગી પામ્યો હતો.

શાળા અને વિદ્યાર્થીઓની આ કાબેલીયત માટે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા અશ્વિન કુશ્વાહા, શાહમદાર નવાબશાહ, વિજ્ઞાન શિક્ષીકા ભારતીબેન સનીશરા (મો.૯૯૨૫૦ ૭૩૮૧૧), પ્રિન્સીપાલ આશિષ પાઠક (મો.૯૪૨૭૧ ૭૧૨૭૮), લોકવિજ્ઞાન કેન્દ્રના ડો. રમેશભાઇ ભાયાણી, વિરાણી હાઇસ્કુલના ભનુભાઇ ગઢીયા અને મીનેષભાઇ મેઘાણી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

એકનાથ રાનડે વિદ્યાલયે ચાર ચાર વખત રાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડયો

રાજકોટ : અહીં ભારતીબેન સનિશરાએ જણાવ્યુ હતુ કે અમારી 'એકનાથ રાનડે વિદ્યાલય' ની આ સતત ચોથી સિધ્ધી છે. વર્ષ ૨૦૧૧ માં અડધા વોટનો બનાવેલ ટેબલ લેમ્પ, વર્ષ ૨૦૧૩ માં બનાવેલ એલ.ઇ.ડી. ટયુબલાઇટ, વર્ષ ૨૦૧૭ માં બનાવેલ પવનચકકી અને હાલ ૨૦૧૮ માં મલ્ટી પ્રમોઝ સોલાર કુકર એન્ડ હીટરનો પ્રોજેકટ નેશનલ કક્ષાએ પસંદગી પામેલ છે.

જાતે જ બનાવો સોલાર કુકર એન્ડ હીટર

રાજકોટ : એકનાથ રાનડે વિદ્યાલયની ટીમે જણાવ્યા મુજબ મલ્ટી પ્રપોઝ સોલાર કુકર એન્ડ હીટર જાતે પણ બનાવી શકાય છે. આ માટે ટી.વી.ના જુના એન્ટેનાની છત્રી, ત્રાંબાનું પતરૂ, સીલ્વર ફોઇલ, લોખંડનું સ્ટેન્ડનો ઉપયોગ કરીને આ કુકર તૈયાર કરી શકાય છે. આંતરગોળ અરીસામાં કાયમ ૯૦ અંશના ખુણે મુખ્ય કેન્દ્ર પર સૌથી વધુ ગરમી ઉત્પન થાય છે તે મુજબ એન્ટેનાની છત્રીને સીલ્વર ફોઇલથી મઢી અંદર ત્રાંબાના પતરાને ગોઠવવામાં આવે છે. ત્રાંબાના પતરાની સાથે પાણી વહન થાય તેવી ટયુબ લગાવી દો. વચ્ચેના કેન્દ્ર ભાગમાં કુકર કે રસોઇ માટેના વાસણ રાખવા લોખંડની પટ્ટીઓથી સ્ટેન્ડ બનાવો. એટલે સોલાર કુકર એન્ડ હીટર તૈયાર.

(3:14 pm IST)