Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સોરઠીયા પ્લોટમાં મયુર પંડ્યાને રાહુલે પકડી રાખ્યો ને ધર્મેશે છરી ઝીંકીઃ હત્યાનો પ્રયાસ

બ્રાહ્મણ યુવાનની કોૈટુંબીક બહેનને અગાઉ ધર્મેશ વણકર ભગાડી જતાં અપહરણનો ગુનો નોંધાયો હોઇ તેનો ખાર રાખી હીચકારો હુમલોઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૪: જીલ્લા ગાર્ડન ઘાંચીવાડ નજીક સોરઠીયા પ્લોટમાં રહેતાં બ્રાહ્મણ યુવાન પર ઘાંચીવાડના વણકર શખ્સ અને તેના મિત્રએ છરીથી હુમલો કરી ગંભીર ઇજા કરતાં સારવાર માટે દાખલ થયો છે. પોલીસે આ બારામાં હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે. અગાઉ બ્રાહ્મણ યુવાનની કોૈટુંબીક બહેનને વણકર શખ્સે ભગાડીને લવમેરેજ કર્યા હોઇ તે વખતે તેના વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધાયો હતો. આ બાબતનો ખાર રાખી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યાનું બહાર આવ્યું છે.

સોરઠીયા પ્લોટ-૫માં રહેતો મયુર મનસુખભાઇ પંડ્યા (ઉ.૨૩) રાત્રે પોણા દસેક વાગ્યે પોતાના ઘર પાસે હતો ત્યારે નવી ઘાંચીવાડનો વણકર શખ્સ ધર્મેશ પરમાર તથા તેનો મિત્ર રરાહુલ ચાવડા આવ્યા હતાં. બંનેએ ગાળાગાળી કર્યા બાદ રાહુલે મયુરને પકડી લીધો હતો અને ધર્મેશે છરી કાઢી જમણા સાથળમાં ઘા ઝીંકી દેતાં દેકારો મચી ગયો હતો. બીજા લોકો ભેગા થઇ જતાં બંને ભાગી ગયા હતાં.

મયુરને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તેની ફરિયાદ પરથી પી.આઇ. એન. કે. જાડેજા, રણજીતસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા સહિતે મયુરની ફરિયાદ પરથી ધર્મેશ અને રાહુલ સામે આઇપીસી ૩૦૭, ૫૦૪, ૧૧૪, ૩૭ (૧), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. મયુરના કહેવા મુજબ તેના કોૈટુંબીક કાકાની દિકરીનું અગાઉ ધર્મેશ અપહરણ કરી ગયો હતો. આ કારણે તેના વિરૂધ્ધ જે તે વખતે અપહરણનો કેસ દાખલ કરાવાયો હતો. ત્યારથી મનદુઃખ ચાલતું હોઇ ગત રાત્રે તેનો ખાર રાખી હુમલો કર્યો હતો.

ગંભીર ઇજાગ્રસ્ત મયુર બે ભાઇ અને એક બહેનમાં મોટો છે અને જુના એસટી બસ સ્ટેશન સામે ઘડીયાળની દૂકાનમાં નોકરી કરે છે. પોલીસે હત્યાનો પ્રયાસ કરી ભાગી ગયેલા બંને શખ્સની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૫)

(11:48 am IST)